
ત્રણ પ્રકારના શ્રોતા વક્તામાં વ્યાસજીને બીજો નંબર આપ્યો છે. કારણ વ્યાસજી સમાજ સુધારે એ વૃત્તિથી કથા કરતા.
શુકદેવજી બીજાને સુધારવાની ભાવનાથી કથા કરતા નથી. ફકત પોતાના અંત:કરણના સુખ માટે કથા કરે છે. શુકદેવજીએ કથાનો
આરંભ કર્યો, પણ મંગલાચરણ કરતા નથી, કારણ દેહભાન બિલકુલ ન હતું. ત્રણ અધ્યાય પછી શુકદેવજીએ મંગલાચરણ કર્યું છે.
ભાગવતમાં ત્રણ મંગલાચરણ છે. પ્રથમ વ્યાસજીનું, બીજું શુકદેવજીનું, અંતમાં સૂતજીનું. જુવાનીમાં મંગલાચરણ, મંગલ
આચરણની બહુ જ જરૂર છે. એટલે શુકદેવજીનું મંગલાચરણ ૧૨ શ્ર્લોકનું અને બાકીનાં મંગલાચણ એક, એક શ્ર્લોકનાં છે.
ઉત્તમ વક્તા કોણ? જે વક્તામાં સોળઆની વૈરાગ્ય હોય તે ઉત્તમ વક્તા.
સંસારના કોઈ પણ વિષયમાં મન ન જાય એ વૈરાગ્ય. સંસારના વિષયો દેખાય, તેમ છતાં જેનું મન તેમાં જતું નથી તેનો
વૈરાગ્ય સિદ્ધ થયો. વૈરાગ્ય વગર દૃઢતા આવતી નથી. વૈરાગ્યથી જ્ઞાન દીપે છે. વૈરાગ્યથી ભક્તિ શોભે છે. જ્ઞાન, ભક્તિ અને
વૈરાગ્ય પરિપૂર્ણ થાય તો મનુષ્ય બ્રહ્મમય થાય છે. શુકદેવજીમાં જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય સોળ આની હતાં.
જ્ઞાનીનું હ્રદય શ્રીકૃષ્ણપ્રેમમાં ન પીગળે તો જ્ઞાન શા કામનું?
પરીક્ષિત રાજા શુકદેવજીને પૂછે છે, જેનું મરણ પાસે આવ્યું હોય તેનું કર્તવ્ય શું? તે શું કરે અને તે શું ન કરે?
મનુષ્યમાત્રનું કર્તવ્ય શું?
વરીયાનેષ તે પ્રશ્ર્ન: કૃતો લોકહિતં નૃપ ।
આત્મવિત્સમ્મતઃ પુંસાં શ્રોતવ્યાદિષુ ય:પર: ।।
શુકદેવજી બોલ્યા:-રાજન્, તે પ્રશ્ર્ન સુંદર કર્યો છે, શ્રવણ કરો. અંતકાલમાં વાત, પિત્ત અને કફથી ત્રિદોષ થાય છે.
મુત્યુની વેદના ભયંકર છે. જન્મમરણના દુઃખનો વિચાર કરો, તો પાપ નહિ થાય. તેથી મૃત્યુની બીક રાખો, એનું સ્મરણ રાખો,
વિચાર કરો, મૃત્યુને ભેટવાની મેં તૈયારી કરી છે કે નહિ? આ પ્રમાણે ચિંતન કરવાથી વૈરાગ્ય આવે છે.
જન્મમૃત્યુજરાવ્યાધિદુ:ખદોષાનુદર્શનમ્ ।
જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિનાં દુઃખોના વારંવાર વિચાર કરશો, તો વૈરાગ્ય આવશે અને પાપ છૂટશે. બાકી પાપના
સંસ્કારો જલદી છૂટતા નથી. વિચાર વિના વિવેક, વૈરાગ્ય નથી આવતાં.
કાળને માથે રાખી હંમેશા ઈશ્ર્વરનું ચિંતન કરવું. કાળને યાદ રાખો તો, પાપવૃત્તિ ઉદ્ભવશે નહિ.
ભજન માટે અનુકૂળ સમયની રાહ ના જુઓ, કોઈ પણ ક્ષણ ભજન માટે અનુકૂળ છે. કોઈ અડચણ ન રહે તે પછી, હું
ભજન કરીશ એમ માનવું તે અજ્ઞાન છે.
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૮૨
એક મનુષ્ય સમુદ્રમાં સ્નાન કરવા માટે સમુદ્ર કિનારે ગયો. પણ સ્નાન કરવાને બદલે તે કિનારે જ બેસી રહ્યો.
લોકોએ તેને પૂછ્યું:-સ્નાન કરો ને, કેમ બેસી રહ્યા છો? સ્નાન કયારે કરશો?
તે પુરુષે કહ્યું:-સમુદ્રમાં આ ઉપરાઉપરી તરંગો આવે છે. સમુદ્રના આ તરંગો બંધ થાય એટલે સ્નાન કરું.
