
ઠાકોરજીને ઉત્તમમાં ઉત્તમ વસ્તુ અર્પણ કરીએ એનું નામ ભક્તિ. ભગવાનને પુણ્ય અર્પણ કરવાં જોઇએ.
માંડવ્યઋષિએ યમરાજાને કહ્યું:-શાસ્ત્રમાં આજ્ઞા છે કે કોઈ મનુષ્ય અજ્ઞાનાવસ્થામાં કાંઇ પાપ કરે તો તેની સજા તેને
સ્વપ્નમાં કરવામાં આવે છે. હું બાળક હતો ત્યારે અજ્ઞાન હતો. એટલે તે વખતે કરેલાં કૃત્યની સજા, તમારે મને સ્વપ્નાવસ્થામાં જ
કરવી જોઇતી હતી. તમે મને ગેરવ્યાજબી પણે સજા કરી છે. તેથી હું તમને શાપ આપું છું કે શૂદ્રયોનિમાં તમારો જન્મ થશે.
આ પ્રમાણેના માંડવ્યઋષિના શાપથી યમરાજા વિદુર તરીકે, દાસીને ઘરે જન્મ્યા, દેવની ભૂલ થાય તો મનુષ્ય બને અને
મનુષ્યની ભૂલ થાય તો, મનુષ્ય પાપ કરે તો, તો ચાર પગવાળો બને છે, પશુ બને છે.
વિદુરજી કહે છે. એકવાર મારી ભૂલ થઇ અને દેવનો મનુષ્ય બન્યો. હવે હું અસાવધ રહીશ તો પશુ બનીશ.
સુખાય કર્માણિ કરોતિ લોકો ન તૈ: સુખં વાડન્યદુપારમં વા ।
વિન્દેત ભૂયસ્તત એવ દુ:ખં યદત્ર યુક્તં ભગવાન વદેન્ન: ।।
તે પછી વિદુરજી મૈત્રેયજીને અનેક પ્રક્ષો પૂછે છે:-ભગવાન અકર્તા હોવા છતાં કલ્પના આરંભમાં આ સૃષ્ટિની રચના
તેમણે કેવી રીતે કરી? સંસારમાં સર્વ લોક સુખ માટે પ્રયત્ન કરે છે. પણ ન તો એને સુખ મળે છે કે, ન તો એનું દુ:ખ દૂર થાય છે.
આનો જવાબ મળે એવી કથા કહો. તેમજ ભગવાનની લીલાઓનું વર્ણન કરો.
મૈત્રેયજીએ કહ્યું:-સૃષ્ટિની ઉત્પત્તિની કથા ભાગવતમાં વારંવાર આવે છે. તત્ત્વ દૃષ્ટિથી જગત ખોટું છે, તેથી તેનો
વિચાર ઋષિઓએ બહુ કર્યો નથી, પણ આ સૃષ્ટિના બનાવનારનો વારંવાર વિચાર કર્યો છે.
પરમાત્માને માયાનો સ્પર્શ થયો, એટલે સંકલ્પ થયો કે હું એકનો અનેક થાઉં. ત્યારે પુરુષમાંથી પ્રકૃતિ, પ્રકૃતિમાંથી
મહત્તત્ત્વ, મહત્તત્ત્વમાંથી અહંકાર. અહંકારના ચાર પ્રકાર છે. પંચતન્માત્રાથી પંચ મહાભૂતોની ઉત્પત્તિ થઇ. પણ એ તત્ત્વો ક્રિયા
કરી શકતાં નથી એટલે, ઇશ્વરે એક એક વસ્તુમાં પ્રવેશ કર્યો. ઉપનિષદમાં કહ્યું છે, એક, એક વસ્તુમાં પ્રભુએ પ્રવેશ કર્યો, ત્યારે
ક્રિયા શક્તિ જાગૃત થઇ.
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૧૦૨
ભગવાનની નાભિમાંથી કમળ ઉત્પન્ન થયું, તેમાંથી બ્રહ્મા પ્રગટયા. બ્રહ્માજીએ કમળનું મુખ શોધવા પ્રયત્ન કર્યો. ત્યાં
ચતુર્ભુજ નારાયણનાં દર્શન થયાં.
