
મનુષ્યનો ઘણોખરો સમય નિદ્રામાં અને અર્થોપાર્જન પાછળ જાય છે, મનુષ્યોનો ઘણો સમય વાતો કરવામાં જાય છે.
કેટલાકનો વાંચવામાં જાય છે. બહુ વાંચવું એ સારું નથી. બહુ વાંચવાથી શબ્દજ્ઞાન વધે છે, પણ કદાચ તેની સાથે અભિમાન
પણ વધે છે. રાજા, જે સમય ગયો છે, તેને માટે હવે રડશો નહીં. તેનો વિચાર ન કરો, ભૂતકાળનો વિચાર કરવાથી કાંઇ લાભ
નથી. તું તારા વર્તમાનને સુધાર. આ સાત દિવસનો સમય મળ્યો છે, તેનો સદુપયોગ કરો. મનુષ્ય ઇન્દ્રિય સુખમાં એવો ફસાયો છે
કે, તેને પોતાના લક્ષ્યનું ભાન રહેતું નથી. શરીર, પુત્ર, સ્ત્રી, આદિ અસત્ય છે, છતાં તેના મોહમાં એવો પાગલ બન્યો છે કે,
સમયનું ભાન નથી. લક્ષ્યનું ભાન નથી. તમારે કયાં જવું છે, અને શું થવું છે તે આજ થી નક્કી કરો. ઈચ્છા શુદ્ધિ વિના કર્મ શુદ્ધિ
થતી નથી. નિશ્ચય કરો, મારે ભગવાનને મળવું છે. મારે ભગવાનના ધામમાં જવું છે, મારે ફરી જન્મ લેવો નથી.
દુનિયામાં વિકાર, વાસના વધ્યાં છે, તેથી ત્યાગ અને સંયમ ઘટયાં છે.
કાળ ધક્કો મારે, અને રડતાં રડતાં ઘર છોડીએ, તેનાં કરતાં વિવેકથી ઘર છોડી દો તે જ સારું. શંકરસ્વામીએ કહ્યું છે:-
નિજગૃહાત્ તૂર્ણમ્ વિનિર્ગમ્યતામ્ ।
હે રાજન્! માનવ જીવનમાં છેલ્લી પરીક્ષા મરણ છે. આ મનુષ્યનું મરણ પ્રતિક્ષણે થાય છે. પ્રતિક્ષણને સુધારે તો મરણ
સુધરે, મરણ સુધર્યું તેનું જીવન સુધર્યું.
પ્રભુનું સ્મરણ ક્ષણેક્ષણના અંતકાળે ક્ષણસ્યં અનન્તકાલે કરવાનું, નહિ કે જીવનના અંતકાળે. ક્ષણે ક્ષણને સુધારે તેનું
મરણ સુધરે, પ્રતિક્ષણ આ શરીર બદલાય છે. એટલે પ્રતિક્ષણે શરીરનો નાશ થાય છે. અંતકાલ એટલે દરેક પળને અંતે મનુષ્યનું
મૃત્યુ થાય છે તેથી પ્રતિક્ષણે પ્રભુનું સ્મરણ કરો. શંકરાચાર્યજીએ શાંકરભાષ્યમાં આ પ્રમાણે અર્થ કરેલો છે.
બાકી જેનું આખું જીવન નિદ્રા, ધન માટે ઉદ્યમ, તથા કુટુંબનું ભરણપોષણ કરવા પાછળ જાય, તેને અંતકાળે આ બધુ
જ યાદ આવે છે. આખું જીવન જેની પાછળ જાય, તે જ અંતકાળે યાદ આવે છે. એક ડોસો માંદો પડયો. તેનું સમગ્ર જીવન દ્રવ્ય
વગેરે પાછળ ગયેલું. અંતકાળ નજીક આવ્યો. છોકરાંઓ બાપને ‘શ્રીકૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ’ બોલવાનું કહે,
પણ બાપાના મુખમાંથી ભગવાનનું નામ નીકળતું નથી. જિંદગીમાં ભગવાનનું નામ લીધું હોય તો ભગવાનનું નામ યાદ આવે ને?
