પર્યટન - પ્રકૃતિ - ઈતિહાસ

પંજાબમાં ઉત્ખનન દરમિયાન મળી આવી ઐતિહાસિક ગુપ્ત સુરંગો; દિલ્હી અને લાહોર સુધી પહોંચાડાતા હતા સંદેશ, જાણો વિગત, જુઓ ફોટા

Jul, 29 2021


ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૯  જુલાઈ, ૨૦૨૧

ગુરૂવાર

ગુરુનગરી અમૃતસરમાં સુરંગો મળી આવી એ કોઈ નવી વાત નથી. એવું કહેવામાં આવે છે કે મહારાજા રણજિતસિંહના શાસન દરમિયાન અમૃતસર અને લાહોર વચ્ચે એક સુરંગ દ્વારા ગુપ્ત સંદેશા પહોંચાડવામાં આવ્યા હતા. હવે આવી જ વધુ એક સુરંગ ફરી વાર મળી આવી છે.

હકીકતે શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (SGPC) અહીં શ્રી અકાલ તખ્ત સાહિબ નજીક જોડાઘર (જૂતા મકાન)ના બાંધકામ અને પાર્કિંગ માટે ખોદકામ કરી રહી હતી. એવામાં અચાનક જમીનનો એક મોટો ટુકડો ધરાશાયી થયો અને બીજી ટનલ સામે આવી હતી. સુરંગ સામે આવતાં જ કામ અટકાવવામાં આવ્યું હતું. હવે ભારતીય પુરાતત્ત્વીય સર્વેક્ષણ (ASI)ની ટીમ એના ઐતિહાસિક મહત્ત્વની તપાસ કરશે.

કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે પ્રાચીન સમયમાં શ્રી હરિમંદિર સાહિબની આસપાસ એક પ્રકારના બુંગાઓ બનાવવામાં આવ્યા હતા. આ એક એવા પ્રકારનું બાંધકામ છે જેમાં વૉચ ટાવર હતું, એની ઉપર ગુંબજ અને નીચે ભૂગર્ભ એક ભોંયરું પણ બાંધવામાં આવતું હતું. તાજેતરમાં મળી આવેલી ટનલ આ શૈલીની છે. આ ટનલ નાનકશાહી ઈંટોની બનેલી છે. આ ઈંટો પાતળી ટાઇલ્સ જેવી હોય છે.

પ્રખ્યાત ઇતિહાસકાર સુરિંદર કોચર કહે છે કે “શ્રી અકાલ તખ્ત સાહિબની નજીક મળી આવેલું ભૂગર્ભ માળખું ટનલ નહીં પણ બુંગાની છે. જ્યારે 1949માં શ્રી હરિમંદિર સાહિબની આસપાસની પરિક્રમા પહોળી કરવામાં આવી હતી, ત્યારે બંગલા તૂટી ગયા હતા અને એને જમીનમાં દફનાવવામાં આવ્યા હતા.

શ્રી હરિમંદિર સાહેબના ભૂતપૂર્વ અધિકારી ભાઈ બલદેવસિંહ વડાલાએ આ મામલે એક મીડિયા હાઉસને કહ્યું હતું કે “ઇતિહાસમાં ઘણી જગ્યાએ ઉલ્લેખ છે કે શેરશાહ સુરીના શાસન દરમિયાન અમૃતસર પણ સુરંગો દ્વારા દિલ્હી અને લાહોર સાથે જોડાયેલું હતું. મહારાજા રણજિત સિંહના શાસનકાળ દરમિયાન ગોવિંદગઢ કિલ્લાથી હરિમંદિર સાહિબ, રામ બાગ, પુલ મોરા અને લાહોર સુધીની ટનલ હતી.

Leave Comments

Array ( [news] => ન્યૂઝ કંટીન્યૂઝ વિશે [subscribe] => સબસ્ક્રાઈબ કરો [share] => શેર કરો [more] => વધુ )