
અંતકાળમાં બે યમદૂતો આવે છે-પાપપુરુષ અને પુણ્યપુરુષ, પુણ્યપુરુષ કહે છે, તને પુણ્ય કરવાની તક આપી
છતાં પણ તેં પુણ્ય કર્યું નહિ. બન્ને યમદૂતો જીવાત્માને મારે છે. આ જીવ મરે છે, ત્યારે અતિશય તરફડે છે. યમદૂતોની ગતિ પગથી
આંખ સુધી હોય છે. બ્રહ્મરંધ્રમાં જે પ્રાણને સ્થિર કરે છે. તેને યમદૂતો કાંઈ કરી શકતા નથી. મર્યા પછી પૂર્વજન્મ યાદ આવતો
નથી. સ્થૂલ શરીરની અંદર સૂક્ષ્મ શરીર છે. તેની અંદર કારણ શરીર છે. સૂક્ષ્મ શરીરની અંદર રહેલી વાસનાઓ એ કારણ શરીર છે.
યમદૂતો જીવાત્માને સૂક્ષ્મ શરીર સાથે યમપુરીમાં લઇ જાય છે. અતિ પાપી માટે યમપુરીનો માર્ગ ભયંકર છે. પાપીને ગરમ રેતી
ઉપર ચાલવું પડે છે. ચિત્રગુપ્ત જીવાત્માએ કરેલાં પાપ પુણ્ય જીવાત્માને યમ દરબારમાં સંભળાવે છે. ચૌદ સાક્ષીઓ સાક્ષી આપે
છે. પછી જીવાત્માને પાપ કબૂલ કરવું પડે છે. (૧)પૃથ્વી, (૨)ચંદ્ર, (૩) સૂર્ય, (૪)વાયુ, (૫) જલ વગેરે ચૌદ સાક્ષીઓ છે.
પાપ પ્રમાણે નરકની સજા થાય છે. જો કોઈ જીવનાં પાપ-પુણ્ય સરખાં હોય તો તે ચંદ્રલોકમાં જાય છે. પુણ્ય જ હોય તો સ્વર્ગમાં
જાય છે. પુણ્ય ખૂટી જાય એટલે ફરીથી મનુષ્યલોકમાં જન્મ લેવો પડે છે. અનેક જન્મમરણનું દુ:ખ ભોગવે છે.
વૃન્દાવનમાં એક મહાત્મા રહેતા હતા. મહાત્મા ધ્યાનમાં બેઠા હતા. તેવામાં એક ઉંદર પાછળ બિલાડી પડી. ઉંદર
આવીને મહાત્માની ગોદમાં ભરાયો. મહાત્માને દયા આવી. ઉંદરને કહ્યું-તું કહે તે તને બનાવી દઉં. ઉંદરની બુદ્ધિ કેટલી? તેણે
વિચાર્યું, હું બિલાડી બની જાઉં તો પછી કોઈની બીક ન રહે. મને બિલાડી બનાવી દો. મહાત્માએ તેને બિલાડી બનાવી દીધો. એક
દિવસ તે બિલાડી પાછળ કૂતરો પડયો. બિલાડીએ મહાત્માને કહ્યું, મને આ કૂતરાની બીક લાગે છે. મહારાજ! મને કૂતરો બનાવી
દો. હવે તે કૂતરો બન્યો. એક દિવસ જંગલમાં તે કૂતરા પાછળ વાઘ પડયો. કૂતરા કરતાં વાઘ થવું સારું. મહારાજ! મને વાઘ
બનાવી દો. મહાત્માએ તેને વાઘ બનાવ્યો. વાઘ થયા પછી બુદ્ધિ બગડી ગઈ. હિંસા કરવાની હિંસક વૃત્તિ જાગૃત થઈ. તેણે
વિચાર્યું, આ મહારાજ મને ફરીથી ઉંદર બનાવી દેશે તો ભારે થશે, માટે ચાલ આ મહાત્માને જ ખાઈ જાઉં. મહારાજ કહે, અચ્છા
બેટા! તું મને ખાવા આવ્યો છે. મહાત્માએ તેને ફરીથી ઉંદર બનાવી દીધો. આ ઉંદર-બિલાડીની કથા નથી. આ આપણી કથા છે.
આ જીવ એક વખત ઉંદર હતો, એક વખત બિલાડી હતો અને હવે તે માનવ થયો છે. હવે તે કહેવા લાગ્યો કે હું ઇશ્વરમાં માનતો
નથી. ધર્મમાં માનતો નથી. ભગવાન ત્યારે વિચારે છે બેટા! તું કયાં જઈશ. હું તને ફરીથી ઉંદર-બિલાડી બનાવી દઈશ. આ
મનુષ્ય જન્મમાં જો જીવ ઇશ્વરને ઓળખવાનો કે પામવાનો પ્રયત્ન ન કરે તો તેને ફરીથી પશુ બનવું પડે છે.