સમુદ્રના મોજાં શું બંધ થવાનાં હતાં? અને સ્નાન કયાંથી થવાનું હતું? તે પ્રમાણે સંસાર એ સમુદ્ર છે, તેમાં અડચણ રૂપી
તરંગો પણ આવવાનાં જ. કોઈ કહે કે અનુકૂળતા આવશે, ત્યારે ઇશ્ર્વરનું ભજન કરીશ, પણ એવી સર્વાંગી અનુકુળતા આવતી જ
નથી. જેમ પેલો પુરુષ સ્નાન કર્યા વગર રહી ગયો, તેમ તેવા વિચારનો મનુષ્ય ઈશ્વર ભજન કર્યા વગર રહી જાય છે. ભલે
અડચણો આવે, પણ લક્ષ્ય ભૂલશો નહિ કે મારે પરમાત્માને મળવુ છે, પરમાત્મા સાથે એક થવું છે. લોભી જેમ પૈસાનું લક્ષ્ય
રાખે, તેમ મહાપુરુષો પરમેશ્વરનું લક્ષ્ય રાખે છે. ભગવાને પણ ગીતામાં કહ્યું છે.
અન્તકાલે ચ મામેવ સ્મરન્મુકત્વા કલેવરમ્ ।।
એતાવાન્ સાંખ્યયોગાભ્યાં સ્વધર્મપરિનિષ્ઠયા ।
જન્મલાભ: પર: પુંસામન્તે નારાયણસ્મૃતિ: ।।
અંતકાળે જે મારું સ્મરણ કરતો, દેહનો ત્યાગ કરે છે તે મને પામે છે. અંતકાળ એટલે જીવનનો અંતકાળ નહિ, પરંતુ
ક્ષણનો અંતકાળ. એટલે દરેક ક્ષણે ઇશ્વરનુ ચિંતન, ધ્યાન, સ્મરણ કરવું જોઈએ.
પ્રતિક્ષણને સુધારશો તો મરણ સુધરશે. પ્રતિક્ષણ ને સુધારવી એટલે પ્રતિક્ષણે તમારા ઠાકોરજીમાં દ્રષ્ટિ રાખો.
લોકો એમ માને છે કે આખી જિંદગી કામધંધો કરીશું, કાળાંધોળાં કરીશું અને અંતકાળે ભગવાનનું નામ લઇશું, તો પણ
તરી જઈશું. આ વિચાર ખોટો છે, એટલે તો સ્પષ્ટતા કરી છે, કે સદા તદ્ભાવભાવિત: હંમેશા જે ભાવનું ચિંતન કરશો, તેનું અંતકાળે
સ્મરણ થશે. એટલે તો ભગવાને આજ્ઞા કરી છે:-તસ્માત્ સર્વેષુ કાલેષુ મામ નુસ્મર । માટે સર્વ સમય નિરંતર મારું સ્મરણ કર.
એ તો સર્વવિદિત છે કે જેનું સતત્ ચિંતન, એનું જ મરણ કાળે સ્મરણ, રટણ થાય છે.
સોનીનું દ્રષ્ટાંત:-એક સોની માંદગીમાં પથારીવશ હતો. મહિનાથી બજારમાં ગયેલો નહિ. તેથી વિચારો સોનાના
ભાવના જ આવ્યા કરે, અંતકાળ આવ્યો છે, તાવ વધ્યો. ડોકટર શરીર તપાસવા આવ્યા. ડોકટરે તાવ માપી કહ્યું કે '' એકસો
પાંચ છે " (૧૦૫ ડીગ્રી તાવ છે) સોની સમજયો, કોઇએ સોનાનો ભાવ કહ્યો. તે પોતાના પુત્રને ઉદ્દેશી, બૂમ મારવા લાગ્યો, '
વેચી નાંખ, વેચી નાંખ ૮૦ માં લીધેલું છે અને ૧૦૫ થયા છે, માટે વેચી નાંખ." આમ બોલતાં સોનીએ દેહ છોડયો.
સોનીએ આખી જિંદગી સોનાનો જ વિચાર કરેલો. એટલે અંતકાળે તેને સોનાના જ વિચારો આવ્યા, પૈસા, પૈસા,
કરનારને અંતકાળે પૈસાના જ વિચાર આવે છે. પૈસા કમાવા એ પાપ નથી, પરંતુ પૈસા મેળવતાં ભગવાનને ભૂલવા એ પાપ છે.
શુકદેવજીએ કહ્યું:-હે રાજા, મનુષ્યનું આયુષ્ય આમને આમ પૂરું થઈ જાય છે. રાત્રિ નિદ્રા અને વિલાસમાં પસાર થઇ
જાય છે અને દિવસ ધન માટે ઉદ્યમ કરવામાં અને કુટુંબનું ભરણપોષણ કરવામાં પૂરો થઇ જાય છે.