
એકલા ઠાકોરજીની સેવાસ્મરણ કરે, તે સાધારણ વૈષ્ણવ. પરંતુ જેના સંગથી બીજાને ઈશ્ર્વરસેવા-સ્મરણ કરવાની
ઈચ્છા થાય, એ મહાન વૈષ્ણવ. મહાપ્રભુજી વલ્લભાચાર્યજીને ભક્તોએ એકવાર પૂછ્યું કે અમને વૈષ્ણવોનું લક્ષણ કહો.
મહાપ્રભુજીએ કહ્યું કે ઠાકોરજીનું નિત્ય સ્મરણ કરે તે વૈષ્ણવ, ભક્તોએ કહ્યું, તે તો અમે જાણીએ છીએ. અમને કાંઇક બીજું
વિશેષ લક્ષણ કહો. મહાપ્રભુજીએ કહ્યું કે જેના સંગમાં આવેલાને ઠાકોરજીની સેવામાં પ્રેમ થાય, જેના સંગમાં આવેલાને
શ્રીકૃષ્ણભક્તિનો રંગ લાગે એ મહાન વૈષ્ણવ છે. પ્રહલાદ મહાન વૈષ્ણવ છે.
પ્રહલાદના રંગમાં આવેલાને ભક્તિનો રંગ લાગશે. તમારા સંગમાં આવેલાને ભક્તિનો રંગ ન લાગે તો માનજો મારી
ભક્તિ કાચી. પણ બીજાને સુધારવાની ભાંજગડમાં સાધારણ મનુષ્યએ પડવાની જરૂર નથી. તમે તમારા મનને સુધારો તો પણ
ઘણું છે.
વ્યસન જેવું પા૫ નથી. વ્યસન ઉપર જે વિજય મેળવે તે ભક્તિ કરી શકે છે. આજકાલ ફેશન અને વ્યસન પાછળ સમય
અને સંપત્તિનો મહાવ્યય થાય છે. વ્યસનમાં પાગલ થયેલો મનુષ્ય ભગવાનની સેવા કરી શક્તો નથી. વૈષ્ણવ તો તે છે કે, જેને
કોઇ વ્યસન નથી. જેને ભગવાનનું આરાધન કરવું છે, તેને લૌકિક વ્યસન રાખવું કામનું નથી. જેણે ઇશ્વરનું આરાધન કરવું છે, તે
ફેશનમાં કે વ્યસનમાં ફસાય નહિ. વ્યસન એક જ હોવું જોઇએ કૃષ્ણભક્તિનું. વિદ્યાવ્યસનમ અથવા હરિપાદ સેવનમ્ વ્યસનમ.
વિદ્યામ્યલનં વ્યસનં અથવા હરિપાદ સેવ્યં વ્યસન.
તુકારામ મહારાજને ભક્તિનું એવું વ્યસન હતું તેઓએ કહ્યું છે, મારી આંખને એવી ટેવ પડી છે કે જ્યાં નજર જાય ત્યાં મને
મુરલીમનોહરનું સ્વરૂપ દેખાય છે.
ભક્તિ વ્યસનરૂપ્ થાય તો તે ભક્તિ તમને મુક્તિ અપાવશે. ભક્તિ વ્યસનરૂપ બને છે, ત્યારે મુક્તિ મળે છે.
રાજ્યશાસનથી સમાજ સુધરે નહિ. સંત સદ્ભાવથી સમાજને સુધારી શકે છે. પ્રહલાદના સંગમાં જે આવ્યા તે સર્વનું
પ્રહલાદે કલ્યાણ કર્યું છે.
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૧૦૪
દિતિને ગર્ભ રહ્યો છે. પુત્રો દેવોને દુઃખ આપવાના હતા એટલે સો વર્ષ દિતિએ ગર્ભ ધારણ કરી રાખ્યા. સૂર્ય-ચંદ્રનું તેજ
ઘટવા લાગ્યું. દેવો ગભરાયા. દેવો બ્રહ્માજી પાસે આવ્યા અને પૂછ્યું:- દિતિના ગર્ભમાં બિરાજેલા આ કોણ છે? બ્રહ્માજી તેઓને
દિતિના પેટમાં કોણ છે, તેની કથા સંભળાવે છે.
એક વખત મારા માનસપુત્રો સનકાદિ ઋષિઓ ફરતા ફરતા વૈકુંઠલોકમાં ગયા.
