
ધન્ય છે પરીક્ષિત રાજાને, કે જીવનમાં એકવાર જ પાપ કર્યું છે. પણ પાપ કર્યા પછી પાણી પણ પીધું નથી. તે
વખતે પરીક્ષિતે સાંભળ્યું કે મને ઋષિકુમારનો શ્રાપ મળ્યો છે. પરીક્ષિતે કહ્યું
અત્રિર્વસિષ્ઠશ્ચ્યવન: શરદ્વાનરિષ્ટનેમિર્ભૃગુરઙ્ગિરાશ્ર્ચ ।
પરાશરો ગાધિસુતોऽથ રામ ઉતથ્ય ઈન્દ્રપ્રમદેધ્મવાહૌ ।।
જે થયું તે સારું થયું. પરમાત્માએ મને મારા પાપની સજા કરી છે. સંસારનાં વિષયસુખમાં હું ફસાયેલો હતો, એટલે મને
સાવધ કરવા કૃપા કરી છે. મને શાપ ન મળ્યો હોત તો હું કયાં વૈરાગ્ય ધારણ કરવાનો હતો? મારા માટે પ્રભુએ સર્પાવતાર ધારણ
કર્યો છે. સંસારના વિષયોમાં ફસાયેલા મને વૈરાગ્ય થવા માટે આ શાપ મળ્યો છે. મૃત્યુ માથે છે એમ વિચારો તો પાપ થાય નહિ.
પરીક્ષિત ઘરનો ત્યાગ કરી, ગંગા કિનારે આવ્યા. અન્નજળનો ત્યાગ કરી હવે ભગવત સ્મરણ કરીશ. અનશન વ્રત લીધું છે. મોટા
મોટા ઋષિઓને આ વાતની ખબર પડતાં વગર આમંત્રણે તેઓ ત્યાં આવ્યા. ઋષિઓએ વિચાર્યુ કે પરીક્ષિત હવે રાજા રહ્યા નથી.
રાજર્ષિ બન્યા છે. રાજાના વિલાસી જીવનનો અંત આવ્યો છે. રાજાના જીવનનો પલટો થયો છે. એટલે ઋષિઓ રાજાને મળવા
આવ્યા છે. પરીક્ષિત ઊભા થયા. એક એક ઋષિને પ્રણામ કરી પૂજા કરી.
પરીક્ષિતે, ઋષિઓ પાસે પોતે કરેલું પાપ જાહેર કર્યું છે. લોકો પાપને છુપાવે છે અને પુણ્યને જાહેર કરે છે. પાપને
છુપાવશો નહિ અને પુણ્યને પ્રગટ કરશો નહિ. સમાજમાં પાપ જાહેર કરવાથી પાપની આદત છૂટે છે. મેં પવિત્ર બ્રાહ્મણના ગળામાં
સાપ નાંખ્યો. હું અધમ છું. મારો ઉદ્ધાર કરો. મેં સાંભળ્યું છે કે પાપીને યમદૂતો મારતાં મારતાં લઈ જાય છે. મારું મરણ સુધરે તેવો
ઉપાય બતાવો. મને બીક લાગે છે. મેં મરણ માટે તૈયારી કરી નથી.
પરીક્ષિતે મૃત્યુની વેદનાનો વિચાર કર્યો. જન્મ-મૃત્યુના દુ:ખના વિચારથી પાપ છૂટશે. તેણે ઋષિઓને કહ્યું-સાત
દિવસમાં મને મુક્તિ મળે તેવું કરો. મરણકાંઠે આવેલા મનુષ્યનું કર્તવ્ય વગેરે મને બતાવો. સમય થોડો છે. જ્ઞાનની મોટી મોટી
વાતો કરશો તો સમય પૂરો થઇ જશે. મને એવી વાતો કહો, એવો ઉપાય બતાવો કે, જેથી પરમાત્માના ચરણમાં હું લીન થાઉં. મને
એવી કથા સંભળાવો, કે જેથી મને મુકિત મળે.
