
શાસ્ત્રે નિષેધ કરેલી વસ્તુઓ ખવાય, ત્યાં કળિ આવે છે. બુદ્ધિપૂર્વક હિંસા થાય ત્યાં કળિ આવે છે. હિંસામાં કળિનો
નિવાસ છે. આ ચાર સ્થાનો આપ્યા છતાં કળિ-પુરુષને સંતોષ થયો નહિ. તેણે કહ્યું, આ ચાર સ્થાનો ગંદા છે. કોઈ સારું સ્થાન
રહેવા આપો. તે પછી પરીક્ષિત તેને સુવર્ણમાં રહેવાનું સ્થાન આપ્યું.
સુવર્ણ પાપથી ઘરમાં આવે, તો તે કળિનું સ્વરૂપ કહેવાય છે. સોનામાં કળિનો નિવાસ એટલે અધર્મથી ઘરમાં આવેલા
અનીતિનાં ધનમાં તેનો નિવાસ. અનીતિ અને અન્યાયથી મેળવેલા ધનમાં કળિ છે. અનીતિનું ધન કમાનારને તે દુઃખ આપે છે,
ઉપરાંત જો તે વારસામાં મૂકી જાય, તો વારસોને પણ દુ:ખ આપે છે. જૂઠ, મદ, કામ, વેર અને રજોગુણ આ પાંચ જ્યાં ન હોય ત્યાં
આજે પણ સત્યયુગ છે. જેનાં ઘરમાં નિત્ય પ્રભુની સેવા-સ્મરણ થાય છે. જેના ઘરમાં આચાર, વિચાર પાળવામાં આવે છે. તેના ઘરમાં
કળિનો પ્રવેશ થતો નથી.
બળદના ત્રણ પગ કાપેલા હતા તે પરીક્ષિતે જોડી આપ્યા છે. કળીયુગને સોનામાં સ્થાન મળ્યું પછી તે મન માં બોલયો
હવે હરકત નહીં. હવે કોઇ વખત પરીક્ષિત રાજાને ત્યાં પણ પેસી જઈશ.
એક દિવસ પરીક્ષિતને જિજ્ઞાસા થઇ, ચાલ જોઉં, મારા દાદાએ મારે માટે ઘરમાં શું શું રાખ્યું છે? એક પેટીમાં સોનાનો
મુગટ જોયો, વગર વિચાર્યે તે માથે મૂકયો. આ મુગટ જરાસંધનો હતો. જરાસંધના પુત્ર એ માંગણી કરેલી કે મારા પિતાનો મુગટ
મને આપો. મુગટ ન લેવા ધર્મરાજાએ સલાહ આપેલી, તેમ છતાં તેને રડાવી જબરજસ્તી થી આ મુગટ ભીમ લાવ્યા હતા. એટલે
આ અનીતિનું ધન થયું. અનીતિનું ધન કમાનારને દુઃખી કરે છે. વારસામાં રાખી જાય તો વારસોને દુઃખી કરે છે. તેથી તે મુગટ એક
બંધ પેટીમાં મૂકી રાખેલો. આજે પરીક્ષિતની દૃષ્ટિ તેના પર પડતાં તેણે તે મુગટ પહેર્યો, અધર્મથી મુગટ લાવેલા, એટલે તે દ્વારા
કળિએ પરીક્ષિતની બુદ્ધિમાં પ્રવેશ કર્યો.
એકદા ધનુરુદ્યમ્ય વિચરન્ મૃગયાં વને।
મૃગાનનુગત: શ્રાન્ત: ક્ષુધિતસ્તૃષિતો ભૃશમ્ ।।
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૭૮
આ મુગટ પહેરી પરીક્ષિત વનમાં શિકાર કરવા ગયા. અત્રે ‘એકદા’ શબ્દ વાપર્યો છે. કોઇ દિવસ રાજા શિકાર કરવા ગયા
નથી. આજે શિકાર ખેલવા નીકળ્યા છે. અનેક જીવોની હિંસા કરી છે. મધ્યાહ્નકાળે રાજાને ભૂખતરસ લાગી છે. એક ઋષિના
આશ્રમમાં પ્રવેશ કર્યો. સમાધિમાં શમીકઋષિ તન્મય થયા હતા. કોઇ સંત જપ ધ્યાનમાં બેઠા હોય તો, તેમની પાસે જશો નહિ.
