
નારદજીએ કહ્યું, મને પ્રસાદીમાં પ્રભુએ આ તંબૂરો આપ્યો. પ્રભુએ મને કહ્યું, કૃષ્ણકીર્તન કરતો કરતો જગતમાં ભ્રમણ
કરજે અને મારાથી વિખૂટા પડેલાં અધિકારી જીવને મારી પાસે લાવજે. સંસાર પ્રવાહમાં તણાતા જીવોને મારી તરફ લઈ આવજે.
ભગવાનને કીર્તનભક્તિ અતિપ્રિય છે. આ વીણા લઇ હું જગતમાં ભ્રમણ કરું છું. નાદ સાથે કીર્તન કરું છું. અધિકારી
જીવોને કોઈ લાયક ચેલો મળે તેને પ્રભુના ધામમાં લઈ જાઉં છું. સમુદ્રમાં એક ડુબકીએ કાંઇ રત્ન મળતાં નથી, પણ વારંવાર
ડૂબકી મારતા રહે તો, કોઇ વખત રત્ન મળી આવે. મને કોઈ કોઈ વખત લાયક જીવ મળી જાય છે. મને રસ્તામાં ધ્રુવ મળ્યો. મને
પ્રહલાદ મળ્યો. તેઓને પ્રભુ પાસે લઈ ગયો. આવા ભક્તો મને મળે, તો પ્રભુ પાસે તેઓને લઈ જાઉં.
સત્સંગમાં મેં ભાગવત કથા સાંભળી. શ્રીકૃષ્ણ કથા સાંભળ્યા પછી મેં કૃષ્ણકીર્તન કર્યું અને પ્રેમલતાને પુષ્ટ કરી. હવે
જયારે હું ઈચ્છુ છું, ત્યારે કનૈયો મને ઝાંખી આપે છે, મારી સાથે કનૈયો નાચે. નામદેવ મહારાજ કીર્તન કરતા, તે વખતે વિઠ્ઠલનાથ
નાચતા હતા. હું મારા ઠાકોરજીનું કામ કરું છું. તેથી હું ભગવાનને બહુ વહાલો લાગું છું.
કીર્તનમાં સંસારનું ભાન ભુલાય તો આનંદ આવે. કીર્તનમાં જે તન્મય થયો એ સંસારને ભૂલે છે. કીર્તનથી સંસાર સાથેનો
સંબંધ છૂટે છે, અને પ્રભુ સાથે સંબંધ બંધાય છે. સંસારનું ધ્યાન છોડવાનો પ્રયત્ન કરો. કીર્તનમાં આનંદ કયારે આવે છે? જયારે
જીભથી પ્રભુનું કીર્તન, મનથી તેનું ચિંતન અને દૃષ્ટિથી તેમના સ્વરૂપને જોશો ત્યારે જ આનંદ મળશે.
કળિયુગમાં નામ કીર્તન એ જ ઉગરવાનો ઉપાય છે. કીર્તન કરવાથી પાપ બળે છે, હ્રદય વિશુદ્ધ થાય છે, પરમાત્મા
હ્રદયમાં આવે છે. પરમાત્માની પ્રાપ્તિ થાય છે. એટલે કથામાં કીર્તન થવું જ જોઇએ. કીર્તન વગર કથા પરિપૂર્ણ થતી નથી.
કળિયુગમાં સ્વરૂપસેવા જલદી ફળતી નથી, સ્મરણસેવા એટલે કે નામસેવા તરત ફળે છે.
વ્યાસજી, સર્વનું મૂળ છે સત્સંગ, સત્સંગનો આ મોટો મહિમા છે. જે સત્સંગ કરે છે તે સંત બને છે. શ્રીકૃષ્ણકથાથી મારું
જીવન સુધર્યું છે. શ્રીકૃષ્ણકથા સાંભળી મને સાચું જીવન મળ્યું. કથા સાંભળી વૈરાગ્ય વધારજો અને સ્વભાવને સુધારજો. સંયમ
વધારી, ભજનમાં વધારો કરશો તો સફળતા જરૂર મળશે.
નારદજી વ્યાસજીને કહે છે:-આપ મને જે માન આપો છો તે સત્સંગને માન છે, સત્સંગથી હું માનને લાયક બન્યો છું.
સત્સંગથી ભીલ બાળકો સાથે રખડનાર હું દેવર્ષિ બન્યો.