ડોસો મનથી દ્રવ્યનું ચિંતન કરે છે. ડોસાની નજર તેવામાં આંગણાં તરફ ગઇ. ત્યાં જોયું તો વાછરડો સાવરણી ખાતો હતો.
ડોસાથી આ નજીવું નુકસાન પણ ન જોવાયું. ડોસો હૈયું બાળે કે મેં કેવી રીતે મેળવ્યું છે તે આ લોકો શું જાણે? ડોસાએ વિચાર્યું,
ઘરના કોઇ લોકોને પૈસાની કે ચીજવસ્તુઓની દરકાર નથી. આ લોકો મારા ગયા બાદ ઘરને કેવી રીતે ચલાવશે? ડોસાથી વધારે
બોલી શકાતું ન હતું, તૂટક તૂટક શબ્દો ને વા…સા, વા…સા, બોલવા લાગ્યો.
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૮૩
એક છેકરાને લાગ્યું, બાપા વાસુદેવ બોલવા જાય છે, પણ તેમનાથી બોલાતું નથી. બીજા છોકરાને સ્વાર્થને લીધે
લાગ્યું, બાપા કોઇ દિવસ ભગવાનનું નામ લે તેવા નથી. બાપા કંઇ વારસામાં આપવાની ઇચ્છાથી બોલે છે. વારસામાં આપવા
ખાનગી મિલકત છુપાવી રાખી હશે, તે બાબતમાં તેઓ કાંઇ કહેવા માંગે છે. છોકરાઓએ ડૉકટરને બોલાવ્યા, બાપા થોડું બોલી
શકે તેમ કરો. ડાકટરે કહ્યું કે ઇન્જેકશન આપીએ તો ડોસો થોડો વખત બોલી શકશે. પરંતુ તે માટે એક હજાર રૂપિયા ખર્ચ થશે.
છોકરાઓને આશા હતી કે બાપાએ કાંઇ દાટ્યું હશે, તે બતાવશે. છોકરાઓએ રૂપિયા એક હજાર ખર્ચ ર્ક્યોં, બાપા શું બોલે છે તે
સાંભળવા બધા આતુર હતા. દવાની અસરથી બાપા બોલ્યા:-અહીં મારા તરફ શું જુઓ છો? ત્યાં પેલો વાછરડો કયારનો
સાવરણી ખાય છે. 'વાછરડો-સાવરણી' બોલતાં બોલતાં ડોસાએ દેહ છોડયો. આવી દશા તમારી ન થાય તે જોજો.
કથા આપણને હસવા માટે નહીં, પણ સાવધાન થવા માટે છે.
એકલા લક્ષ્મીજી આવે તો રડાવીને જાય છે. પણ ઠાકોરજી સાથે આવે તો સુખી કરે છે.
લોકો વિચારે છે, કાળ આવવાનો છે તેની શું ખબર પડે? પરંતુ કાળ સાવધાન કર્યા પછી આવે છે. કાળ તો દરેકને
સાવધાન કરે છે. પણ લોકો માનતા નથી. કાળ આવતાં પહેલાં કાગળ લખે છે, પણ કાળનો કાગળ કોઇને વાંચતાં આવડતો
નથી. ઉપરનું છાપરું ધોળું થવા લાગે, ત્યારે માનજો, કાળની નોટીસ આવી છે. દાંત પડવા લાગે એટલે કાળની નોટીસ આવી છે,
એમ માની સાવધાન થવું. દાંત પડી જાય છે, તો લોકોએ ચોકઠું શોધી કાઢયું છે. દાંત પડવા લાગે ત્યારે માનજો, હવે દૂધ ભાત
ખાઇ ને પ્રભુભજન કરવાનો સમય આવ્યો છે.