
આ કદમનું ઝાડ છે. વૈષ્ણવો આને ટેર કદમ કહે છે. કદમ ઉપર બિરાજેલા શ્રીકૃષ્ણ વહાલી ગાયોને બોલાવે છે, હે ગંગી,
હે ગોદાવરી.
ગાયોની વચ્ચે શ્રીકૃષ્ણ ઊભા હોય એવા ગોપાળનું ધ્યાન કરો. ગાયોની વચ્ચે બિરાજેલા શ્રીગોવર્ધનધર શ્રીકૃષ્ણ
વાંસળીથી ગાયોને, સર્વ જીવોને બોલાવે છે. શ્રીકૃષ્ણનું ધ્યાન કરવાથી જલ્દી તન્મયતા થાય છે.
ઇન્દ્રિયોને પરમાત્મા સાથે પરણાવો. ઇન્દ્રિયોને વિષયો સાથે જવા ન દો.
ભગવાનનું નામ ઋષિકેશ છે, તેનો અર્થ છે:-ઋષિક એટલે ઇન્દ્રિય અને ઇશ એટલે સ્વામી. ઇન્દ્રિયોના સ્વામી
શ્રીકૃષ્ણ છે. આ પાંચ વિષયો ઇન્દ્રિયોના સાચા પતિ નથી. તે પતિ થવા માગે છે, સંસારનું કોઈ પણ રૂપ આંખને દેખાય, ત્યાં
સુધી નિદ્રા આવતી નથી, એટલે ફલિત થાય કે આંખનો પતિ રૂપ નથી.
વિદુરજી વિચારે છે, મારા કરતાં આ પશુઓ શ્રેષ્ઠ છે, કે પરમાત્માને મળવા તેઓ આતુર થઇને દોડે છે. ગાયો શ્રીકૃષ્ણ
મિલન માટે વ્યાકુળ થઈ છે. ધિક્કાર છે મને. હજુ મને કૃષ્ણ મિલન માટે તીવ્ર ઇચ્છા થતી નથી. ગાયો દોડે છે અને હું પથ્થર જેવો
બેસી રહ્યો છું. આંખો પ્રેમભીની થઈ છે. એવો પ્રસંગ કયારે આવશે કે હું પણ ગાયોની જેમ કૃષ્ણમિલન માટે દોડીશ. વિદુરજી
કૃષ્ણલીલાનું ચિંતન કરતા કૃષ્ણ પ્રેમમાં પાગલ બન્યા છે, અતિ તન્મય થયા છે. કોઇપણ રીતે જગતને ભૂલી જાવ અને પ્રભુ
પ્રેમમાં તન્મય થાવ, આ સર્વ સાધનનું રહસ્ય છે. વિરહ અતિશય તીવ્ર બને છે, ત્યારે પરમાત્મા મળે છે.
પ્રભુ તે વખતે પ્રભાસમાં હતા. ઉદ્ધવને જ્ઞાનનો ઉપદેશ કર્યો. ભાગવતધર્મનો ઉપદેશ કર્યો. ઉદ્ધવને કહ્યું, હવે તું
બદરિકાશ્રમ જા. ઉદ્ધવ કહે છે, મને એકલાને જતાં બીક લાગે છે. તમે મારી સાથે આવો. જીવ ઇશ્વરને સાથે રાખે તો, તેને બીક
લાગશે નહિ.
ઉદ્ધવને ભાગવતધર્મનો ઉપદેશ કર્યો પણ ઉદ્ધવને શાંતિ મળી નહિ. ઉદ્ધવ ભગવાનને કહે, હું એકલો કેવી રીતે જઇશ?
આપણે બંને સાથે જઇએ.
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૯૯
કેવળ નિર્ગુણ બ્રહ્મનું જ્ઞાન બહુ ઉપયોગી થતું નથી. સગુણ બ્રહ્મના આધારે નિર્ગુણ બ્રહ્મને ઓળખવાનો છે.
