
કપિલ ભગવાનનો જન્મ થયો. દેવહૂતિ કહે છે:-હવે તમે ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરી શકો છો.
કર્દમ:-આ નવ કન્યાની મને ચિંતા થાય છે.
એક પતિ-પત્ની હતાં. પતિને પ્રભુ ઉપર દૃઢ શ્રદ્ધા નહિ. પત્નીએ કાળા કપડાં પહેર્યાં છે. પતિએ કારણ પૂછ્યું. પત્ની કહે, તમારી દૃષ્ટિથી ભગવાન નથી એટલે મેં કાળાં કપડાં પહેર્યાં છે.
મહાભારતમાં કથા છે. ભીષ્મે પ્રતિજ્ઞા કરી છે. આવતી કાલે અર્જુનને મારીશ. ભીષ્માચાર્યની પ્રતિજ્ઞા વ્યર્થ થાય નહિ. પાંડવ સેનામાં હાહાકાર મચે છે. અર્જુન રોજના નિયમ પ્રમાણે ભાગવત ચિંતન કરતા સૂતા છે. ચિંતા થઇ શ્રીકૃષ્ણને. આવતી કાલે મારા અર્જુનનું શું થશે? અર્જુનને જોવા આવ્યા. પ્રભુએ અર્જુનને જગાડયો, તને નિદ્રા કેમ આવે છે? અર્જુન કહે:-મારા માટે તમે જાગો છો તેથી મારે શું ચિંતા હોય? મેં મારું કર્તવ્ય કર્યું છે. હવે તમારે, તમારું કાર્ય કરવાનું છે. મનુષ્યનું કર્તવ્ય છે અનન્ય શરણાગતિ, મને મારશે તો જગતમાં શ્રીકૃષ્ણની અપર્કીતિ થશે.
કર્દમે કહ્યું, નવ કન્યાઓની મને ચિંતા છે.
બ્રહ્મા કહે:-તમે ચિંતા શા માટે કરો છો? તમારે ઘરે પ્રભુ પધાર્યા છે. તમે ચિંતા ન કરો. પણ મારા પ્રભુનું ચિંતન કરો. તેની ચિંતા ઠાકોરજીને હોય છે.
વલ્લભાચાર્યજીએ કહ્યું છે:-ચિંતા કાપી ન કાર્યા: વૈષ્ણવો સેવા સ્મરણ કરતાં તન્મય બને છે. બ્રહ્મા નવ ઋષિઓને સાથે લાવેલા. એક, એક ઋષિને એક એક કન્યા આપી છે. અત્રિને અનસૂયા આપી. વસિષ્ઠને અરુંધતી આપી વગેરે. કર્દમ ઋષિએ વિચાર કર્યોં કે માથે બોજો હતો તે ઊતરી ગયો. કર્દમ કપિલ પાસે આવ્યા. મારે હવે સંન્યાસ લેવો છે.
સંન્યાસનો અર્થ છે, પરમાત્માનાં દર્શન માટે સર્વ સુખનો ત્યાગ.
કામ્યાનાં કર્મણાં ન્યાસં સંન્યાસ કવયો વિદુ: । કેવળ ઈશ્ર્વર માટે જીવે તે સંન્યાસી છે.
કપિલે કહ્યું:-આપની ઈચ્છા સુંદર છે. સંન્યાસ લીધા પછી કોઈ પ્રકારની ચિંતા કરશો નહિ. તમારું જીવન ઈશ્વરને અર્પણ કરો.
બે પ્રકારની મુક્તિ છે:-(૧) કૈવલ્યમુક્તિ=કૈવલ્યમુક્તિમાં જીવ ઇશ્વરમાં લીન થાય છે. જીવ ઈશ્ર્વર એક બને છે. (૨ ) ભાગવતીમુક્તિ=ભાગવતીમુક્તિમાં જીવ-ઇશ્વર સાથે પ્રેમથી એક થાય છે. પણ તેમાં થોડું દ્વૈત રાખી નિત્યસેવામાં તે દાખલ થાય છે.
