
વૈરાગ્ય વગર ધ્યાનમાં એકાગ્રતા આવતી નથી. સંસારનું સ્મરણ એ જ દુ:ખ છે. સંસારનું વિસ્મરણ એ જ સુખ છે.
જ્ઞાનમાર્ગમાં તીવ્ર વૈરાગ્ય જોઇએ. ભક્તિમાર્ગમાં તીવ્ર પ્રેમ જોઇએ. ભક્તિ કરવી હોય તો વૈરાગ્ય નહિ કેળવો તો ચાલશે, પણ સર્વ સાથે પ્રેમ કરવો પડશે. વૈરાગ્ય કરતાં આ અઘરું છે. સર્વ સાથે પ્રેમ કરો અથવા એકલા ઇશ્વર સાથે પ્રેમ કરો. જગતના પ્રત્યેક પદાર્થ સાથે પ્રેમ કરવો એ ભક્તિમાર્ગ.
જ્ઞાનમાર્ગમાં ત્યાગ પ્રધાન છે. ભક્તિમાર્ગમાં સમર્પણ પ્રધાન છે. જ્ઞાની નિષેધ કરવા કરતાં જે બાકી રહે છે, તેમાં મનને દૃઢ કરે છે. સાધારણ મનુષ્ય માટે જ્ઞાનમાર્ગ સુલભ નથી. મનુષ્ય સર્વનો ત્યાગ કરી શકતો નથી.
શરીરથી આત્મા ભિન્ન છે, તેમ બધા સમજે છે. પણ તે અનુભવવું સહેલું નથી. ભક્ત માને છે કે ગાયમાં રહેલા શ્રીકૃષ્ણની સેવા ઘાસમાં રહેલા શ્રીકૃષ્ણથી કરીશ.
ભક્તિમાર્ગમાં સદ્ભાવ રાખવાનો છે, સર્વે પ્રત્યે, સદ્ભાવ રાખવો કઠણ છે. પોતાને લાત મારનારને પણ ભગવાન સદ્ભાવથી જુએ છે.
મનનો મેલ ધોવા, વિરાટ પુરુષનું ધ્યાન કરવાનું છે. વિરાટ પુરુષનું ધ્યાન કરવાનું, એટલે કે જગતમાં આ જે કાંઇ દેખાય છે તે પરમાત્માનું સ્વરૂપ છે, એમ સમજીને વ્યવહાર કરો. આખું જગત એ વિરાટ પુરુષનું સ્વરૂપ છે. વિરાટ પુરુષનું ધ્યાન કરવા, તીવ્ર વૈરાગ્યની જરૂર છે. આખું જગત બ્રહ્મરૂપ છે. તેમ માની જ્ઞાની પુરુષો લલાટમાં બ્રહ્મનાં દર્શન કરે છે. વૈષ્ણવો હ્રદયમાં ચતુર્ભુજ દ્વારકાનાથનાં દર્શન કરે છે.
પ્રભુના એક અંગનું ચિંતન, એનું નામ ધ્યાન, પ્રભુનાં સર્વાંગનું ચિંતન એ ધારણા.
દાસ્યભક્તિથી હ્રદય જલદી દીન બનશે. “ભગવત ચરણારવિંદનું” પ્રથમ ભગવાનના ચરણ નું ખૂબ ધ્યાન કરવું. ત્યાર પછી મુખારવિંદનું ધ્યાન કરવું અને તે પછી સર્વાંગનું ધ્યાન.
ધ્યાનયોગની કથા કપિલ ગીતામાં વિગતવાર આપી છે.
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૮૬
સાધક સાવધાન થઇ ધ્યાન કરે, તો સમજાશે કે માયામાં જે શક્તિ છે, તે ખોટી છે. ઇશ્વરનું ચિંતન ન થાય તો વાંધો નહિ, પણ સંસારનું ચિંતન કરશો જ નહિ. ઇશ્વરનું ધ્યાન ન થાય તો વાંધો નહિ, પણ સંસારનું ધ્યાન છોડવાની ટેવ પાડજો.
