
ભગવાન વેદવ્યાસે ભગવત ચરિત્રથી ભાગવત નામનું પુરાણ બનાવ્યું છે. ભગવાન શ્રીકૃષ્ણ ધર્મ જ્ઞાન વગેરે સાથે
સ્વધામ પધાર્યા ત્યારે આ કળિયુગમાં અજ્ઞાનરૂપી અંધકારથી લોકો આંધળા બન્યા. એ સમયે ભાગવત પુરાણ પ્રગટ થયું છે. આ
પુરાણ સૂર્યરૂપ છે. શુકદેવજીએ પરીક્ષિત રાજાને આ કથા સંભળાવેલી તે વખતે હું ત્યાં હાજર હતો. યથામતિ આ પુરાણકથા હું
તમને સંભળાવું છું.
શૌનકજીએ પૂછ્યું, વ્યાસજીએ ભાગવતની રચના શા માટે કરી? રચના કર્યા પછી તેનો પ્રચાર કેવી રીતે કર્યો વગેરે કથા
અમને કહો.
અતિશય લોભી પ્રતિપળ ધનનું ચિંતન કરે છે. તેમ જ્ઞાની પ્રતિક્ષણ ઇશ્ર્વરનું સ્મરણ કરે છે. જ્ઞાની એક પળ પણ
ઇશ્વરથી અલગ રહી શકતો નથી. શુક્દેવજીની જન્મથી બ્રહ્માકારવૃત્તિ છે. તે ભાગવત ભણવા ગયા તે અમને આશ્ર્ચર્ય લાગે છે.
દૃષ્ટ્ વાનુયાન્તમૃષિમાત્મજમપ્યનગ્નં દેવ્યો હ્નિયા પરિદધુર્ન સુતસ્ય ચિત્રમ્ ।
તદ્વીક્ષ્ય પૃચ્છતિ મુનૌ જગદુસ્તવાસ્તિ સ્ત્રીપુમ્ભિદા ન તુ સુતસ્ય વિવિક્તદૃષ્ટે: ।।
શુકદેવજીના વખાણ ખૂબ કર્યા છે. શુકદેવજીની બ્રહ્મદૃષ્ટિ હતી. દેહદૃષ્ટિ ન હતી. દેહદૃષ્ટિ રાખો ત્યાં સુધી દુઃખ છે.
શુકદેવજી સ્નાન કરતી અપ્સરાઓ પાસેથી પસાર થયા છતાં નિર્વિકાર છે. એક વખતે એવું બન્યું કે એક સરોવરમાં અપ્સરાઓ
સ્નાન કરતી હતી. ત્યાંથી નગ્ન અવસ્થામાં શુકદેવજી પસાર થયા અપ્સરાઓએ પૂર્વવત્ સ્નાન ચાલુ રાખ્યું અને કંઈ લજ્જા અનુભવી
નહિ. કપડાં પણ પહેર્યાં નહિ. થોડીવાર પછી વ્યાસજી ત્યાંથી પસાર થયા. તેમણે કપડાં પણ પહેર્યા હતાં પરંતુ વ્યાસજીને જોઈ
અપ્સરાઓએ તરત પોતાનાં વસ્ત્રો પહેરી લીધાં. વ્યાસજીએ આ જોયું. તેઓ આશ્ર્ચર્ય પામ્યા. આમ કેમ બન્યું? અપ્સરાઓને તેનું
કારણ પૂછ્યું, તેઓએ જણાવ્યું, આપ વૃદ્ધ છો. પૂજ્ય છો. પિતા જેવા છો. પરંતુ આપના મનમાં આ પુરુષ છે, આ સ્ત્રી છે, એવો
ભેદ છે. ત્યારે શુકદેવજીના મનમાં તેવો કાંઈ ભેદ નથી. શુકદેવજી કેવળ બ્રહ્મજ્ઞાની નથી, પણ બ્રહ્મદૃષ્ટિ રાખીને ફરે છે.
શુકદેવજીને અભેદ દૃષ્ટિ સિદ્ધ થઈ છે. તેમને ખબર નથી કે આ સ્ત્રી છે કે પુરુષ છે.
