
દ્રૌપદીએ હાથ જોડયા છે. નાથ, મારા ઘરમાં કાંઇ નથી. અમારું સર્વસ્વ ગયું છે. અમારી મશ્કરી ન કરો બ્રાહ્મણો આવ્યા
છે તેમને જમાડવાના છે. તેથી તમને યાદ કર્યા છે. તમે તેની વ્યવસ્થા કરો. ભગવાન કહે છે, તેની વ્યવસ્થા પછી થશે. પહેલાં
મારી વ્યવસ્થા કર. દ્રૌપદી ભોજન કરતાં પહેલાં તું કંઈક મારા માટે રાખે છે. મારા માટે જે કાંઇ રાખ્યું હોય, તે મને આપ.
દ્રૌપદી કહે છે:-નાથ, હું આજે ભૂલી ગઈ, તમારા માટે કાંઈ રાખ્યું નથી. ભગવાન, કહે છે અક્ષયપાત્ર મને બતાવ. તેમાં
કાંઇક હશે. દ્રૌપદીએ અક્ષયપાત્ર કૃષ્ણના હાથમાં આપ્યું. પરમાત્માએ તેમાંથી ભાજીનું પાન શોધી કાઢયું. ભગવાન પાન આરોગે
છે. જીવ જયારે પરમાત્માને પ્રેમથી આપે છે, ત્યારે તેમને તૃપ્તિ થાય છે. સર્વમાં અંતર્યામી રૂપે હું રહેલો છું. હું તૃપ્ત થયો, એટલે
જગતના સર્વ જીવો તૃપ્ત થઇ જાય.
પરમાત્માને હજાર વાર મનાવવો પડે છે, ત્યારે કોઇક દિવસ તે આરોગે છે. કનૈયાને રોજ જમાડો. કનૈયો કોઈ વખત થોડું
આરોગશે તો બેડો પાર થઇ જશે. પરમાત્મા થોડું આરોગશે તો જગતને જમાડવાનું પુણ્ય મળશે. દ્રૌપદીને કહ્યું છે, આજે જગતના
તમામ જીવોને તૃપ્તિ થશે. શ્રીકૃષ્ણને અજીર્ણ થયું છે. દુર્વાસા અને બ્રાહ્મણોને અજીર્ણ થયું છે. પ્રભુ જમ્યા એટલે દુર્વાસા વગેરે
બ્રાહ્મણો તૃપ્ત થઇ ગયા. યુધિષ્ઠિરે ભીમને આજ્ઞા કરી કે પેલા બ્રાહ્મણો નાસી જવાની તૈયારી કરે છે. જા, તેઓને જઇને બોલાવી
લાવ. ભીમ તેઓને જમવા બોલાવવા જાય છે. બધાને તૃપ્તિના ઓડકાર આવે છે. તેઓ જમવા આવવા ના પાડે છે. દુર્વાસા વિચારે
છે, આ કામ કૃષ્ણનું લાગે છે. તેથી દુર્વાસા પૂછે છે. ભીમ, દ્વારકાથી કૃષ્ણ તો આવ્યા નથી ને? ભીમ કહે તે તો કયારના આવ્યા
છે. દ્રૌપદી સાથે વાત કરે છે. મને કહે, દુર્વાસા મારા ગુરુ છે. તેને મારે આજે પ્રેમથી જમાડવા છે. દુર્વાસા કહે છે. ભીમ, હું એનો
ગુરુ નથી. એ તો મારા ગુરુના પણ ગુરુ છે. ભીમ, અમારે હવે ભોજન કરવાની જરૂર નથી. તમારો સંયમ, સદાચાર, ધર્મપાલન
તેમજ કૃષ્ણભક્તિ, કૃષ્ણપ્રેમ જોઈ, વગર ભોજને મને તૃપ્તિ થઇ ગઈ છે. હું તૃપ્ત થયો છું. દુર્વાસાએ આશીર્વાદ આપ્યા. તમારો જય
થશે. કૌરવોનો વિનાશ થશે.
