
મોટાભાઇ, યાદ કરો તે પ્રસંગ, કે જયારે દુર્યોધને કપટ કરી, આપણા નાશ માટે દુર્વાસાને મોકલ્યા હતા. ભાજીનાં એક
પાનથી અક્ષયપાત્ર ભરીને પ્રભુએ તે સંકટમાંથી પણ આપણને ઉગાર્યા.
યો નો જુગોપ વનમેત્ય દુરન્તકૃચ્છ્રાદ્ દુર્વાસસોऽરિવિહિતાદયુતાગ્રભુગ્ ય: ।
શાકાન્નશિષ્ટમુપયુજય યતસ્ત્રીલોકીં તૃપ્તામમંસ્ત સલિલે વિનિમગ્નસઙ્ઘ: ।।
દુર્યોધને ચાર મહિના દુર્વાસાને પોતાને ત્યાં જમાડયા. દુર્વાસા પ્રસન્ન થયા છે. દુર્યોધનને વરદાન માંગવા કહ્યું, વિચાર્યું,
ઋષિના શ્રાપથી પાંડવોનો નાશ કરવાનો આ સારો અવસર છે. ગઈ કાલનો મહારાજને અગિયારસનો ઉપવાસ છે. સૂર્યદેવે
દ્રૌપદીને અક્ષયપાત્ર આપેલું છે. પરંતુ દ્રૌપદી ભોજન કરી રહે, તે પછી પાત્રમાંથી કાંઈ નીકળતું નથી. આ બ્રાહ્મણોને પાંડવો પાસે
જતાં સમય લાગશે. દ્રૌપદીએ ભોજન કર્યા પછી આ બ્રાહ્મણો ત્યાં પહોંચશે. દુર્વાસાને ભોજન નહિ મળતાં, ક્રોધથી તેઓ પાંડવોને
શાપ આપશે અને તેઓની દુર્ગતિ કરશે. દુર્યોધને બુદ્ધિ પૂર્વક કપટ કર્યું છે. તેણે દુર્વાસા પાસે માંગ્યું અમારા ફુળમાં યુધિષ્ઠિર મુખ્ય
છે. દશ હજાર શિષ્યો સાથે હવે આપ તેમના અતિથ્યનો સ્વીકાર કરો. દ્રૌપદીને ભૂખનું કષ્ટ ન ઉઠાવવું પડે, એટલે તેના ભોજન
પછી આપ ત્યાં જજો. પાંડવોને ત્યાં ભોજન માટે આજે આપ પધારો.
સંતની સેવા સદ્ભાવથી કરે, તો જ તે સફળ થાય. કુભાવથી કે લૌકિકભાવથી કરેલી સેવા સફળ થશે નહિ. ચાર મહિના
દુર્વાસાને પોતાને ત્યાં જમાડી, દુર્યોધને પાંડવોનો વિનાશ ઈચ્છયો. જે નાશમાં પરિણમ્યો, નહિતર બ્રાહ્મણોને જમાડવાનું પુણ્ય
તેને મળત. દુર્યોધને સંતની સેવા કરી પણ કપટથી કરી.
દુર્યોધનના કહેવા પ્રમાણે, દુર્વાસા દસ હજાર બ્રાહ્મણો સાથે પાંડવો પાસે આવ્યા છે. કહે છે, રાજન્ , અતિશય ભૂખ
લાગી છે. તમારે ત્યાં ભોજન કરવા આવ્યા છીએ.
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૭૩
સૂર્યનારાયણે અક્ષયપાત્ર આપેલું છે. મધ્યાહ્નને જે કોઈ બ્રાહ્મણ આવે તેને જમાડે છે. અક્ષયપાત્રમાંથી સંક૯૫ પ્રમાણે
અન્ન નીકળતું હતું. પાંડવો દુઃખમાં પણ ઈશ્વરની કૃપાનો અનુભવ કરે છે.