પશુ-પક્ષીઓના અવતારમાં અનેક પ્રકારે દુઃખ ભોગવી જીવ મનુષ્યયોનિમાં આવે છે. જે દિવસે ગર્ભ રહે છે તે દિવસે
પાણીના પરપોટા જેવો સૂક્ષ્મ હોય છે. દશ દિવસ પછી ફળ જેવો મોટો થાય છે. એક મહિનામાં ગર્ભને માથું આવે છે, બે મહિનામાં
હાથ-પગ, ત્રણ મહિનામાં નખ-વાળ, ચાર મહિનામાં. સાત ધાતુ, પાંચ મહિનામાં ભૂખ તરસનું જ્ઞાન, છ મહિનામાં માતાના
પેટમાં ભ્રમણ, આ ક્રમ છે. માતાએ ખાધેલા તીખા, ઉના, ખારા, ખાટા ખોરાક વડે તેના સઘળાં અંગમાં વેદના થાય છે. આ પ્રમાણે
ગર્ભમાં અનેક પ્રકારનું દુઃખ ભોગવે છે. પાંજરામાં પક્ષી પુરાય તેમ રહે છે. પણ કંઈ પણ કરવાને તે અસમર્થ છે. સાતમે મહિને
જીવાત્માને પૂર્વજન્મનું જ્ઞાન થાય છે, તે ગર્ભમાં પ્રભુની સ્તુતિ કરે છે. નાથ! મને બહાર કાઢો. ગર્ભવાસ અને નર્કવાસ સરખો છે.
મને બહાર કાઢશો તો બહાર નીકળ્યા પછી હું તમારી સેવા કરીશ, ભક્તિ કરીશ. ગર્ભમાં જીવ જ્ઞાની હોય છે. ભગવાન આગળ
અનેક પ્રતિજ્ઞાઓ કરે છે, મને બહાર કાઢો, મને બહુ દુ:ખ થાય છે. પ્રસવ પીડા વખતે અતિશય વેદનામાં પૂર્વજન્મનું જ્ઞાન જીવ
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૧૨૨
ભૂલી જાય છે. બહાર આવતી વખતે અતિશય દુ:ખ થવાથી ગર્ભનું જ્ઞાન ભૂલે છે. જીવ બાલ્યાવસ્થામાં, યૌવનમાં, વૃદ્ધાવસ્થામાં
અનાદિકાળથી દુ:ખ ભોગવે છે.
જન્મ અને મરણનું દુ:ખ ભંયકર છે. આ બંને દુ:ખ સરખાં છે. દુ:ખનો અંત આવતો નથી.
જ્યાં જન્મ થયો કે માયા એને સ્પર્શ કરે છે, સંસારમાં માયા કોઈને છોડતી નથી. જીવ એક જ વસ્તુ સાથે પ્રેમ કરે તો
ઇશ્વરને ગમે છે. જીવ બાલ્યાવસ્થામાં મા સાથે, પછી રમકડાં સાથે પ્રેમ કરે છે. તે પછી મોટો થાય, પુસ્તક સાથે પ્રેમ કરે છે. પછી
પુસ્તકનો મોહ ઊડી જાય છે. તે પછી પૈસા સાથે પ્રેમ કરવા લાગે છે. પૈસાનો પ્રેમ પણ ટકતો નથી, પછી લાડીની સાથે પ્રેમ કરે
છે. તારા માટે હજારો ખર્ચવા તૈયાર છું. પેલી નચાવે તેમ નાચે છે. લાડી સાથે પ્રેમ કાયમ રહેતો નથી. બે-ચાર છોકરાંઓ થાય છે
એટલે ગભરામણ થાય છે. છોકરાંઓ થાય છે પછી સ્ત્રીમાંથી મોહ ઓછો થાય છે. પ્રભુની માયા વિચિત્ર છે. પરણેલો પણ પસ્તાય
છે અને ન પરણેલો પણ પસ્તાય છે.
અનેક જન્મોથી આ પ્રમાણે જીવ ભટકતો આવ્યો છે. મા! હવે કયાં સુધી તારે ભટકવું છે? તને કંટાળો આવ્યો નથી?
મા! તારા મનને સંસારના વિષયોમાંથી હઠાવી પ્રભુમાં સ્થિર કરજે. પરમાત્માનાં ચરણનો આશ્રય કરી જન્મમરણના ત્રાસમાંથી
મુક્ત થવા પ્રયત્ન કર. જે મુકત થયો તેનું જીવન સફળ થયું.
માતાને ઉપદેશ આપી કપિલ ભગવાન ત્યાંથી ઊઠયા છે. માતાજીની આજ્ઞા માગે છે કે હું જાઉં છું, ભગવાન કલકત્તા
પાસે ગંગાસાગરના સંગમતીર્થમાં પધાર્યા. આજ પણ કપિલ ભગવાનનાં ત્યાં દર્શન થાય છે. કપિલ નારાયણનું સ્વાગત સમુદ્રે કર્યું
છે. માતા દેવહૂતિ સરસ્વતીના કિનારે વિરાજેલાં છે. સ્નાન કરે છે. ધ્યાન કરે છે. એટલે મનની શુદ્ધિ થાય છે. માતા દેવહૂતિને
નારાયણનું ચિંતન કરતાં કરતાં મુક્તિ મળી છે. દેવહૂતિ માતાને સિદ્ધિ મળી તેથી ગામનું નામ સિદ્ધપુર પડયું છે. દેવહૂતિના
ઉદ્ધારથી તેનું બીજું નામ માતૃગયા પણ પડયું છે. આ કપિલગીતા સાંભળવાથી શ્રોતા ભક્તોનાં અનેક પાપોનો નાશ થાય છે.
ઈતિ તૃતીય: સ્કંધ: સમાપ્ત: ।
હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે
।। શ્રીકૃષ્ણાર્પણમસ્તુ ।।