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૪૧
સંતને જોનારો પણ નિર્વિકાર બને છે. શુકદેવજીનાં દર્શન કરી અપ્સરાઓ પણ નિર્વિકાર બની છે. નિષ્કામ થઈ છે.
અપ્સરાઓને થયું, ધિક્કાર છે અમને. આ મહાપુરુષ તો જુઓ. આ મહાપુરુષ પ્રભ્રુપ્રેમમાં કેવા પાગલ બન્યા છે.
જનકરાજાના દરબારમાં એક વખત શુકદેવજી અને નારદજી પધારેલા. શુકદેવજી બ્રહ્મચારી છે, જ્ઞાની છે. નારદજી પણ
બ્રહ્મચારી છે. ભક્તિમાર્ગના આચાર્ય છે. બન્ને મહાન પુરુષો. પરંતુ આ બેમાંથી શ્રેષ્ઠ કોણ? જનકરાજા સમાધાન કરી શકયા નહિ.
પરીક્ષા કર્યા વગર તે શી રીતે નક્કી થઇ શકે? જનકરાજાની રાણી સુનયનાએ બીડું ઝડપ્યું કે હું બન્નેની પરીક્ષા કરીશ. સુનયના
રાણીએ બન્નેને પોતાના મહેલમાં બોલાવ્યા અને હીંડોળા ઉપર બેસાડયા. બાદમાં સુનયના રાણી શણગાર સજીને આવ્યાં અને
બન્નેની વચ્ચે હીંડોળા ઉપર બેસી ગયાં. આથી નારદજીને સ્હેજ સંકોચ થયો. હું બાળ બ્રહ્મચારી છું. મને તપસ્વીને આ સ્ત્રી અડકી
જશે અને કદાચ મારા મનમાં વિકાર આવશે તો? તેથી સ્હેજ દૂર ખસ્યા. ત્યારે શુકદેવજીને તો અહીં કોણ આવીને બિરાજ્યું તેનું
કાંઇ ભાન નથી. તેને સ્ત્રી,પુરુષનું ભાન નથી. તેઓ દૂર ખસતા નથી. સુનયના રાણીએ નિર્ણય આપ્યો કે આ બંન્નેમાં શ્રેષ્ઠ
શુકદેવજી છે. એમને સ્ત્રીત્વ કે પુરુષત્વનું પણ ભાન નથી. સ્ત્રીત્વ અને પુરુષત્વનું ભાન ન જાય ત્યાં સુધી ઈશ્વર મળતા નથી.
સ્ત્રી અને પુરુષતત્વનું ભાન ભુલાય ત્યારે ભક્તિ સિદ્ધ થઇ એમ માનવું.
શુકદેવજીને સ્ત્રીમાં સ્ત્રીત્વ દેખાતું નથી. તેમને સર્વમાં બ્રહ્મભાવ થયો છે. સર્વમાં બ્રહ્મ દેખાય છે. પુરુષત્વ અને
સ્ત્રીત્વનું સ્મરણ છે, ત્યાં સુધી કામ છે. તે સ્મરણ જાય એટલે કામ મરે છે.
બ્રહ્મચર્ચા કરનારા સુલભ છે. બ્રહ્મજ્ઞાની સુલભ છે. શુકદેવજી જેવી બ્રહ્મદૃષ્ટિ રાખનારા સુલભ નથી. બ્રહ્મદ્રષ્ટિ રાખવી
કઠણ છે. એવા પુરુષને ભાગવત ભણવાની જરૂર નથી. તે ભાગવત ભણવા ગયા શા માટે?
શુકદેવજી ભિક્ષાવૃત્તિ માટે બહાર નીકળે છે, ત્યારે પણ ગોદોહન કાળથી એટલે કે છ મિનિટથી વધારે કયાંય થોભતા
નથી. તેમ છતાં સાત દિવસ સુધી બેસી તેમણે આ કથા પરીક્ષિત રાજાને કહી કેવી રીતે?
અમે સાંભળ્યું છે કે પરીક્ષિત ભગવાનનો મોટો પ્રેમી ભક્ત હતો. તેને શાપ મળ્યો શા માટે? તે અમને કહો.