જાવ તો વંદન કરીને ચાલ્યા આવજો. પરંતુ તેમની સાથે લૌકિક વાત કરશો નહિ. સંત પ્રભુ સાથે એક થવાની ઈચ્છા રાખે છે.
લૌકિક વાત તેમના ભજનમાં વિક્ષેપ કરે છે. પરીક્ષિતે વિચાર્યું, આ દેશનો રાજા હું છું. આ ઋષિ મારું સ્વાગત કેમ કરતા નથી?
સ્વાગત ન કરવા માટે ઋષિ ઢોંગ કરે છે. બુદ્ધિમાં કળિ પેઠેલો એટલે બુદ્ધિ બગડી હતી. શમીકઋષિની સેવા કરવાને બદલે રાજા
તેની પાસે સેવા માગે છે. તેને દુર્બુદ્ધિ સૂઝી. મરેલો સર્પ શમીકઋષિના ગળામાં પહેરાવ્યો. બ્રાહ્મણનું અપમાન કર્યું. બીજાનું
અપમાન કરનાર પોતે પોતાની જાતનું અપમાન કરે છે. બીજાને છેતરનારો પોતે પોતાની જાતને છેતરે છે. કારણ આત્મા સર્વમાં
એક છે. રાજાએ શમીકઋષિના ગળામાં સર્પ રાખ્યો નથી, પણ પોતાના ગળામાં જીવતો સર્પ રાખ્યો છે. સર્પ કાળનું સ્વરૂપ છે.
શમીકઋષિ એટલે સર્વ ઈન્દ્રિયવૃત્તિઓને અંતર્મુખ રાખી, ઇશ્વરમાં સ્થિર થયેલો જ્ઞાની જીવ. એના ગળામાં મરી ગયેલો સર્પ આવે
એટલે કે એનો કાળ મરે. જીતેન્દ્રિય યોગીનો કાળ મરે છે, એટલે કે તેમને કાળ અસર કરી શકે નહિ. રાજા એટલે રજોગુણમાં
ફસાયેલો છે, તેવો વિલાસી જીવ. જેના જીવનમાં ભોગ પ્રધાન છે, તેવો જીવ. તેવાના ગળામાં કાળ જીવે છે, એટલે કે જીવતો સર્પ
તેના ગળામાં આવે છે.
શમીકઋષિના પુત્ર શ્રૃંગીને આ વાતની ખબર પડી. તેમને થયું આ દુષ્ટ રાજા બ્રાહ્મણનું અપમાન કરે છે. એ શું સમજે
છે? હજુ જગતમાંથી બ્રહ્મતેજ ગયું નથી. હું રાજાને શાપ આપીશ. શૃંગીએ શાપ આપ્યો. રાજાએ મારા પિતાના ગળામાં મરેલો સર્પ
નાંખ્યો, પરંતુ આજથી સાતમે દિવસે તેના ગળામાં જીવતો સર્પ જશે. તેને તક્ષક નાગ કરડશે.
પરીક્ષિતે મુગટ માથેથી ઉતાર્યો. તેમને તેમની પોતાની ભૂલ સમજાઇ, મેં આજે પાપ કર્યું છે. મારી બુદ્ધિ બગડી. મેં
ઋષિનું અપમાન કર્યું.
બુદ્ધિ બગડે એટલે માનવું કે કાંઇક અશુભ થવાનું છે. પાપ થઈ જાય તો તેનો વિચાર કરી શરીરને તે માટે સજા કરો.
જમવા પહેલાં વિચાર કરવો કે મારે હાથે કોઇ પાપ તો થયું નથી ને? જે દિવસે પાપ થયું હોય, તે દિવસે ઉપવાસ કરજો. પાપ
ફરીથી થશે નહિ.