
મનુષ્યમાં સ્વાર્થબુદ્ધિ જાગે છે, ત્યારે તે બીજાનો વિનાશ કરવા તત્પર બને છે. બીજા પ્રત્યે તમે કુભાવ રાખશો, તો તેને
તમારા પ્રત્યે કુભાવ જાગશે.
આ વિશે એક દ્રષ્ટાંત વિચારવા જેવું છે. એક દેશમાં એક રાજા અને તે નગરના નગરશેઠ વચ્ચે ગાઢ મિત્રતા. બન્ને
સત્સંગ કરતા, બન્ને વચ્ચે ખૂબ પ્રેમ હતો. તે નગરશેઠનો વેપાર ચંદનનાં લાકડાં વેચવાનો. શેઠનો ધંધો બરાબર ન ચાલે. ચાર
પાંચ વર્ષ સુધી શેઠને ખૂબ ખોટ ગઇ. છેવટે મહેતાજીએ જણાવ્યુ કે ચંદનને ઉધઇ લાગે છે. બગડેલો માલ કોઈ લેતું નથી. જો આ
વર્ષમાં પૂરતા પ્રમાણમાં ચંદન નહીં ખપે તો પેઢી ડૂબી જશે. હવે ચંદન જેવું કીમતી લાકડું, મોટા પ્રમાણમાં રાજા સિવાય બીજું
કોણ લે?
સ્વાર્થ મનુષ્યને પાગલ બનાવે છે. મનુષ્યના મનમાં સ્વાર્થ જાગે ત્યારે તે બીજાનું બગાડવા તૈયાર થાય છે. બીજાનું
બગાડનારનું કોઇ દિવસ સારું થતું નથી. મનુષ્યના હ્રદયમાં સ્વાર્થ જાગે એટલે વિવેક રહેતો નથી. સ્વાર્થ તો દરેકના હ્રદયમાં હોય
છે. પણ તેમાં વિવેક રાખવો જોઇએ. જે બોલતાં શરમ આવે તેનો મનથી પણ વિચાર ન કરવો. નગરશેઠને વિચાર આવ્યો કે આ
રાજાનું કાંઈક થઇ જાય તો સારું. આ રાજા મરી જાય તો તેને બાળવા માટે ચંદનની જરૂર પડે અને મારું સઘળું ચંદન વેચાઈ જાય.
મારો વેપાર ધંધો સારી રીતે ચાલે.
આ બાજુ શેઠના મનમાં રાજા પ્રત્યે કુભાવ આવ્યો. તે જ વખતે રાજાના મનમાં શેઠ પ્રત્યે કુભાવ આવ્યો. તે દિવસે જ્યારે
શેઠ રાજાને મળવા આવ્યા ત્યારે, રાજાને પણ એવો વિચાર આવ્યો કે આ વાણિયો મરી જાય તો સારું. તે નિઃસંતાન છે, એટલે
તેનું ધન પોતાના ખજાનામાં આવે, રોજના નિયમ પ્રમાણે સત્સંગ થયો, પણ કોઈને આનંદ આવ્યો નહિ.
બે ત્રણ દિવસ પછી રાજાના મનમાં વિચાર આવ્યો કે કોઈ દિવસ નહિ અને આજકાલ આ નગરશેઠ માટે મને આવો
ખરાબ વિચાર કેમ આવે છે?
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૧૨૫
મનુષ્ય પાપને મનમાં છુપાવી રાખે છે, તેથી તેનું જીવન બગડે છે. રાજાએ શેઠ આગળ આ હકીક્ત જાહેર કરી. રાજા કહે
છે કે તમારા માટે મને ખોટા વિચાર આવે છે, તેનું કારણ સમજાતું નથી! શું તમે મારું કાંઈ અહિત ઈચ્છયું હતું?
શેઠ કહે, મારો ચંદનનો વેપાર ચાલતો નથી. સર્વનું પોષણ કરવાનું છે. કોઇ માલ લેતું નથી. મને વિચાર આવ્યો કે
તમારું કાંઇક થઈ જાય તો અર્થાત્ તમે મરી જાવ તો તમને બાળવામાં મારું ચંદન ખપી જાય.