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૭૯
ઋષિઓ વિચાર કરવા લાગ્યા, અમે અનેક વર્ષોથી તપશ્ર્ચર્યા કરીએ છીએ તેમ છતાં અમને પણ ચિંતા રહે છે. મુક્તિ
મળશે કે નહિ. અમને પણ મૃત્યુની બીક લાગે છે. અંતકાળે એકદમ પ્રભુનું નામ હોઠ ઉપર આવવું મુશ્કેલ છે. માત્ર સાત જ
દિવસમાં રાજાને મુક્તિ શી રીતે મળે? તે વાત શકય નથી. તેથી કોઈ ઋષિ બોલવા તૈયાર થયા નહિ. સાત દિવસમાં મુક્તિ મળવી
કઠણ છે. મરણ નજીકનો સમય અતિ કટોકટીનો નાજુક હોય છે. મહાજ્ઞાનીઓને પણ મરણ સમયે બીક લાગે છે. રામનું નામ
જલદી હોઠે ચડતું નથી. તેથી તો રામચરિત માનસમાં વાલી કહે છે:-
જન્મ જન્મ મુનિ જતન કરાહીં , અંત રામ કહિ આવત નાહિ ।।
ઋષિઓ પૈકી કોઇ પરીક્ષિત રાજાને ઉપદેશ આપવા તૈયાર થયા નહિ. કોઇની બોલવાની હિંમત થઈ નહિ. પરીક્ષિત
વિચારવા લાગ્યા, આ ઋષિઓ સમર્થ છે, તેમ છતાં મને ઉપદેશ આપવા તૈયાર થતા નથી. જગતના જીવો ભલે મારો ત્યાગ કરે
પણ, હું મારા ભગવાનને શરણે જઇશ. ભગવાન નારાયણ કૃપા કરશે. હવે સમય થોડો છે. કોના શરણે જઈશ? હું મારા
પરમાત્માને શરણે જઈશ. તેઓ મારી ઉપેક્ષા નહિ કરે. હું પાપી છું, પણ પાંડવોના વંશનો છું. ઇશ્વર વિના હવે મારું કોઈ નથી.
પરીક્ષિતે ઇશ્વરનું શરણ લીધું. ભગવાનની સ્તુતિ કરી. દ્વારકાનાથને યાદ કર્યા. મેં કાંઇ સત્કર્મ કર્યા નથી. આ બ્રાહ્મણો મને
ઉપદેશ આપવા તૈયાર નથી. કારણ હું અધમ છું. જે પરમાત્માએ બ્રહ્માસ્ત્રથી મારું રક્ષણ કર્યું, જેણે ગર્ભમાં મારું રક્ષણ કર્યું તે
મારું રક્ષણ જરૂર કરશે. હું પાપી છું. પણ ભગવાનનો છું, નાથ, તમારો છું.
દુષ્ટતમોऽપિ દયારહિતોऽપિ કૃષ્ણ તવાऽસ્મિ નચાસ્મિ પરસ્ય ।
હે દ્વારકાનાથ, હું આપને શરણે આવ્યો છું. આપે મારો જન્મ સુધાર્યો છે. તો હવે મારૂ મરણ પણ સુધારો. પરમાત્માએ
શુકદેવજીને પ્રેરણા કરી કે ત્યાં પધારો. ચેલો લાયક છે. પરીક્ષિતનો જન્મ સુધારવા દ્વારકાનાથ પોતે આવેલા પરંતુ મુક્તિ
આપવાનો અધિકાર, શિવજીનો છે એટલે પરીક્ષતનું મરણ સુધારવા ભગવાને શિવજીને કહ્યું. એટલે શિવજીના અવતાર,
શુકદેવજી ત્યાં પધારે છે. સંહારનું કામ શિવજીનું છે. એટલે પરીક્ષિતનું મરણ સુધારવા શુકદેવજી પધાર્યા.