અંતઃકરણ ચતુષ્ટય શુદ્ધ થાય ત્યારે ઇશ્વરનાં દર્શન થાય છે. ઇશ્વર દર્શન કરવા જાવ ત્યારે આ ચારેયને શુદ્ધ કરીને
જાવ. અંતઃકરણના ચાર પ્રકાર છે:- અંતઃકરણ સંકલ્પ-વિકલ્પ કરે ત્યારે એને મન કહે છે, કોઈ વિષયનો નિર્ણય કરે ત્યારે તેને
બુદ્ધિ કહે છે, શ્રીકૃષ્ણનું ચિંતન કરે તેને ચિત્ત કહે છે અને અંતઃકરણમાં ક્રિયાનું અભિમાન જાગે ત્યારે તેને અહંકાર કહે છે. મન,
બુદ્ધિ, ચિત્ત, અહંકાર ચારેયને શુદ્ધ કરો. એ ચારેયને શુદ્ધ કર્યા વગર પરમાત્માનાં દર્શન થતાં નથી. આ ચારની શુદ્ધિ બ્રહ્મચર્ય
વગર થતી નથી. સનત્ કુમારો બ્રહ્મચર્યનો અવતાર છે. બ્રહ્મચર્ય ત્યારે સિદ્ધ થાય કે જ્યારે બ્રહ્મનિષ્ઠા સિદ્ધ થાય. સનત્ કુમારો
મહાજ્ઞાની હોવા છતાં બાળક જેવા બની દૈન્યભાવથી રહે છે.
સનત્ કુમારો આદિ નારાયણના દર્શન કરવા, વૈકુંઠમાં જાય છે.
વૈકુઠમાં કામને અને કાળને પ્રવેશ મળી શક્તો નથી. જ્યાં બુદ્ધિ કુંઠિત થાય છે તે વૈકુંઠ. વૈકુંઠના વૃક્ષો દિવ્ય છે. પુષ્પો
પણ દિવ્ય છે. છ ઋતુઓ, સખીઓ બનીને સેવા કરે છે, સાત મોટા મોટા કોટ છે. તે કોટને ઓળંગીને જવું પડે છે. દક્ષિણમાં
રંગનાથનું મંદિર, આ વૈકુંઠના વર્ણનને અનુસરીને બનાવવામાં આવ્યું છે. અલૌકિક વૈકુંઠધામમાં દર્શન સનત્ કુમારોને થાય છે.
અહીં ભમરાઓ પણ પ્રેમથી ઇશ્વરના ગુણગાન ગાતાં હોય તેવું લાગે છે. પેલા ભ્રમર ગુન ગુન કરે છે. ઈશ્વર જ્યારે આપે છે, ત્યારે
આપવામાં સંકોચ કરતા નથી. ભગવાન આપે છે ત્યારે લેનારો થાકી જાય છે. મનુષ્ય મેળવી મેળવીને કેટલું મેળવવાનો હતો?
ઈશ્વરના દરબારમાં વિષમતા નથી. તમે પણ ભોજન વગેરેમાં વિષમતા કરશો નહિ. ઘણા શેઠિયાઓના ઘરમાં ત્રણ
પ્રકારના ચોખા રહે છે. નોકર માટે જુદા, સાધુ બાવાઓને આપવા માટેના જુદા અને શેઠના પોતાને માટે જુદા, દિલ્હીના અસલ
બાસમતી. આવો ભેદ ન રાખો, સર્વને માટે સમાન ભાવે સરખું ભોજન રાખો. આપણી માતાઓ પીરસવામાં બહુ ચતુર હોય છે.
પોતાનાને રોટલી પીરસવી હોય તો જરા વધુ ઘી ચોપડે છે. ભોજનમાં વિષમતા કરવી નહીં. ભોજનમાં વિષમતા કરે તેને
સંગ્રહણીનો રોગ થાય છે. વિષમતામાંથી વેરની ઉત્પત્તિ થાય છે. વિષમતા કદાચ કરવી પડે તો સદ્ભાવથી કરો. વ્યવહારમાં સંપૂર્ણ
સમતા થતી જ નથી. વૈકુંઠમાં વિષમતા નથી. લક્ષ્મીજી પણ વૈકુંઠમાં પ્રમાદ કરતાં નથી. વૈકુંઠમાં લક્ષ્મીજી જાતે સેવા કરે છે.
બુહારી જાતે કરે છે.