બ્રહ્માએ સ્તુતિ કરી. સંતતિ અને સંપત્તિ તો ભગવતકૃપાનું ફળ નથી. તે તો પ્રારબ્ધનું ફળ છે. ભગવાન જેના ઉપર કૃપા
કરે છે, તેનું મન શુદ્ધ થાય છે. મનશુદ્ધિ વગર ઇશ્વર દર્શન થતાં નથી. ઇશ્વર દર્શન વિના જીવન સફળ થતું નથી. જેણે જન્મ
આપ્યો તેને ઓળખવાનો પ્રયત્ન કર્યો નહિ. મારા જેવો મૂર્ખ કોણ?
બ્રહ્માજીને બીક લાગે છે. સંસારમાં આવ્યા પછી ઇન્દ્રિઓ અવળે માર્ગે ન જાય. બ્રહ્માજીએ સૃષ્ટિનું નિર્માણ કર્યું.
પ્રથમ સ્વાયંભુવ મનુ અને શતરૂપા રાણી થયાં. તે વખતે ધરતી રસાતળમાં ડૂબેલી હતી. બ્રહ્માએ વિચાર્યું, પ્રજા નિર્માણ
કરીશ પણ આ પ્રજાને રાખીશ કયાં? ત્યાં નાસિકામાંથી વરાહ ભગવાન પ્રગટ થયા. વરાહ ભગવાન પૃથ્વીને બહાર કાઢે છે.
રસ્તામાં હિરણ્યાક્ષ મળ્યો, તેને માર્યો છે અને પૃથ્વીનું રાજ્ય મનુ મહારાજને અર્પણ કરી, ભગવાન સ્વધામમાં પધાર્યા.
વિદુરજીએ કહ્યું:-આપે બહુ સંક્ષેપમાં કથા સંભળાવી. આ કથાનું રહસ્ય કહો. આ હિરણ્યાક્ષ કોણ હતો? ધરતી
રસાતાળમાં કેમ ડૂબી હતી? વરાહ નારાયણનું ચરિત્ર મને સંભળાવો.
મૈત્રેયજી વિદુરજીને અને શુકદેવજી પરીક્ષિતને આ કથા સંભળાવે છે.
દિતિ કશ્યપઋષિનાં ધર્મપત્ની છે. એક દિવસ સાયંકાળે શણગાર સજી, દિતિ કશ્યપઋષિ પાસે આવ્યાં અને
કામસુખની માંગણી કરી. દિતિ કામાતુર બન્યા હતાં.
કશ્યપ કહે છે:-દેવી! આ સાયંકાળનો સમય છે. આ સમય યોગ્ય નથી. આ સમયે તમે કામાધીન થાવ એ ઠીક નથી.
જાવ, જઈને દીવો કરો. શ્રીકૃષ્ણકીર્તન કરો.
શાસ્ત્રમાં કહ્યું છે કે સૌભાગ્યવતી સ્ત્રીમાં લક્ષ્મીજીનો અંશ છે. સાયંકાળે લક્ષ્મી નારાયણ ઘરે આવે છે. તે વખતે ઘર બંધ
હશે તો લક્ષ્મીજી પણ જય શ્રીકૃષ્ણ કરીને ચાલ્યાં જશે. સુધરેલા લોકો ખાસ સાયંકાળે ઘરને તાળું મારી નીકળી પડે છે. ફરવા જવું
હોય તો જજો પણ સૂર્યઅસ્તમાં આવે ત્યારે ઘરે પાછા આવી જજો. સ્ત્રીઓએ, સાંજ પડે ત્યારે ઘર બહાર ફરવા જવું ન જોઈએ.
સંધ્યા સમયે તુલસીની પૂજા કરો. તુલસીકયારે દીવો કરો. ભગવાનની આગળ ધૂપ દીપ કરો.
મનુષ્યના હૈયામાં અંધારુ છે. ત્યાં પ્રકાશ કરવાનો છે. દશમ સ્કંધમાં કથા આવશે. ગોપીઓ યશોદાજીને ફરિયાદ કરવા
જાય છે. કનૈયો અમારું માખણ ખાઈ જાય છે.