આજે દ્રૌપદીએ ભોજન કર્યું છે. એટલે અક્ષયપાત્રમાંથી કાંઇ નીકળવાનું નથી. છતાં યુધિષ્ઠિરે કહ્યું. પધારો, આપે
અમારા ઉપર બહુ કૃપા કરી છે. આપ સૌ ગંગાસ્નાન કરીને આવો, ત્યાં હું રસોઈની તૈયારી કરાવું છું. ચોખાનો એક પણ દાણો
ઘરમાં નથી, તેમ છતાં દશ હજાર બ્રાહ્મણોને જમવાનું આમંત્રણ આપ્યું છે. ધર્મરાજાનું ધૈર્ય કેવું છે? તેમને વિશ્ર્વાસ છે કે,
અતિશય દુઃખમાં પણ મેં મારો ધર્મ છોડયો નથી. તો ધર્મરૂપ પરમાત્મા મારી રક્ષા કરશે. ભીમ,અર્જુન વિચાર કરે છે, હવે શું થશે?
દ્રૌપદીને ચિંતા થાય છે. દશ હજાર બ્રાહ્મણોને જમાડવા કેવી રીતે? મેં ભોજન કરી લીધું છે. અક્ષયપાત્રમાંથી આજે કાંઈ મળે તેમ
નથી. દ્રૌપદીનું હૈયુ ભરાયું. ભોજન નહિ મળશે તો, મારા પાંડવોને દુર્વાસા શાપ આપશે. મેં સાંભળ્યું છે, દુર્વાસા બહુ ક્રોધી છે.
તેમનું અપમાન થશે, તો મારા પતિને તેઓ શાપ આપશે. દ્રૌપદી દ્વારકાનાથને યાદ કરે છે. દ્રૌપદી પરમાત્માને પોકારે છે. નાથ,
મારી લાજ જશે તો જગતમાં હાંસી તારી થશે. દ્રૌપદીએ આર્તનાદ કર્યો. આજદિન સુધી અનેક વખત મારી લાજ રાખી છે, તો આજે
પણ મારી લાજ રાખજે. આજે દશ હજાર બ્રાહ્મણો જમાડવાના છે. તે ભૂખ્યા રહેશે તો શાપ આપશે. જીવ ન ગભરાય ત્યાં સુધી તે
પ્રભુને પ્રેમથી પોકારતો નથી. દ્રૌપદી ગભરાયાં છે. પરમાત્માએ દ્રૌપદીનો સાદ સાંભળ્યો. આવવા તૈયાર થયા છે. ભક્તો કીર્તન
કરે છે, ત્યારે પરમાત્માનું સિંહાસન ડોલે છે. તે વખતે ઉત્થાનનો સમય થયો છે. રૂક્મણી થાળમાં મેવો લાવ્યાં છે, રૂક્મણી
પ્રાર્થના કરે છે. આ મેવો આરોગો. એક તરફ રૂક્મણી કહે છે:-આ મેવો આરોગો, ને પછી જાવ. બીજી તરફ દ્રૌપદી પ્રાર્થના કરે છે,
નાથ હું બહુ દુ:ખી છું. વનમાં બ્રાહ્મણોને જમાડવાના છે. કૃષ્ણ કહે છે, દ્રૌપદી મને પુકારે છે. દશ હજાર બ્રાહ્મણોને જમાડવા છે.
ઘરમાં કાંઈ નથી રૂક્ષ્મણી મનાવે છે, થોડો પ્રસાદ લીધા પછી જાવ. કૃષ્ણ કહે છે, હું દ્રૌપદીને ત્યાં જઇશ ત્યાં જ ભોજન કરીશ.
દોડતા દ્વારકાનાથ જે ઝૂંપડીમાં દ્રૌપદી પ્રાર્થનામાં તન્મય થયાં છે, ત્યાં પ્રગટ થયા.
કીર્તન એવી રીતે કરો કે, ભગવાન આવીને ઉઠાડે, હું આવ્યો છું, તારી આંખ ઉઘાડ.