કર્દમઋષિએ સંન્યાસ લીધો. પરમાત્મા માટે સંસારના સર્વ સુખનો ત્યાગ એ જ સંન્યાસ. ત્યાગ વગર સંન્યાસ દીપે નહિ. ઘણા પેન્શન ઉપર ઉતર્યા પછી, બીજી નોકરી શાધે છે. અરે, સરકારે કહ્યું કે તમે હવે નોકરી માટે લાયક નથી તો પછી બીજી નોકરી શોધવાની હોય નહિ. હવે ભગવાનનું ભજન કરવાનું.
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૧૧૩
સંન્યાસની વિધિ જોવાથી પણ વૈરાગ્ય આવે છે. સંન્યાસની ક્રિયામાં વિરજા હોમ કરવો પડે છે, દેવ, બ્રાહ્મણ, સૂર્ય, અગ્નિ આ બધાની સમક્ષ વિરજા હોમ કરવો પડે છે. પછી નદીમાં સ્નાન કરી લંગોટી પણ ફેંકી દઈ, નગ્ન અવસ્થામાં બહાર આવવું પડે છે. આદિનારાયણનું ચિંતન કરતાં કરતાં કર્દમઋષિને ભાગવતી મુક્તિ મળી છે.
કપિલગીતા
કપિલગીતાનો આરંભ થાય છે. આ દિવ્ય પ્રસંગ છે. દીકરો માને ઉપદેશ આપે છે. ભાગવતનું આ અગત્યનું પ્રકરણ છે. તેના નવ અધ્યાય છે. કપિલગીતાનો પ્રારંભ, અધ્યાય ૨૫થી છે. તેમાં સાંખ્યશાસ્ત્રનો ઉપદેશ છે. દેવહૂતિએ વિચાર્યું, મને ઋષિઓએ કહેલું કે આ બાળક માનો ઉદ્ધાર કરવા આવ્યો છે. કપિલ ભગવાનને હું પ્રશ્ન પૂછું તો તેઓ મને જવાબ આપશે. દેવહૂતિ કપિલ ભગવાન પાસે આવ્યાં છે. આપ આજ્ઞા કરો તો મને પ્રશ્ન પૂછવાની ઇચ્છા છે.
કપિલ કહે છે:-મા સંકોચ ન રાખતાં તમારે જે પૂછવું હોય તે પૂછો.
મા દેવહુતિએ આરંભમાં શરણાગતિ લીધી.
તં ત્વા ગતાડહં શરણં શરણ્યં સ્વભૃત્યસંસારતરો: કુઠારમ્ ।
જિજ્ઞાસયાહં પ્રકૃતે: પૂરુષસ્ય, નમામિ સદ્ધર્મવિદા વરિષ્ઠમ્ ।।
ઈશ્વરની શરણાગતિ લીધા સિવાય જીવનનો ઉદ્ધાર થતો નથી. ગીતામાં અર્જુને પણ પ્રથમ શરણાગતિ લીધી હતી. ભગવાનને કહ્યું છે,
શિષ્યસ્તેડહં શાધિ માં ત્વાં પ્રપન્નમ્ ।
દેવહૂતિએ પ્રશ્ન કર્યો:-જગતમાં સાચુ સુખ ક્યાં છે? જગતમાં સાચો આનંદ કયાં છે તે બતાવો? જે આનંદનો વિનાશ ન થાય તેવો નિત્ય આનંદ કયાં છે?
નિર્વિણ્ણા નિતરાં ભૂમન્નસદિન્દ્રિયતર્ષણાત્ ।
યેન સમ્ભાવ્યમાનેન પ્રપન્નાન્ધં તમ: પ્રભો।।
ઈન્દ્રિયોના લાડ અનેક વખત કર્યા પણ મને શાંતિ મળી નથી, સમય જાય એટલે ખબર પડે કે વિષયોના આનંદમાં સાર નથી. ઈન્દ્રિય માગે તે વિષયો, મેં ઇન્દ્રિયને આપ્યા છતાં તૃપ્તિ થઈ નથી.