ગત 21 ફેબ્રુઆરી 2023ના રોજ ‘યુવા બચાવો, દેશ બચાવો’ના નિર્ધાર સાથે દિલ્હીના ઇન્ડીયા ગેટથી નીકળેલો અમદાવાદનો દોડવીર ગત રોજ કામરેજ ખાતે આવી પહોંચ્યો હતો. ‘યુવા બચાવો, દેશ બચાવો’ અંતર્ગત 6 હજાર કિ.મી નું અંતર 95 દિવસમાં પૂર્ણ કરવાના નિર્ધાર સાથે નીકળેલો અમદાવાદનો રૂપેશ મકવાણા ગત રોજ બપોરે કામરેજ ખાતે આવી પહોંચ્યો હતો.
દિલ્હીના ઇન્ડીયા ગેટથી 21 ફેબ્રુઆરી 2023ના રોજ નીકળેલા દોડવીર કામરેજ આવી પહોંચેલા રૂપેશ મકવાણાએ મીડિયા સાથેની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, ‘દેશ બચાવો, યુવાનો બચાવો’ એ મુખ્ય સિદ્ધાંત સહિત પોતે દોડનું આયોજન કર્યું હતું અને 95 દિવસના સમયગાળા દરમિયાન 6 હજાર કિ.મી ની દોડ દરમિયાન મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઉત્તર પ્રદેશ થઈ દિલ્હીના ઇન્ડીયા ગેટ પરના ગંતવ્ય સ્થાને પહોંચ્યો હતો. તે છેલ્લા ચાર વર્ષથી પોતે 28 વર્ષની વયે અમદાવાદના નરોડા સર્કલ વિસ્તારમાં રહેતા ગરીબ પરિવારના બાળકો માટે મફત શિક્ષણ માટેની વ્યવસ્થા પૂરી પાડે છે. રાષ્ટ્રીય કક્ષાના એથલેટિક્સ સહિત અલ્ટ્રા રનર તરીકે નામના મેળવી ચૂકેલા રૂપેશ મકવાણાએ ખૂબ જ આવશ્યક અને મહત્વની વાત કરતા વધુમાં જણાવ્યું હતું કે, આજનું યુવાધન વ્યસનની ચુંગાલમાં ફસાઈ પોતાની યુવાની બરબાદ કરી રહ્યું છે. ત્યારે એ વ્યસન તરફ વળતા યુવાનો રમત ગમત તરફ વળી તેમના તણાવયુક્ત જીવનને નવો માર્ગ આપે અને દેશનું યુવાધન બરબાદીના માર્ગે જતું અટકે એ જ તેમનો મહત્વનો ધ્યેય છે.
આ સમાચાર પણ વાંચો : કંગાળ પાકિસ્તાનની વફાદારી પણ ઓછી થઈ રહી છે! આટલા ટકા યુવાનો દેશ છોડવા માગે છે, આંકડો જાણો ચોંકી જશો!
રૂપેશ મકવાણા દ્વારા તાલીમ પામેલા 2 યુવાનો નેવી ઓફિસર, 1 એરફોર્સ, 40 થી વધુ યુવાનો ઇન્ડિયન આર્મી તેમજ 35 જેટલા યુવાનો ગુજરાત પોલીસમાં પસંદગી પામી ચૂક્યા છે. તેમજ 10 જેટલા ખેલાડીઓ રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામ્યા છે. 11 ઓગસ્ટ 2022 ના રોજ 8 વાગ્યેથી 14 ઓગસ્ટ 2022 ના 11 વાગ્યા સુધી નિરંતર સતત દોડીને રૂપેશ મકવાણાએ 375 કિ.મી અંતર કાપીને સૌથી લાંબી મેરેથોન દોડ તરીકેનો રેકોર્ડ બનાવી વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. 95 દિવસમાં 6 હજાર કિ.મી દોડવાના નિર્ધાર સાથે નીકળેલા રૂપેશ મકવાણા દ્વારા સ્થાપિત કરવામાં આવનાર વિશ્વ વિક્રમ થકી પ્રાપ્ત થનાર ફંડ પોતે દેશના ગરીબ અને યુવાનો માટેના શિક્ષણ પાછળ ખર્ચ કરનાર છે.