શ્રીકૃષ્ણ ઉદ્ધવને કહે છે:-હું ક્ષેત્રજ્ઞ રૂપે તારી સાથે છું, હું તારામાં રહેલો છું. મારું સ્મરણ કરશે એ જ ક્ષણે હું હાજર
થઈશ. ઉદ્ધવજી પ્રાર્થના કરે છે. આધાર વિના ભાવના ન થઇ શકે માટે, મને કંઈક આધાર આપો. ત્યારે શ્રીકૃષ્ણે ઉદ્ધવને
ચરણપાદુકા આપી. ઉદ્ધવે માની લીધું કે હવે દ્વારકાનાથ મારી સાથે છે. અનાથ નહીં, હું સનાથ છું. આ પાદુકા નથી, પ્રત્યક્ષ
પરમાત્મા મારી સાથે આવ્યા છે. ઉદ્ધવનો પ્રેમ એવો છે કે તે પાદુકામાં પરમાત્મા નિહાળે છે. મસ્તક ઉપર ચરણ પાદુકા રાખી છે.
મસ્તક એ બુદ્ધિપ્રધાન છે તેમાં પ્રભુને પધરાવો તો તમારા મનમાં કોઈ વિકાર થશે નહિ.
શુકદેવજી કહે છે:-રાજન્! ઉદ્ધવ બદરિકાશ્રમ જવા નીકળ્યા છે. રસ્તામાં ઉદ્ધવજીને યમુનાનાં દર્શન થયાં. વ્રજભૂમિનાં
દર્શન થયાં, આ મારા ઠાકોરજીની લીલા ભૂમી છે.
તીર્થમાં સ્નાન કરવાથી મન એક્દમ શુદ્ધ થતું નથી. પણ ત્યાં રહેલા કોઈ ભજનાનંદી સંત હોય, તેનો સત્સંગ કરો તો
મન શુદ્ધ થાય છે. ઉદ્ધવે વિચાર્યું, હું થોડા દિવસ અત્રે અહીં રહીશ, કોઈ સંત મળશે, કોઈ વૈષ્ણવ મળશે તો સત્સંગ કરીશ.
ઉદ્ધવજી ભાવના કરે છે, કોઈ પ્રભુનો લાડીલો વૈષ્ણવ મળે તો જ બોલવું, નહિતર મૌન રાખવું છે.
વૃંદાવનમાં ગુપ્ત રીતે અનેક સાધુઓ આજે પણ રાધાકૃષ્ણની લીલાઓનાં દર્શન કરતા ફરે છે. યમુના કિનારે રમણરેતીમાં
વિદુરજી બેઠા છે. ઉદ્ધવજીની દ્રષ્ટિ પડી, આ કોઈ વૈષ્ણવ લાગે છે. શ્રીકૃષ્ણના પ્રેમમાં તેનું હ્રદય ભરાયું હોય તેમ લાગે છે.
ઉદ્ધવજી પાસે આવ્યા ત્યારે ઓળખી ગયા. આ તો મહાન ભગવતભક્ત વિદુરજી છે. ઉદ્ધવજી વંદન કરે છે, તે જ સમયે વિદુરજીએ
આંખો ઉઘાડી કહ્યું, મને વંદન કરો એ યોગ્ય નથી. વિદુરજી ઉદ્ધવને વંદન કરે છે. સંતોનું મિલન કેવું હોય છે.
ચાર મિલે ચોસઠ ખિલે, વીસ રહે કર જોડ.
હરિજનસે હરિજન મિલે તો, બિહંસે સાત કરોડ.
ચાર=ચાર આંખો, ચોસઠ=દાંતો, વીસ=હાથપગનાં આંગળા, સાત કરોડ=સાત કરોડ રૂવાંટીઓ.
શરીરમાં સાડા ત્રણ કરોડ રૂવાંટીઓ હોય છે. હરિજન એટલે હરિના લડીલા જન.
વિદુર-ઉદ્ધવનો દિવ્ય સત્સંગ થાય છે. સત્સંગમાં જેટલું જીવે એટલું જ મનુષ્ય જીવ્યો છે એમ કહી શકાય. સંતોના
મિલનમાં કેવળ ભગવાનની જ વાતો થાય છે. સંત મળે તો તેમને તમારી લૌકિક વાત પૂછશો નહિ.