
મીરાંબાઈ સદેહે દ્વારકાધીશમાં સમાઇ ગયાં છે લીન થયાં છે. મીરાંબાઇને
મેવાડમાં દુ:ખ પડયું, તેથી તેણે મેવાડને છોડયું, તેમના ગયા પછી મેવાડ બહુ દુ:ખી થયું. યવનોનું આક્રમણ થયું. રાણાએ
વિચાર્યું, મીરાં ફરીથી પધારે તો દેશ સુખી થાય. રાણાએ બ્રાહ્મણોને, ભક્તોને મીરાંને બોલાવવા મોકલ્યા. મીરાંબાઈએ કહ્યું, હું
આવતીકાલે દ્વારકાનાથને પૂછીશ. તેઓ આજ્ઞા આપશે તો તમારી સાથે આવીશ. બીજે દિવસે મીરાંબાઇએ દિવ્ય શૃંગાર કર્યો.
આજે મારે મારા ગિરધર ગોપાળને મળવું છે. મારા પ્રભુ પ્રિયતમ શ્રીકૃષ્ણને મળવું છે મીરાંબાઈ કીર્તન કરતાં નાચે છે. આજે તેમનું
છેલ્લું કીર્તન છે. દ્વારકાનાથ મીરાંબાઈને ઉઠાવીને છાતી સરસી ચાંપે છે. મીરાંબાઇ સદેહે દ્વારકાધીશમાં લીન થયાં છે. શ્રીકૃષ્ણ
ભક્તિથી શરીર એવું દિવ્ય બનેલું કે શરીરે શ્રીકૃષ્ણમાં લીન થયાં છે. આત્મા પરમાત્માનું મિલન થાય તેમાં શું નવાઈ? પરંતુ
શ્રીકૃષ્ણપ્રેમને લીધે જડ શરીર પણ ચેતન બને છે અને ચેતનમાં તે લીન થાય છે. દિવ્ય પુરુષો શરીર સાથે પરમાત્માને મળે છે.
આત્મા પરમાત્મામાં મળે તેમાં આશ્ર્ચર્ય નથી. પણ મીરાંબાઇ શરીર સાથે ભાગવતસ્વરૂપમાં લીન થયાં છે.પ્રયાણમાં અને
મરણમાં ફેર છે. છેક છેલ્લા શ્વાસ સુધી નિત્યકર્મ થાય તેનું પ્રયાણ, મલીન અવસ્થામાં હાય હાય કરતાં શરીર છોડે તેનું મરણ થયું
કહેવાય.
ય: શ્રદ્ધયૈતદ્ ભગવત્પ્રિયાણાં પાણ્ડો: સુતાનામિતિ સમ્પ્રયાણમ્ ।
શ્રૃણોત્યલં સ્વસ્ત્યનં પવિત્રં લબ્ધ્વા હરૌ ભક્તિમુપૈતિ સિદ્ધિમ્ ।।
પાંડવો પ્રભુના ધામમાં ગયા છે. પાંડવોનું મરણ સુધર્યું, કારણ કે તેઓનું જીવન શુદ્ધ હતું. પાંડવોએ જીવનમાં ધર્મ
છોડયો નથી. ધન કરતાં ધર્મ શ્રેષ્ઠ છે, ધન આ લોકમાં થોડું સુખ આપે છે. કોઈવાર ધન દુ:ખ પણ આપે છે. ત્યારે ધર્મ એ જીવન
સુધારે છે અને પરલોકને પણ સુધારે છે. ધર્મ મર્યા પછી સાથે આવે છે. પછી પરીક્ષિત રાજા રાજ્ય કરવા લાગ્યા છે. પરીક્ષિતે
ધર્મથી પ્રજાનું પાલન કર્યું છે. ત્રણ અશ્ર્વમેધ યજ્ઞ કર્યા છે. યજ્ઞમાં ઘોડો છોડવામાં આવે છે. વાસના એ જ ઘોડો છે. વાસના કોઈ
ઠેકાણે ન બંધાય, આત્મસ્વરૂપમાં મળે તો બંધાય. કોઈ વિષયમાં વાસના ન બંધાય તેની કાળજી રાખવાની છે. પરીક્ષિતે ત્રણ
યજ્ઞો કર્યા. ઇન્દ્રિય, શરીર, મનોગત વાસનાનો નાશ થાય, એ ત્રણ યજ્ઞો છે. ચોથો યજ્ઞ બાકી છે. બુદ્ધિગત વાસના તો શુકદેવજી
જેવા બ્રહ્મનિષ્ઠ ગુરુ કૃપા કરે તો જ તેનો નાશ થઈ શકે. એટલે ચોથો યજ્ઞ બાકી હતો.
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૭૫
શુદ્ધ આચાર હોય તો શુદ્ધ વિચાર થઈ શકે છે. જળશુદ્ધિ, અન્નશુદ્ધિ રાખવી જોઈએ. આ મર્યાદાઓનું પાલન કરવાથી
સિદ્ધિ મળી શકે છે. આચાર શુદ્ધ રાખો. સ્વેચ્છાચારીનું પતન થાય છે. પરીક્ષિતના આચાર અતિ શુદ્ધ હતા, એટલે કે ધર્મશાસ્ત્રની
મર્યાદા અનુસાર હતા. તેથી કળિ પુરુષ તેમાં પ્રવેશ કરી શકતો નથી. કળિએ વિચાર્યું, પરીક્ષિત કાંઇક પણ પાપ કરે તો તેમાં
પહેલો પ્રવેશ કરીશ. રાજાના મનમાં પ્રવેશ કરું તો, પ્રજામાં પ્રવેશ મળી શકે.
સમાજને સુધારવું અશકય જેવું બન્યું છે. પરંતુ વ્યક્તિગત જીવન સુધરી શકે છે. આચાર-વિચાર જેના શુદ્ધ હોય, તેના
ઘરમાં કળિ આવી શકશે નહિ. જેના ઘરમાં નિત્ય કૃષ્ણકીર્તન, કૃષ્ણસેવા થતાં હોય તેના ઘરમાં કળિ આવી શકતો નથી. આજ
પણ કેટલાક વૈષ્ણવોનાં ઘર એવાં છે કે જયાં કળિ-પ્રવેશ કરી શકયો નથી. શાસ્ત્રની રચના મનુષ્યનું કલ્યાણ કરવા માટે છે.
આચાર ધર્મ જે છોડે છે તેના વિચાર શુદ્ધ રહેતા નથી. ધર્મ એ પિતા છે. ધર્મ એ મા છે. માતાની પસંદગી હોય નહિ. ધર્મ બદલી ન
શકાય. વર્ણાશ્રમ ધર્મનું પાલન કરવાથી આચાર શુદ્ધ બને છે.
ગાયની સેવા ખૂબ કરવી. ગાય ખાય છે ઘાસ અને આપે છે દૂધ. જો ભગવાને સંપત્તિ આપી હોય તો ગાય રાખજો.
આજકાલ પૈસા મળે એટલે લોકો કૂતરા પાળે છે. કૂતરાનો અનાદર ન કરવો. પણ મર્યાદા મૂકી તેની સાથે વધારે પ્રેમ ન કરવો.
કૂતરો આંગણે આવે તો રોટલો નાંખવો એ ધર્મ છે. કેટલાક લોકો કૂતરાને મોટરમાં લઈને ફરવા નીકળે છે. આપણાંથી બીજું કાંઇ
કહેવાય નહિ. પણ બીજા જન્મમાં કૂતરો થવાની આ તૈયારી છે.