
પરમાત્મામાં મન તન્મય ન થાય તો વાંધો નહિ, પણ જગત સાથે તન્મય ન જ થતા.
પરમાત્માનું ધ્યાન કરતાં જીવ ઇશ્વરમાં મળી જાય, ધ્યાન કરનારો ધ્યેયમાં મળી જાય, ધ્યાતા, ધ્યાન, ધ્યેય, ત્રણે એક થાય છે. આજ મુક્તિ, આજ અદ્વૈત છે.
દ્રષ્ટિ, દ્રષ્ટા, દર્શન એક થવા જોઇએ. સાધન, સાધક, સાધ્ય એક બનવાં જોઇએ.
ધ્યાતા, ધ્યાન અને ધ્યેય, દર્શન, દ્રષ્ટા, દ્દશ્ય એક થાય તો સમજવું કે ધ્યાનમાં અને દર્શનમાં એકતાનતા થઇ. એકતાનતા થઈ એટલે તે બીજું સર્વ ભૂલી જાય છે અને તેને ઇશ્વર સિવાય બીજું કંઈ દેખાતું નથી.
લોકો ઇશ્વરને આપે છે ધન, પરંતુ પરમાત્મા સૌની પાસે માગે છે મન. વ્યવહાર કરો પણ શ્રીકૃષ્ણમાં,ઇશ્વરમાં મન રાખી કરો. પનિહારીઓ પાણીનાં બેડાં ભરીને રસ્તેથી ઘરે આવતી હોય, ત્યારે રસ્તામાં વાતચીતમાં પણ તેઓનું ધ્યાન સતત માથા ઉપરનાં બેડાંમાં જ હોય છે. આવી રીતે સંસારના વ્યવહારો ઇશ્વરનું સ્મરણ રાખીને કરો. જગતના પદાર્થોમાં આસક્તિ રાખવી નહીં.
વિષયાનંદીને બ્રહ્માનંદનો આનંદ સમજાતો નથી, મૂકાસ્વાદવત્ બ્રહ્માનંદનું કોઈ વર્ણન કરી શકતું નથી. ઉપનિષદમાં દ્દષ્ટાંત આપ્યું છે, ખાંડની પૂતળી સાગરનું ઊંડાણ માપવા ગઈ. ને સાગરમાં વિલીન થઈ ગઈ. પાછી જ ન આવી. તે સાગર સાથે મળી ગઈ. ઇશ્વરમાં મળેલા મનને કોઈ જુદું કરી શકતું નથી. જેમ જેમ ધ્યાન કરે છે, તેમ તેમ જીવનો લય પરમાત્મામાં થાય છે. પછી જીવપણું રહેતું નથી.
ભાગવતમાં જ્ઞાનમાર્ગ અને ભક્તિમાર્ગ બંને બતાવ્યાં છે. જ્ઞાનમાર્ગમાં જીવ ઇશ્વર સાથે એક થાય છે. ઈશ્વરમાં મળી જાય છે. ત્યારે વૈષ્ણવાચાર્યોં થોડું દ્વૈત રાખીને અદ્વૈત માને છે. ભક્તિનો આરંભ ભલે દ્વૈતથી થાય, પણ તેની સમાપ્તિ અદ્વૈતમાં થાય છે. ભક્ત અને ભગવાન જુદા રહી શક્તા નથી. જે જીવ ભગવાનમાં મળી ગયો, તેને પછી ભગવાન પોતાના સ્વરૂપથી અલગ કરી શક્તા નથી. ઉપનિષદમાં ઈશ્ર્વરનું વર્ણન કરતાં કહ્યું છે, રસો વૈ સ: ઇશ્વર રસરૂપ છે. વૈષ્ણવ આચાર્યો અભેદભાવમાં માને છે. જળમાં રહેલો માછલો પાણી પી શકતો નથી, તે પ્રમાણે જે બ્રહ્મરસમાં ડૂબી ગયો, જે બ્રહ્મરૂપ થયો તે પછી પરમાત્માના રસાત્મક સ્વરૂપનો અનુભવ કરી શક્તો નથી. જીવ બ્રહ્મરૂપ થાય એટલે દુ:ખ નિવૃત્તિ તો થાય છે, પણ આનંદનો અનુભવ થતો નથી. બ્રહ્મ જે રસાત્મક છે, આનંદાત્મક છે તેનો અનુભવ લેવા તેણે થોડું અલગ રહેવું પડશે. થોડું દ્વૈત રાખવું પડશે, તેથી ભક્ત કહે છે, હું મારા ભગવાનનો અંશ છું, હું મારા ભગવાનની ગોપી છું, મારે પરમાત્મા સાથે એક થવું નથી. મારે પરમાત્માની સેવા કરવી છે. મારે ગોલોક ધામમાં જવું છે, ભક્ત જ્યારે લૌકિક દેહ છોડી અલૌકિક અપ્રાકૃત શરીર ધારણ કરી ગોલોક ધામમાં પ્રવેશ કરે છે, ત્યારે ભગવાનને આનંદ થાય છે. મારો અંશ મને મળવા આવ્યો. તેથી ભગવાન ઉત્સવ કરે છે.
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૮૭
ભક્તિ કરતાં તુકા ઝાલા પાડુંરંગ પણ તુકારામ કહે છે, કીર્તન કરવામાં મને જે આનંદ આવે છે તે વિઠ્ઠલ થવામાં નથી.
જીવ ઇશ્વરનો અનુભવ કયારે કરી શકે? ઇશ્વરથી તે જુદો રહે તો, તે રસનો અનુભવ કરી શકે છે. વૈષ્ણવાચાર્યો, જીવ ઇશ્ર્વરથી થોડો અલગ રહે એમ ઈચ્છે છે.
ઈયળ ભમરીનું ચિંતન કરતાં કરતાં ભમરીરૂપ બની જાય છે. તે જ પ્રમાણે જીવ બ્રહ્મનું ચિંતન કરતાં કરતાં બ્રહ્મરૂપ બની જાય છે. આ થઈ કૈવલ્ય મુક્તિ. પણ વૈષ્ણવો આવી કૈવલ્ય મુક્તિ ઇચ્છતા નથી. તેઓ ઈશ્વરની પૂજા-સેવા કરવા માટે અને તેનો રસાસ્વાદ માણવા માટે થોડું દ્વૈત રાખે છે.
વ્યાપક બ્રહ્મમાં લીન થયેલો તેમાંથી કેમ છૂટો પડી શકે? પાણી જડ છે તેથી માછલો છૂટો રહી શકે છે. પાણીમાં સર્વ રીતે ડૂબી ગયેલો પાણીનો સ્વાદ લઈ શકતો નથી, તેવી રીતે જીવ ઈશ્વરમાં ડૂબી ગયા પછી તે ઈશ્વરના સ્વરૂપનો રસાનુભવ કરી શકતો નથી, માટે વૈષ્ણવ મહાપુરુષો થોડું દ્વૈત રાખી, ભગવાનની સેવા સ્મરણમાં કૃતાર્થતા અનુભવે છે.
આ બંને સિદ્ધાંતો સત્ય છે. ખંડન-મંડનની ભાંજગડમાં પડશો નહિ. ગૌરાંગ પ્રભુ પણ આ ભેદ ભાવમાં માને છે. લીલામાં ભેદ માને છે, પરંતુ તત્વદ્દષ્ટિથી અભેદ છે. અભિન્ન હોવા છતાં સૂક્ષ્મભેદ છે.
એકનાથ મહારાજે ભાવાર્થ રામાયણમાં આ સિદ્ધાંત સમજાવવા દ્રષ્ટાંત આપ્યું છે.