
યમુનાજીને આજે અતિશય આંનંદ થયો છે કે મારા પ્રભુની લીલાઓનું આ લાડીલા ભક્તો વર્ણન કરશે. મારા શ્રીકૃષ્ણની
વાતો કરશે. મારા શ્યામસુંદરના વખાણ કરશે. તેમની લીલાઓ ગાશે. હું મારા શ્રીકૃષ્ણની લીલા સાંભળીશ. યમુનાજી સ્તબ્ધ થયાં
છે. પ્રથમ બાળલીલાનું વર્ણન કર્યું. પૌગંડ લીલા, પ્રૌઢ લીલા, બધી લીલાઓનું સંક્ષેપમાં વર્ણન કર્યું.
ઉદ્ધવજી કહે છે:-મને પ્રભાસમાં ભાગવત ધર્મનો ઉપદેશ કર્યો, અને મારા પ્રભુએ મને બદ્રિકાશ્રમ જવાની આજ્ઞા આપી
છે. તમારાં દર્શનથી મને ઘણો આનંદ થયો છે.
વિદુરજી કહે છે:-પ્રભુએ તમને ભાગવતધર્મનો જે ઉપદેશ કર્યોં, તે સાંભળવાની મારી ઈચ્છા છે. હું જાતિહીન છું,
કર્મહીન છું. પણ વૈષ્ણવો દયાના સાગર હોય છે. ભગવાનની થોડી કૃપા મારા ઉપર પણ હતી. આપ મારી ઈચ્છા પરિપૂર્ણ કરો. હું
અધમ છું, પણ ભગવાને જે ઉપદેશ કર્યો તે ઉપદેશ તમારી પાસેથી શ્રવણ કરવાની મને ઈચ્છા છે. આપ કૃપા કરીને તે મને
સંભળાવો.
ઉદ્ધવજી કહે છે:- વિદુરજી, આપ સાધારણ નથી.
મનુષ્ય સ્વભાવથી દીન થતો નથી, ત્યાં સુધી ભગવાનને ગમતો નથી. જ્યાં નજર જાય ત્યાં શ્રીકૃષ્ણનાં દર્શનની
ભાવના કરશો,તો દૈન્યભાવ થશે.
વિદુરજી, તમને વધારે શું કહું? મને ઉપદેશ કર્યો ત્યારે મૈત્રેયજી ત્યાં બેઠા હતા. ભગવાન સ્વધામ પધાર્યા ત્યારે,
વસુદેવ-દેવકીને નહિ, રૂક્મિણીને નહી, સત્યભામાને નહિ, પરંતુ તમને ત્રણ ત્રણ વાર યાદ કર્યા. મારો વિદુર મને મળ્યો નહિ.
મારો વિદુર મને યાદ આવે છે. મને કહેતા હતા, મેં એક વખત વિદુરના ઘરની ભાજી ખાધેલી, તેની મીઠાશ હજી ભુલાતી નથી. મને
તે ભાજી યાદ આવે છે.
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૧૦૦
ભગવાન જેને મારો કહે તેનો બેડો પાર છે. સાધારણ વ્યવહારમાં પણ કોઈ કોઈને જલદી કહેતું નથી કે તું મારો છે. જીવ
મંદિરમાં જઈને ભગવાનને કહે છે, હું તારો છું અને ઘરે આવીને બબલીની બાને કહે છે કે હું તારો છું. મંદિરમાં જે ભગવાનનો હતો તે
ઘરે આવ્યા પછી બીજાનો થઈ ગયો, એટલે ભગવાન પ્રસન્ન થતા નથી, અને કહેતા નથી કે તું મારો છે. મંદિરમાં જે ભગવાનનો
હતો, તે ઘરે આવ્યા પછી ભૂલી ગયો કે હું કોનો છું? ભગવાનને ઘણા કહે છે કે હું તમારો છું. પણ કોઇ એમ કહેતા નથી કે હું
તમારો જ છું અને બીજા કોઈનો નથી. કૃષ્ણ તવામી ન ચાસ્મિ પરસ્ય । જગતમાં જ્યાં સુધી મનુષ્ય કોઈ જીવનો છે ત્યાં સુધી તે
ભગવાનનો થઈ શકતો નથી. ભગવાન જેને પોતાનો માને તે માયાનાં બંધનમાંથી છૂટી જાય છે. ભગવાનને રોજ મનાવો કે એક
વાર કહી દો કે "તું મારો છે." ભગવાન જ્યારે કહે કે તું મારો છે, ત્યારે બ્રહ્મસંબંધ સાચો.
