
લોકો તો ચોકઠું બનાવડાવે છે. ચોકઠું હોય તો પાપડ ખાવાની મજા આવે છે. અરે
કયાં સુધી ખાશો? ખાવાથી શાંતિ મળતી નથી. ખાવાથી વાસના વધે છે.
મૃત્યુની નિશાની અનેક રીતે બતાવી છે. અરુંધતીનો તારો ન દેખાય તો સમજજો કે એક વર્ષમાં મરીશ. સ્વપ્નમાં શરીર
કાદવમાં ખૂંપતું દેખાય તો માનવું નવ માસમાં મારું મૃત્યુ છે. સ્વપ્નમાં (ગધેડા ઉપર) કુંભારના હાથી ઉપર બેઠેલો દેખાય તો
માનવું છ માસમાં મારું મૃત્યુ થશે. મૃત્યુના લક્ષણો જાણી ગભરાશો નહિ. સાવધાન થવા માટે આ લક્ષણો બતાવ્યાં છે. સાવધાન
થવા માટે કથા છે. ભાગવતની કથા સાંભળી, પરીક્ષિત કૃતાર્થ થયા છે. મરણને સુધારવા ભાગવતશાસ્ત્ર છે. જીવનને જે સુધારે છે,
તેનું મરણ સુધરે છે.
રાજન્! મરણને સુધારવું હોય તો પ્રત્યેક ક્ષણને સુધારવી પડે. રાજા, રોજ વિચાર કરવો, મનને વારંવાર સમજાવવું કે
ઇશ્વર સિવાય મારું કોઇ નથી. આ શરીર પણ એક દિવસ છોડવું પડશે, તેથી તે પણ મારું નથી. શરીર પોતાનું નથી તો મારું
કોણ? કારણ સર્વ સંબંધો શરીરથી ઉત્પન્ન થયા છે.
ભાવના કરો, મારું કોઈ નથી. હું કોઈનો નથી, આ રીતે મમતા દૂર કરો. સંગ્રહથી મમતા વધે છે, માટે અપરિંગ્રહી રહો.
તૃપ્તિ ભોગમાં નહિ, ત્યાગમાં છે.
સમતા સિદ્ધ કરવા સૌ સાથે મમતા રાખો. વ્યક્તિગત મમતા દૂર કરો.
દરેક મનુષ્યે, પ્રતિક્ષણે સર્વાત્મા સર્વશક્તિમાન ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓનું જ શ્રવણ, કીર્તન અને સ્મરણ કરવું
જોઈએ.
ઇન્દ્રિયોને ભોગથી શાંતિ મળતી નથી, પણ પ્રભુસ્મરણથી-પ્રભુસેવાથી શાંતિ મળે છે.
દેહ એ જ દુ:ખનું કારણ છે. દુઃખ ભોગવવા જ દેહ મળ્યો છે. પાપ ન કર્યું હોત તો આ દેહ-જન્મ જ શા માટે મળે? આ
જન્મ જ ન મળ્યો હોત.
રામદાસ સ્વામીએ દાસબોધમાં લખ્યું છે, દેહ ધારણ કરવો એ જ પાપ છે. મનુષ્ય સર્વ પ્રકારે સુખી થઈ શકતો નથી.
રાજા, માનવશરીર ભોગ ભોગવવા માટે મળ્યું નથી, માનવ શરીર તો ભજન કરી, ભગવાનને પ્રાપ્ત કરવા માટે મળ્યું છે.
ઈન્દ્રિય સુખ સર્વ પ્રાણીઓને સરખું જ મળે છે. શરીરસંગથી સ્ત્રીપુરુષને જેવું સુખ મળે છે, તેવું જ સુખ કૂતરાને કૂતરીના
સંગથી મળે છે. માટે મનુષ્ય જીવનમાં પ્રભુ સ્મરણમાં લીન રહો. મનુષ્ય જન્મમાં મનને પ્રભુના સ્મરણમાં લીન કરો. જીવનને એવું
બનાવી દો કે, મૃત્યુના સમયે ભગવાન યાદ રહે.
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૮૪
જીવ શિવ થવા પ્રયત્ન કરતો નથી. બાકી જીવ તો શિવ થવા માટે જ સર્જાયો છે.
જીવ જયારે ઈશ્ર્વરને કહે કે હું તમારો છું, તો એ સંબંધ અપૂર્ણ છે, પરંતુ ઇશ્વર જયારે જીવને કહે કે તું મારો છે તો તે
સંબંધ પરિપૂર્ણ બને છે.
પાપને ટાળો, પુણ્યકાર્ય તરત કરો. ઈશ્વર આપણી પાપની પ્રવૃત્તિઓમાં જોડાતા જ નથી; પરંતુ જન્મોજન્મના સંચિત
સંસ્કારોથી પાપની પ્રેરણા થાય છે.
એકાંતમાં ઈશ્વર ભજન કરો. એકાંત જલદી મનને એકાગ્ર બનાવે છે. એક ઈશ્વરમાં સર્વનો અંત કરવો એ એકાંત. એકમ
અદ્વિતીય ઈશ્વર. મનને એકાગ્ર કરવા એકાંતમાં રહેવાની જરૂર છે. ગૃહસ્થ ઘરમાં સમભાવ રાખી શક્તો નથી, પછી ભલે ગીતાનો
પાઠ કરે. ‘સમત્વં યોગ ઉચ્યતે’
ગૃહસ્થાશ્રમના વ્યવહારો વિષમતાથી ભરેલા છે, ત્યાં સમતા રહી શકતી નથી. ગૃહસ્થના ઘરમાં ભોગના પરમાણુઓ
ભરેલા હોવાથી, ઘરમાં રહી સતત પરમાત્માનું ધ્યાન કરવું કઠણ છે. ભાગવતમાં શુકદેવજીએ સ્પષ્ટ કહેલું છે કે જેનું મરણ સમીપ
આવ્યું હોય તે ઘર છોડી દે. ગૃહાત પ્રવ્રજિતો ઘીર: ।
ધૈર્યની સાથે ઘર છોડવું, પવિત્ર તીર્થના જળમાં સ્નાન કરવું અને પવિત્ર તથા એકાંત સ્થાનમાં આસન લગાવી બેસવું.
મનથી પ્રભુનો જપ કરો. પ્રાણાયામથી પ્રાણવાયુને વશ કરવો. મનને વિચાર દ્વારા રોકી ભગવાનના મંગલમય રૂપમાં લગાડવું.
મીરાંબાઈએ નક્કી કરેલું, એકાંતમાં મૈં તો ગિરધર આગે નાચુંગી. તેથી મીરાંની ભક્તિ સિદ્ધ થઈ. એકાંતમાં બેઠા પછી પ્રથમ
પ્રાણાયામ કરવો. મનનો પ્રાણાયામ કરવો, મનનો પ્રાણ સાથે સંબંધ છે, પ્રાણ સ્થિર થાય તો મન સ્થિર થાય છે. પ્રાણાયામના
ત્રણ ભેદ છે. પ્રથમ, પૂરક પ્રાણાયામ કરવાનો હોય છે. જમણા નસકોરા મારફતે બહારની હવા અંદર ખેંચવી.
આ બધી યોગની પ્રક્રિયા છે. મહાપ્રભુજીએ સુબોધીનીમાં કહ્યું છે કે યોગને પણ ભક્તિનો સહકાર હોવો જોઈએ. યોગને
જો ભક્તિનો સાથ ન હોય, તો તે યોગી, રોગી બને છે.