રાજાએ શેઠને ઠપકો આપ્યો કે આવો ખરાબ વિચાર તમે કેમ કર્યો? વૈષ્ણવ થઈ આવા ખોટા વિચારો કરો છો? પવિત્ર
વિચાર કરવાને બદલે આવા ખોટા વિચાર કરવા તે વૈષ્ણવને શોભે નહિ. તમારા મનમાં એવો વિચાર કેમ ન આવ્યો કે રાજા તેના
મહેલના દરવાજા ચંદનના બનાવે અને તે માટે ચંદન ખરીદે. અથવા રાજા ઠાકોરજી માટે ચંદનનો હિંડોળો બનાવે, તો મારું ચંદન
ખપી જાય. રાજાનું મનશુદ્ધ થયું. વાણિયાનું મન શુદ્ધ થયું. તે પછી એકબીજા પ્રત્યે સારી ભાવના રાખી. રાજા અને શેઠ સુખી થયા.
ભાવશુદ્ધિ એ મોટામાં મોટું તપ છે. માનવજીવન તપ માટે જ છે. જગતના કોઈ પણ જીવ સાથે વિરોધ ન કરવો. શુદ્ધ
ભાવના વગરનું સત્કર્મ નકામું છે અને તેથી ઘણી વાર ધર્મ અધર્મ બને છે. સત્કર્મ કરવામાં જો હેતુ શુદ્ધ ન હોય તો એ સત્કર્મ પણ
પાપ બને છે.
દક્ષ પ્રજાપતિએ શિવજી પ્રત્યે કુભાવ રાખ્યો, તેથી દક્ષ પ્રજાપતિનો ધર્મ પણ અધર્મ થયો. તેનો યજ્ઞ તેને મારનારો
થયો.
સર્વ પ્રત્યે સમભાવ રાખવાથી સત્કાર્ય સફળ થાય છે. સર્વનું કલ્યાણ થાય એ જ સત્ય અને સત્કર્મ. સત્ત્વં ભૂતહિતં
પ્રોક્ત્કમ્
અનેકમાં એકનાં દર્શન કરે એ જ જ્ઞાની છે. એકમાં ઈશ્વરનાં દર્શન કરે એ સાધારણ જ્ઞાની છે. એક બ્રાહ્મણ છે, રસ્તામાં
તે કોઈ સ્ત્રીને જુએ તો તેમાં તે લક્ષ્મીની ભાવના કરશે. આ મહાલક્ષ્મી છે. તેથી તે સ્ત્રીમાં રહેલા અંતર્યામી ઇશ્વર, તે બ્રાહ્મણને
આશીર્વાદ આપશે. ત્યારે કામી પુરુષ કામભાવથી તે સ્ત્રીને જોશે તેથી તે સ્ત્રીના હ્રદયમાં રહેલો ઈશ્વર તે પુરુષને શાપ આપશે.
સર્વમાં ઈશ્વરભાવ રાખો. તમે બીજામાં ઈશ્વરની ભાવના રાખશો તો બીજા તમારામાં ઈશ્વરની ભાવના રાખશે. ઘણી વાર ધર્મ પણ
અધર્મ બને છે. કારણ કે ધર્મ કરનાર સર્વમાં સમભાવ રાખતો નથી. સર્વમાં સમભાવ રાખવો એ ઉત્તમોતમ ધર્મ છે. સર્વમાં સદ્ભાવ
રાખશો તો સુખી થશો. સદ્ભાવ, એટલે ઈશ્વરનો ભાવ. સર્વમાં જે ઇશ્વરના ભાવ રાખે છે તે બહુ સુખી થાય છે. તેનો ધર્મ પણ
સફળ થાય છે. કોઈ જીવમાં કુભાવ રાખનારનો ધર્મ સફળ થતો નથી. મહાભારતમાં જોઇએ છીએ કે શ્રીકૃષ્ણ કેટલીક વાર અધર્મ
કરે છે, તે પણ ધર્મ બને છે. સર્વમાં સદ્ભાવ રાખી અધર્મ કરવામાં આવે તો તે અધર્મ પણ ધર્મ બને છે.