News Continuous Bureau | Mumbai
ગત રવિવારના રોજ મુંબઈ ગુજરાતી સંગઠન દ્વારા નાશિકની પંચવટી એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી ગોદાવરીબાઈ પ્રાથમિક શાળા તથા શેઠ શ્રી આર.પી. વિદ્યાલયને મહારાષ્ટ્રની માતૃભાષાની ઉત્તમ શાળા નું બિરૂદ આપવામાં આવ્યું હતું.\
નાશિક જેવા શહેરમાં આટલી સુંદર માતૃભાષા ગુજરાતીની શાળા અને એમના સતત અવિરત સંગઠિત પરિણામલક્ષી કાર્યો એમને માતૃભાષાની ઉત્તમ શાળાનું બિરુદ અપાવે છે. આ શાળામાં સંચાલકોથી લઈને આચાર્ય શિક્ષકો વાલીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં જે ધ્યેય માટે કાર્ય કરવાની ક્ષમતા છે અને પરિણામ આપવાની જે ધગશ છે, એ એમને ઉત્તમ શાળા બનાવે છે. અધ્યતન લેબોરેટરી ખૂબ જ વિશાળ મેદાન ખૂબ જ સુંદર બાલમંદિર અને પ્રાથમિક શાળા જેમાં રમતગમત સાથે ભાર વગરનું ભણતર, સંગીતના અલગ વર્ગો, સુંદર લાઇબ્રેરી તેમજ અગોચર પડેલી જગ્યા ને પણ તે લોકોએ સુંદર સ્વચ્છ બનાવી અને વિદ્યાર્થીઓના વિકાસ માટે નોલેજ પાર્ક જેવું બનાવીને આ જગ્યાનો પણ ઉપયોગ કર્યો. કોઈ ક જ એવી શાળા હશે જેમના શિક્ષકો આંતરસ્ફુરણાથી વિદ્યાર્થીઓના વિકાસ માટે વધારાનો સમય આપતા હોય. એમના સંચાલકોની દૂરંદેશી શાળાની પાયાકીય સુવિધામાં ધરખમ ફેરફારો પરિણામ લક્ષી કાર્યો અને સૌથી મોટું કે બધાને જ સાથે લઈને એક ધ્યેય માટે કાર્ય કરવાની માનસિકતા જ એમને ઉત્તમ શાળાનું બિરુદ અપાવે છે.
ગયા વર્ષે અંગ્રેજી માધ્યમની શાળામાંથી 45 જેટલા વાલીઓએ પોતાના બાળકને આ શાળામાં મૂક્યા હતા. કુલ ગયા વર્ષે 80 જેટલા વિદ્યાર્થીઓનો અહીં વધારો થયો હતો. આ દેખાડે છે કે કોરોના સમયમાં પણ વિસ્તારોમાં જઈને વાલીઓ સાથે કરેલી એમની સભાઓ અવિરત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથેના એમના પ્રયત્નો અને ઉર્વેશભાઈ જેવા માર્ગદર્શકના વડપણ હેઠળ મિશન માતૃભાષાના ધ્યેય માટે સમર્પણ ભાવના એમને ઉત્તમ શાળાનું બિરુદ અપાવે છે. ગરીબોની શાળાની tag માંથી બહાર આવી એમણે આ શાળાને સર્વની શાળા બનાવી એ બદલ ખૂબ ખૂબ અભિનંદન. બાકીની શાળાઓના સંચાલકો અને આચાર્યો માટે સાચે જ એક ઉદાહરણ પૂરું પાડે છે કે સંચાલકો અને આચાર્યો ધારે તો શું ન કરી શકે? જરૂર છે ફક્ત ઇચ્છાશક્તિની.
આ સમાચાર પણ વાંચો : સાવચેત રહેજો.. દેશમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે H3N2 ઈન્ફલ્યુએન્ઝા વાયરસ, અત્યાર સુધીમાં આટલા લોકોએ ગુમાવ્યા જીવ.. જાણો શું છે લક્ષણો
સર્વે વિજેતાઓને રોકડ ઇનામ, સ્મૃતિચિન્હ, પ્રમાણપત્ર અને પુસ્તકો આપવામાં આવ્યાં. આ કાર્યક્રમમાં પોતાના બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવતાં વાલીઓ પણ હાજર રહ્યાં અને માતૃભાષામાં પોતાના સંતાનને ભણાવવા વાલીઓ કટિબદ્ધ થયા. સદર કાર્યક્રમમાં સંસ્થાના ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈ પટેલ, સેક્રેટરી શ્રી દેવેન્દ્રભાઈ પટેલ ગોદાવરીબાઈ પ્રાથમિક શાળાના સેક્રેટરી તથા મિશન માતૃભાષાના અધ્યક્ષ શ્રી ગોપાલભાઈ પટેલ તથા સંસ્થાના પદાધિકારીઓ માજી વિદ્યાર્થીઓ શિક્ષકો તથા ગુજરાતી સમાજના મુરબ્બી વડીલો પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન મિશન માતૃભાષાના કાર્યો વિશે શ્રી ઉર્વીશભાઈ જોશીએ માહિતી આપી અને ભવિષ્યમાં હાથ ધરવાના પ્રકલ્પો વિશેપણ માહિતી આપી. ૨૦ જેટલા પાલકોએ નવા શૈક્ષણિક વર્ષમાં પોતાના બાળકને અંગ્રેજી માધ્યમમાંથી માતૃભાષામાં ભણાવવાની તૈયારી બતાવી..