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૭૪
મોટાભાઇ! સેવા દુર્યોધને કરી અને આશીર્વાદ તમને મળ્યા છે.
શ્રી શંકર સ્વામીએ કહ્યું છે, કે જો જીવ અને બ્રહ્મ એક ન હોય, તો શ્રીકૃષ્ણ ભાજીનું પાન આરોગે અને દુર્વાસાને તૃપ્તિ
કેમ થાય? જીવ અને ઇશ્વરનો ભેદ, અવિદ્યાથી ભાસે છે. પણ તત્ત્વ એક જ છે.
ભગવાનના સ્વધામગમનની અને યદુવંશના વિનાશની વાત સાંભળી યુધિષ્ઠિરે, સ્વાર્ગારોહણનો નિશ્ચય કર્યો.
પરીક્ષિતને રાજયગાદી સોંપી દીધી. પાંડવોએ દ્રૌપદી સહિત સ્વર્ગારોહણ માટે હિમાલય તરફ પ્રયાણ કર્યું. કેદારનાથ પાસે તેમણે
ભગવાન શિવજીની પૂજા કરી. જીવ શિવ નું અંતિમ મિલન ત્યાં થાય છે. કેદારનાથમાં એવી માન્યતા છે કે શિવજીની પૂજા કર્યા
પછી સ્ત્રી હોય કે પુરુષ, બધાં શિવલીંગ ને આલિંગન કરે છે. જીવ અને ઈશ્વર નું મિલન થાય છે. ત્યાંજ જીવ ભાવ દુર થાય છે.
જીવ શિવ પંથનું ત્યાં મિલન થયું. તેની આગળ નિર્વાણ પથ છે. પાંડવોએ તે પથ લીધો છે. ચાલતાં ચાલતાં પહેલા દ્રૌપદીનું
પતન થયું. કારણ પતિવ્રતા હતાં પણ અર્જુનમાં વિશેષ પ્રેમ એટલે પક્ષપાત કરતાં હતાં. બીજું, સહદેવનું પતન થયું સહદેવને
અભિમાન હતું કે હું જ્ઞાની છું. ત્રીજું નકુલનું પતન થયું. તેને રૂપનું અભિમાન હતું. ચોથું અર્જુનનું પતન થયું કારણ કે તેને
પરાક્રમનું અભિમાન હતું. પાંચમું ભીમનું પતન થાય છે. ભીમ પૂછે છે:-મોટાભાઈ, મેં કાંઇ પાપ કર્યું નથી. મારું કેમ પતન થયું?
યુધિષ્ઠિર:-તું બહુ ખાતો એટલે તારું પતન થયું છે, ખાવ ત્યારે આંખ ઉઘાડી રાખો. પરંતુ બ્રાહ્મણોને તેમજ દેવને
જમાડતી વખતે આંખ બંધ રાખજો.
એકલા ધર્મરાજા આગળ ગયા છે. ધર્મરાજાની પરીક્ષા કરવા, એક સ્વરૂપે યમરાજા કૂતરું બન્યા અને બીજા સ્વરુપે તેઓ
યુધિષ્ઠિર પાસે આવ્યા. યુધિષ્ઠિરને કહ્યું, તમને હું સ્વર્ગમાં લઈ જાઉં, પરંતુ તમારી પાછળ પાછળ જે કૂતરું આવે છે તેને સ્વર્ગમાં
પ્રવેશ નહિ મળે. યુધિષ્ઠિર કહે છે, મારી પાછળ પાછળ આવ્યો તેને હવે છોડું? કૂતરાને છોડી મારે સ્વર્ગમાં આવવું નથી. સાત
પગલાં સાથે ચાલે તેને સંત પોતાનો માને છે. ધર્મરાજા સદેહે સ્વર્ગમાં ગયા. તુકારામ સૌને રામરામ કરી સદેહે સ્વર્ગમાં ગયા છે.
આમ્હી જાતો આમચ્યા ગાવા, આમચા રામ રામ ધ્યાવા.
આ પ્રમાણે બોલતાં બોલતાં સ્વર્ગમાં ગયા.