નારદજી દાસીપુત્ર હતા. સાચા સંતોની સેવાથી તેમનું જીવન સુધર્યું, સંતો પોતે જ તીર્થસ્વરૂપ છે. સંત જંગમતીર્થ છે.
પારસમણિ લોઢાને કાંચન કરે છે, પણ લોઢાને પોતાના જેવું બનાવતો નથી. ત્યારે સંત તેમના સત્સંગમાં આવેલાને પોતાના જેવા
બનાવે છે, સંત કરે આપુસમાન ।
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૪૯
માનવ દેવ થવા સર્જાયો છે. માનવને દેવ થવા માટે ચાર ગુણોની જરૂર છે:-સંયમ, સદાચાર, સ્નેહ અને સેવા, આ ગુણો
સત્સંગ વગર આવતા નથી. સત્સંગનું ફળ ભાગવતમાં બતાવ્યું છે. નારદના ચરિત્રથી, સત્સંગથી નારદજી દાસીપુત્રમાંથી દેવર્ષિ
થયા છે. મનુષ્ય માયાનો દાસ બન્યો છે. સત્સંગથી તે એમાંથી છૂટી શકે છે. ખરો ભક્તિનો રંગ લાગે, તેને પ્રભુ વિના ચેન પડતું
નથી.
નારદ ચરિત્ર એ ભાગવતનું બીજારોપણ છે. સત્સંગ અને સેવાનું ફળ બતાવવાનો આ ચરિત્રનો ઉદ્દેશ છે, એટલે વિસ્તાર
કર્યો છે.
આપણે એ જોયું કે જપ વિના જીવન સુધરતું નથી. સ્નાનથી શરીરશુદ્ધિ થાય છે. દાનથી ધનની શુદ્ધિ થાય છે. અને
ધ્યાનથી મનની શુદ્ધિ થાય છે. પરોપકારથી પણ મનની પૂર્ણ મલિનતા ધોવાતી નથી. એ માટે ધ્યાન,જપની જ જરૂર છે.
જપ કરનારની સ્થિતિ કેવી હોવી જોઇએ? શ્રી બ્રહ્મચૈતન્ય સ્વામીએ કહ્યું છે કે:- સહજ સુમિરન હોત હૈ
રોમ રોમસે રામ । જપનાં વખાણ કરતા ગીતામાં ભગવાને કહ્યું છે કે:-
યજ્ઞાનાંજ્પયજ્ઞોऽસ્મિ
રામદાસ સ્વામીએ દાસબોધમાં લખેલું છે કે, જપ કરવાથી જન્મકુંડલીના ગ્રહો પણ સુધરે છે. એક કરોડ જપ કરવાથી,
તન સુધરે એટલે આરોગ્ય પ્રાપ્ત થાય. બે કરોડ જપ કરવાથી દ્રવ્યસુખ મળે. ધનની પ્રાપ્તિ થાય છે. ત્રણ કરોડ જપ કરવાથી
પરાક્રમ સિદ્ધ થાય છે, યશ કીર્તિ મળે છે. ચાર કરોડ જપ કરવાથી સુખની પ્રાપ્તિ થાય છે. પાંચ કરોડ જપ કરવાથી જ્ઞાનની પ્રાપ્તિ
થાય છે. છ કરોડ જપ કરવાથી આંતર શત્રુઓનો, અંદરના શત્રુઓનો વિનાશ થાય છે. સાત કરોડ જપ કરવાથી સ્ત્રીને સૌભાગ્ય
સુખ મળે છે. સ્ત્રીને પતિસુખ અને પુરુષને પત્નીનું સુખ મળે છે. આઠ કરોડ જ૫ કરવાથી મરણ સુધરે છે. અપમૃત્યુ ટળે છે.
મૃત્યુસ્થાન સુધરે છે. નવ કરોડ જપ કરવાથી ઈષ્ટદેવની ઝાંખી થાય છે. અપરોક્ષાનુભૂતિ થાય છે, જે, દેવના જપ કરાય છે તે
દેવના સગુણ સ્વરૂપનો સાક્ષાત્કાર થાય છે. દશ, અગિયાર, બાર કરોડ જપ કરવાથી સંચિત, પ્રારબ્ધ અને ક્રિયામાણ કર્મો બળે
છે, આ કર્મોનો નાશ થાય છે. તેર કરોડ જપ કરવાથી ભગવાનનાં સાક્ષાત્ દર્શન થાય છે.