ધ્યાન વગર ઇશ્વરનો સાક્ષાત્કાર થતો નથી. જેવું પૈસાનું ધ્યાન કરો છો, તેવું પરમાત્માનું ધ્યાન કરવાનું છે.
આરંભમાં આંખ આગળ અંધારું દેખાશે. પણ ધૈર્યની સાથે યોગધારણાથી મનને વશ કરવું. પ્રભુનાં સર્વાંગની બુદ્ધિ દ્વારા ધારણા કરવી. જેમ જેમ બુદ્ધિ સ્થિર થશે, તેમ તેમ મન સ્થિર થશે. ધારણા સ્થિર થાય ત્યારે ધ્યાનમાં પ્રભુનું મંગલમય સ્વરૂપ દેખાય છે. અંતે ભક્તિયોગની પ્રાપ્તિ થાય છે.
ધ્યાનમાં મન સ્થિર ન થાય, તો તેને મરણની બીક બતાવજો. તેથી તે સ્થિર થશે. મનને સમજાવજો.
ક્ષણભંગુર જીવનકી કલિકા, કલ પ્રાતઃ સમય ખિલી ન ખિલી;
મલયાચલકી શુચિ ગંધ સમીર ચલી ન ચલી.
કલિ કાલ કુઠાર લિયે ફિરતા, તન નમ્ર હૈ ચોટ ઝિલી ન ઝિલી;
રટ લે હરિનામ અરિ રસના, અંત સમયમેં હિલી ન હિલી.
મનનો ખરો ગુરુ આત્મા છે.
એકનાથ મહારાજ પાસે એક વૈષ્ણવ આવ્યો. મહારાજને પૂછ્યું, તમારું મન ઇશ્વરમાં કેવી રીતે સ્થિર થાય છે? સદાસર્વદા તમારું મન શ્રીકૃષ્ણમાં સ્થિર કેમ રહે છે? તમારું મન ચોવીસ કલાક પ્રભુમાં સ્થિર છે. મારું મન અર્ધો કલાક પણ પ્રભુમાં સ્થિર થતું નથી. મનને સ્થિર કરવાનો કોઇ ઉપાય બતાવો. એકનાથ મહારાજે વિચાર્યું કે ઉપદેશ ક્રિયાત્મક હોવો જોઇએ. મહારાજે કહ્યું, એ વાત હમણા જવા દે. મને લાગે છે કે તારું મૃત્યુ સમીપ છે. મરતાં પહેલાં વેર અને વાસનાનો ત્યાગ કરવો. વેર અને વાસના મરણને બગાડે છે. સાત દિવસ પછી તું મારી પાસે આવજે. પેલા વૈષ્ણવના તો મૃત્યુનું નામ સાંભળ્યું ત્યારથી હોશકોશ ઊડી ગયા. ઘરે આવ્યો, ધનની, પુત્રોને સોંપણી કરી દીધી. સર્વની ક્ષમા યાચના કરી, ઇશ્વરનું ઘ્યાન કરવા લાગ્યો. સાત દિવસ પછી તે એકનાથ મહારાજ પાસે આવ્યો.
મહારાજે પૂછ્યું:-બોલ આ સાત દિવસમાં તે શું કર્યું? તારે હાથે કાંઇ પાપ થયું?
વૈષ્ણવ ઉત્તર આપે છે, મને તો મરણની બીક એવી લાગી કે હું તે સર્વ છોડીને ઇશ્વરના ધ્યાનમાં લાગી ગયો.
એકનાથ મહારાજે કહ્યું:-મારી એકાગ્રતાનું એ જ રહસ્ય છે. હું મૃત્યુને રોજ યાદ રાખું છું. હું મૃત્યુની બીક રાખી સતત ઇશ્વર ભજન કરું છું, એટલે મારું મન સર્વ વિષયોમાંથી હઠી જાય છે અને સદા સર્વદા શ્રીકૃષ્ણમાં એકાગ્ર રહે છે.