
વિષ્ણુસહસ્ર નામનો પાઠ કરવો, એ પરમધર્મ છે. શિવમહિમ્ન અને વિષ્ણુસહસ્રનો પાઠ રોજ કરો. શિવજીની સ્તુતિ
કરવાથી જ્ઞાન મળે છે. જ્ઞાનથી ભક્તિ દૃઢ થાય છે. વિષ્ણુ ભગવાનની સ્તુતિ કરવાથી પાપ બળે છે. વિષ્ણુસહસ્ર નામના પાઠથી
કપાળમાં લખેલા વિધાતાના લેખ પણ બદલાય છે. જન્મમરણના બંધનમાંથી જીવને તે મુક્ત કરે છે. ભગવાન શંકરાચાર્ય ને
વિષ્ણુસહસ્ર નામનો પાઠ બહુ પ્રિય હતો. સૌથી પહેલું વિષ્ણુસહસ્ર નામ ઉપર તેમણે ભાષ્ય લખ્યું છે. તેમનો છેલ્લો ગ્રંથ છે,
બ્રહ્મસૂત્ર ઉપરનું શાંકરભાષ્ય. તે પછી કલમ મૂકી દીધી હતી.
વિષ્ણુસહસ્ર નામનો પાઠ બતાવ્યો. વિષ્ણુસહસ્ર નામનો પાઠ, રોજ, બે વખત કરો. બાર વર્ષ આ પ્રમાણે કરો તો જરૂર
ફળ મળશે. એક વખત જમ્યા પહેલાં અને એક વખત રાત્રે સૂતાં પહેલાં. વિષ્ણુસહસ્ર નામમાં દિવ્ય શક્તિ છે. કપાળે વિધાતાએ જે
લેખ લખ્યા છે તે ભૂંસવાની, તે બદલવાની શક્તિ વિષ્ણુસહસ્ર નામમાં છે. ગરીબ માણસ વિષ્ણુયાગ કયાંથી કરી શકે? પરંતુ
ગરીબ માણસ, વિષ્ણુસહસ્ર નામના પંદર હજાર પાઠ કરે તો, એક વિષ્ણુયાગ કરવાનું પુણ્ય તેને મળે છે.
ભોજનની જેમ ભજનમાં પણ નિયમ રાખવો જોઈએ. બાર વર્ષ નિયમપૂર્વક સત્કર્મ કરો. તે પછી અનુભવ થશે. ગમે તે
કામ હોય, ભગવાનનું ભજન નિયમિત કરો જે પરમાત્માની કૃપાથી આ સુખ મળ્યું. આ પુત્ર મળ્યો, તે ઠાકોરજીની સેવા સ્મરણ
જીવ ન કરે એના જેવું પાપ કયું?
ઈતિ મતિરુપકલ્પિતા વિતૃષ્ણા ભગવતિ સાત્વતપુઙ્ગવે વિભૂમ્નિ ।
સ્વસુખમુપગતે કવચિદ્વિહર્તું પ્રકૃતિમુપેયુષિ યદ્ભવપ્રવાહ: ।।
તે પછી ભીષ્મપિતા ભગવાનની સ્તુતિ કરે છે. દર્શન કરતાં ભીષ્મપિતા બોલ્યા નાથ! આપનાં દર્શન હું ખાલી હાથે કેમ
કરું? હું તમને શું ભેટ અર્પણ કરું?
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૬૬
ભગવાન જીવ પાસે ધન માંગતા નથી. મન,બુદ્ધિ માંગે છે.
હે નાથ, મારુ મન,બુદ્ધિ આજે તમારાં ચરણમાં અર્પણ કરું છું.