તુલસીદાસજીએ કહ્યું છે મારા જેવા કામીને, મારો કહેતા રામજીને શરમ આવે છે. આપ રાજાધિરાજના આંગણાંમાં બેઠેલો
હું તો કૂતરો છું, મને તમારા આંગણામાં બેસવા દેજો. મને અપનાવજો.
તુલસી કુત્તા રામકા, મોતિયા મેરા નામ; કંઠે દોરી પ્રેમકી જીત ખીંચો ઉત જાઉં.
મેં તમારો પટ્ટો ગળામાં રાખ્યો છે. હું પાપી છું પણ તમારો છું. હું કૂતરો છું પણ રામજીનો છું. પરમાત્માએ મને
અપનાવ્યો છે. પરમાત્માએ અપનાવ્યા પછી પરમાત્માને ગમે તેવા જ કાર્ય કરો.
ભોગમાં સંતોષ માનજો, પણ ભગવાનના ભજનમાં કોઈ દિવસ સંતોષ માનશો નહિ. ભક્તિમાં સંતોષ માને, એ પ્રભુના
માર્ગમાં આગળ વધી શકતો નથી. ભક્તિ એવી કરો કે ભગવાનને તમારું સ્મરણ થાય. ભગવાન તમને યાદ કરે. વિદુરજીને
ભગવાને ત્રણ વખત યાદ કરેલા તેમ.
વિદુરજી પૂછે છે:-ઉદ્ધવજી! મારા ભગવાને મને યાદ કરેલો?
ઉદ્ધવજી કહે છે:-વિદુરજી! તમે ભાગ્યશાળી છો. ભગવાને એક વખત નહિ પણ ત્રણ, ત્રણ વખત તમને યાદ કરેલા.
ભગવાને તમારા માટે મૈત્રેયજીને ખાસ આજ્ઞા કરી છે. બધાને મેં આપ્યું છે, પણ વિદુરને કાંઈ આપ્યું નહિ. મૈત્રેયજીને કહ્યું છે,
જ્યારે મારો વિદુર તમને મળે ત્યારે આ ભાગવત ધર્મનું જ્ઞાન આપજો.
આ વાત વિદુરજીએ સાંભળી ત્યારે, વિદુરજીની આંખમાંથી આંસુ નીકળ્યાં. પ્રેમથી વિહવળ થઈ રડી પડયા.
આત્માનં ચ કુરુશ્રેષ્ઠ કૃષ્ણેન મનસેક્ષિતમ્ ।
ધ્યાયન્ ગતે ભાગવતે રુરોદ પ્રેમવિહ્વલ: ।।
પરમ ભાગવત ભક્ત ઉદ્ધવજીના મુખેથી ભગવાનના પ્રશંસનીય કર્મ, અને આ પ્રકારે અંતર્ધ્યાન થયાના સમાચાર
સાંભળી તથા ભગવાને પરમધામ જવાના સમયે મને પણ યાદ કરેલો, એવું જાણીને ઉદ્ધવજીના ચાલ્યા જવાથી, વિદુરજી પ્રેમથી
વિહવળ થઈ રડવા લાગ્યા.
દ્વારિ દ્યુનદ્ય ઋષભ: કરૂણાં મૈત્રેયમાસીનમગાધબોધમ્ ।
ક્ષત્તોપસૃત્યાચ્યુતભાવશુદ્ધ: પપ્રચ્છ સૌશીલ્યગુણાભિતૃપ્ત: ।।
ઉદ્ધવજી બદ્રિકાશ્રમ પધાર્યા અને વિદુરજી મૈત્રેયઋષિના આશ્રમમાં આવવા નીકળ્યા. યમુનાજીએ કૃપા કરી, વિદુરજીને
ભક્તિનું દાન કર્યું, યમુનાજીએ નવધા ભક્તિ આપી. પણ જ્ઞાન-વૈરાગ્ય વગર ભક્તિ દૃઢ થતી નથી. જ્ઞાન-વૈરાગ્યનું દાન
ગંગાજી કરે છે. જ્ઞાન અને વૈરાગ્ય વિના ભક્તિ પૂર્ણ સફળ થતી નથી.