
એક દિવસ પ્રાત:કાળે સત્યદેવ ઉઠયો. તો તેણે પોતાના ઘરમાંથી એક સુંદર સ્ત્રીને બહાર નીકળતી જોઈ. રાજાને
આશ્ર્ચર્ય થયું. તેણે પેલી સ્ત્રીને પૂછ્યું, કે આપ કોણ છો?
તે સ્ત્રીએ ઉત્તર વાળ્યો. મારું નામ લક્ષ્મી. હું હવે તમારા ઘરમાંથી જવા ઈચ્છું છું. રાજાએ કહ્યું, ભલે તમે જઇ શકો છો.
થોડીવારે એક સુંદર પુરુષ ઘરમાંથી બહાર નીકળ્યો, રાજાએ પૂછ્યું, આપ કોણ છો? તે પુરુષે જવાબ આપ્યો, મારું
નામ દાન. લક્ષ્મી અત્રેથી ચાલી ગઈ એટલે તમે દાન કયાંથી કરી શકશો? એટલે લક્ષ્મી સાથે, હું પણ જવાનો, રાજાએ કહ્યું:-
તમે પણ જઇ શકો છો.
થોડીવારે ત્રીજો એક પુરુષ ઘરની બહાર નીકળ્યો, રાજાએ પૂછ્યું, તમારું નામ? ત્રીજા પુરુષે જવાબ આપ્યો, મારું નામ
સદાચાર, તમારે ત્યાંથી લક્ષ્મી અને દાન ગયાં તો હું પણ જાઉં છું. રાજાએ કહ્યું:-તમે પણ જઈ શકો છો.
ત્યારબાદ એક ચોથો પુરુષ બહાર નીકળ્યો, સત્યદેવે પૂછ્યું, આપ કોણ છો? તે પુરુષે જવાબ આપ્યો, મારું નામ યશ
છે. તમારે ત્યાંથી લક્ષ્મી, દાન અને સાદાચાર ગયાં, તો એ ત્રણે વિના હું અત્રે કેવી રીતે રહી શકું? સત્યદેવે કહ્યું:- ઠીક, આપ
પણ જઇ શકો છો.
તે પછી થોડી વારે એક સુંદર યુવાન પુરુષ બહાર નીકળ્યો, તમે કોણ છો? તમારું નામ શુ? તે પુરુષે જવાબ આપ્યો,
મારું નામ સત્ય, તમારા ઘરમાંથી લક્ષ્મી, દાન, સદાચાર, યશ ચાલ્યા ગયાં, તો હું પણ તેઓની સાથે જઈશ.
સત્યદેવે કહ્યું:-મેં તમને કોઈ દિવસ છોડયાં નથી. તમે મને શા માટે છોડી જાવ છો? અરે, તમારે માટે મેં લક્ષ્મી-યશ
વગેરેનો ત્યાગ કર્યો, તમને હું નહિ જવા દઉં. તમે જાવ તો મારું સર્વસ્વ જાય. સત્ય ન ગયું. સત્ય રહી ગયું. એટલે યશ,
સદાચાર,દાન, લક્ષ્મી પાછા આવ્યાં. સત્ય વિના કીર્તિ, સદાચાર, લક્ષ્મી, દાન શા કામનાં? માટે સત્ય એ જ સર્વસ્વ છે. ઉપર
પૈકીનાં પહેલાં ચાર સંપત્તિ, દાન, સદાચાર, યશ જાય તો જવા દેજો, ગભરાશો નહિ. પણ સત્ય ન જવું જોઈએ. જો સત્ય રહેશે તો
તેમને પાછા આવ્યા વગર છૂટકો નથી.
સૂતજી વર્ણન કરે છે:-ધર્મની વ્યાખ્યા આ અધ્યાયમાં આપી છે. સત્ય, તપ, દયા, પવિત્રતા એ ધર્મના ચાર અંગો છે.
આ ચારે તત્ત્વોનો સમન્વય એ ધર્મ છે. આ ચાર તત્ત્વો જેનામાં પરિપૂર્ણ હોય. તે ધર્મિક છે.
ત્રેતામાં સત્ય ગયું. દ્વાપરમાં સત્ય અને તપ ગયાં, કળિયુગમાં સત્ય, તપ, દયા, પવિત્રતા ગયાં. કળિયુગમાં એક દાન
જ પ્રધાન છે. દાનમ્ એકમ કલીયુગે । કળિયુગમાં દયાદાન ઉપર, એક પગ ઉપર ધર્મ ટકયો છે.