આ જીવ લુચ્ચો છે. વધારે શું કહું? કાંઇક મુશ્કેલી આવે, ત્યારે રણછોડરાયનાં દર્શન કરવા જાય છે. રણછોડરાયજીને
અગિયાર રુપિયા ભેટમાં મૂકે છે અને કહે છે. નાથ, મેં કોર્ટમાં મારા ભાઇ ઉપર દાવો કર્યો છે. મારું ધ્યાન રાખજો, ધ્યાન રાખજો,
એટલે કે મારી સાથે કોર્ટમાં આવજો. વકીલને રૂપિયા ૩૦૦ આપે અને ઠાકોરજીને અગિયારમાં સમજાવે છે. ભગવાન કહે છે, હું
સમજું છું. હું તારા દાદાનો પણ દાદો છું. એટલે જયારે લક્ષ્મીજી પૂછે છે કે, તમારા ભક્તોને જલ્દી નજર કેમ આપતાં નથી, ત્યારે
ભગવાન કહે છે, એ આપે છે તેના બદલામાં શું માગે છે તે તો તું જો. ભગવાનને તમારું મન, તમારી બુદ્ધિ અર્પણ કરો. એકવાર, હે
નાથ, મને એકવાર કહો, તું મારો છે.
મોર મોર સબ કોઇ કહે, બંધુ મચાવત શોર, મોર પંખવાલે, પ્રભુ, કહો અહ અબ મોર.
ભીષ્મસ્તુતિના પાઠ કરતાં એમ લાગે છે કે, મરણને ભક્તિ જ સુધારે છે. જ્ઞાન ઉપર ભરોસો રાખશો નહિ. આત્મા
શરીરથી જુદો છે એ સૌ જાણે છે, પણ તેનો અનુભવ થતો નથી. દુઃખ થાય છે ત્યારે દેહાધ્યાસ જ મનમાં આવે છે. દેહના અવસાન
વખતે વીસ કરોડ વીંછીઓ કરડે તેટલું દુ:ખ થાય છે. મનુષ્યનું મરણ સુધારે છે ભક્તિ. કેટલીકવાર જ્ઞાન મરણ બગાડે છે.
ભીષ્મપિતા જ્ઞાન ઉપર ભરોસો રાખતા નથી. ભગવાનને શરણે આવ્યા છે. ભીષ્મપિતા કહે છે, હું શરણે આવ્યો છું. તેઓ એવું
બોલતા નથી કે હું બ્રહ્મરૂપ છું. કહે છે કે હું તમારો છું. તમારે શરણે આવ્યો છું. ભગવાન સહેજ ઠપકો આપે છે. તમને 'મારો' એમ
કહું? તમે મારા અર્જુનને, મારા ભક્તને બાણ માર્યા છે તે કેમ ભૂલાય? ભીષ્મ કહે છે. પાંડવો ઉપર મારો કેવો પ્રેમ છે, તે જગત
જાણે છે. તમે પણ જાણો છો. તે વખતે મારું શરીર કૌરવો પક્ષમાં હતું. પણ મારું મન પાંડવ પક્ષમાં હતું. બાણ છોડતો ત્યારે
મનમાં ભાવના કરતો હતો કે જીત પાંડવોની થાય. જયોણાસ્તુ પાંડુપુત્રાણાંમ્ એવું બોલીને હું બાણ છોડતો હતો.
કૃષ્ણ:-પણ શરીરથી તમે પાંડવ પક્ષમાં આવ્યા નહિ ને? તમે કૌરવોના પક્ષમાં રહીને મારા પાંડવો સામે લડયા છો.
તમારું મન પાંડવ પક્ષમાં હતું, તો તન પણ ત્યાં કેમ ન રાખ્યું?
ભીષ્મ:-હે નાથ, અર્જુનના રથ ઉપર તમે બિરાજતા હતા. તે સમયે તમારા દર્શન કરવાની ઈચ્છા હતી. મેં વિચાર્યું,
પાંડવ પક્ષમાં રહીશ, તો અર્જુનના રથ ઉપર બિરાજેલા પાર્થસારથીનાં દર્શન કેમ થશે?