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૭૭
પરીક્ષિતે એક પગ ઉપર ઉભેલા બળદને જોયો. તેણે જોયું તો એક શૂદ્ર હાથમાં લાકડી લઈ તે બળદને મારતો હતો. તે
બળદ એક જ પગ ઉપર ઊભો હોવાથી દુ:ખી હતો. રાજાએ પૂછ્યું:-તારાં ત્રણ ચરણ કોણે કાપ્યાં છે? ધર્મરૂપી બળદ કહે છે
રાજન્! મને કોણ દુઃખ આપે છે, તેનો નિર્ણય હજુ થયો નથી. કેટલાક માને છે, કાળ દુઃખ આપે છે. કેટલાક માને છે, કર્મથી
મનુષ્ય દુઃખી થાય છે. કેટલાક માને છે, મનુષ્ય દુઃખી થાય છે પોતાના સ્વભાવથી. સ્વભાવ અતિશય ઠંડો રાખો. કાળ, કર્મ અને
સ્વભાવ જીવને દુઃખ આપે છે. રાજન! અમારા દુ:ખના કારણનો તમે વિચાર કરો. રાજા સમજી ગયા. આ શૂદ્ર પુરુષ એ જ કળિ છે.
ગાય અને બળદને ત્રાસ આપનાર કળિ, પુરુષ છે. ગાય, બ્રાહ્મણને ત્રાસ આપે છે એ જ કળિ છે. રાજા કળિને મારવા તૈયાર થયા.
કળિ પરીક્ષિત રાજાને શરણે આવ્યો. કળિએ પરીક્ષિતનાં ચરણને સ્પર્શ કર્યો, એટલે એની બુદ્ધિ બગડી, જે વ્યક્તિના ચારિત્રની
ખબર ન હોય તેવા માણસનો સ્પર્શ કરવો નહિ. જે વ્યક્તિને સ્પર્શ કરો તેના શરીરના પરમાણુઓ સ્પર્શ કરનારના શરીરમાં દાખલ
થાય છે. પુણ્યશાળીના સ્પર્શથી પવિત્ર પરમાણું અને પાપીના સ્પર્શથી પાપના પરમાણુઓ આપણાં શરીરમાં દાખલ થાય છે.
કળિએ પરીક્ષિતને સ્પર્શ કર્યો, એટલે પરીક્ષિતની બુદ્ધિમાં વિકાર આવ્યો. જાણતા હતા કે આ પાપી છે. તેને સજા કરવી જોઈએ.
પરીક્ષિત રાજા કળિને મારતા નથી. દુષ્ટને મારવો એ રાજાનો ધર્મ છે. તેમ છતાં દુષ્ટ કળિ ઉપર રાજા દયા બતાવે છે.
પરીક્ષિત કળિને કહે છે:- તને શરણાગતને હું મારતો નથી. પણ મારું રાજય છોડીને તું ચાલ્યો જા. મારા રાજયમાં
રહીશ નહિ. કળિ પ્રાર્થના કરે છે. હું હવે કયાં જઈશ?
અભ્યર્થિતસ્તદા તસ્મૈ સ્થાનાનિ કલયે દદૌ ।
દ્યૂતં પાનં સ્ત્રિય: સૂના યત્રાધર્મશ્ર્ચતુર્વિધ: ।।
મને રહેવા કોઈ સ્થાન આપો. પરીક્ષિતે ચાર ઠેકાણે રહેવા કળિને જગ્યા આપી. જુગાર, મદિરાપાન, સ્ત્રીસંગ અને હિંસા.
આ ચાર સ્થાનોમાં અનુક્રમે અસત્ય, મદ, આસક્તિ અને નિર્દયતા, એમ ચાર પ્રકારના અધર્મો રહે છે. જુગારનો, સટ્ટાનો પૈસો
જેના ઘરમાં આવે તેના ઘરમાં કળિ આવે છે. સટ્ટો આવ્યો ત્યાં બટ્ટો લાગ્યો. સટ્ટો એ જીવનનો બટ્ટો છે. કેટલાક જુગારથી ધન
મેળવીને દાન કરે છે, તે યોગ્ય નથી. તેઓ માને છે કે દાન કરવાથી તેના ધનની શુદ્ધિ થઇ ગઇ. પણ એથી ધનની શુદ્ધિ થતી
નથી. અધર્મનુ ધન પ્રભુને સ્વીકાર્ય નથી.