
જનકે નિરુપયોગી વસ્તુ માંગી. ગુરુદક્ષિણા આપવાની છે. શુકદેવજી નિરુપયોગી વસ્તુની શોધમાં નીકળ્યા. પ્રથમ
માટી ઉંચકી. માટી કહે, મારા ઘણા ઉપયોગ છે. પથ્થર ઉચકયો, ત્યાં પથ્થર કહે, મારા ઘણા ઉપયોગ છે. આ પ્રમાણે જે વસ્તુ
ઉપાડે તે ઉપયોગી જ જણાઈ, અંતે થાકી વિષ્ટા ઉપાડવા ગયા. વિષ્ટા કહે, મારો પણ ઉપયોગ છે. મનુષ્યના પેટમાં ગઈ,
ત્યારથી મારી દશા બગડી છે. છતાં હું નિરુપયોગી નથી.
વિચાર કરતાં શુકદેવજીને લાગ્યું કે આ દેહાભિમાન નિરુપયોગી છે.
પરમાત્માની સેવા કરતાં પુરુષત્વ અને સ્ત્રીત્વનું ભાન જાય, તો ગોપીભાવ સિદ્ધ થાય અને પરમાત્માની નિત્યલીલામાં
પ્રવેશ મળે. સંગમ ત્યકત્વા સુખી ભવેત
શુકદેવજીએ જનકરાજાને કહ્યું:-મારું દેહાભિમાન ગુરુદક્ષિણામાં અર્પણ કરું છું. જનકરાજાએ
કહ્યું:-હવે તું કૃતાર્થ થયો છે.
શુકદેવજીએ દેહાભિમાન છોડયું છે. પ્રથમ દેહભાન હતું નહીં એટલે મંગલાચરણ કર્યું ન હતું, ચોથા અધ્યાયમાં
મંગલાચરણ કર્યું છે ૧૨ માં શ્ર્લોકથી
નમ: પરસ્મૈ પુરુષાય ભૂયસે સદુદ્ભવસ્થાનનિરોધલીલયા।
ગૃહીતશક્તિત્રિતયાય દેહિનામન્તર્ભવાયાનુપલક્ષ્યવર્ત્મને।।
સાધકને કથા માર્ગદર્શન આપે છે એટલું જ નહિ પણ સિદ્ધ પુરુષોને પણ કથા સાંભળવાની જરુર પડે છે. શુકદેવજીની
કથામાં પરાશરજી, વ્યાસજી વગેરે બેઠા હતા.
બીજા સ્કંધના અધ્યાય ૧,૨,૩ માં ભાગવતનો બઘોજ સાર, બઘોજ બોધ આવી ગયો. રાજાને જે ઉપદેશ કરવાનો હતો
તે આ ત્રણ અધ્યાયમાં કર્યો છે. ત્યારબાદ તો પરીક્ષિત રાજાનું ધ્યાન વિષય તરફ ફરીથી ન જાય તેથી બધાં ચરિત્રો કહ્યાં છે.
શુકદેવજી સ્તુતિ કરે છે:-
નમો નમસ્તેડસ્ત્વૃષભાય સાત્વતાં વિદુરકાષ્ઠાય મુહુ: કુયોગિનામ્ ।
નિરસ્તસામ્યાતિશયેન રાધસા સ્વધામનિ બ્રહ્મણિ રંસ્યતે નમ: ।।
જે મહાન ભકતવત્સલ છે, અને હઠપૂર્વક ભક્તિહીન સાધનો કરવાવાળા, જેની છાયાને પણ સ્પર્શી શક્તા નથી, જેની
સમાન કોઈનું ઐશ્વર્ય નથી, તો પછી અધિક તો કેવી રીતે હોઈ જ શકે? તથા જેઓ ઐશ્વર્યયુકત થઇને નિરંતર બ્રહ્મસ્વરૂપ,
પોતાના ધામમાં વિહાર કરી રહ્યા છે, એવા ભગવાન શ્રીકૃષ્ણને હું વારંવાર નમસ્કાર કરું છું.
પ્રેમમાં પક્ષપાત આવી જાય છે, શુકદેવજી રાધાને બે વાર નમસ્કાર કરે છે. કારણ રાધાજી શ્રી શુકદેવજીનાં ગુરુ છે.
રાધાજીએ શુકદેવજીનો બ્રહ્મસંબંધ કરાવી આપ્યો હતો. આ શ્લોકના રાધસા શબ્દનો અર્થ મહાત્માએ રાધિકાજી એવો પણ કરે છે.
શુકદેવજી પૂર્વજન્મમાં પોપટ હતા, અને રાત દિવસ લીલા નિકુંજમાં હે રાધે, હે રાધે એમ સતત્ રટયા કરતા હતા.
શુકદેવજી શ્રી રાધાજીના શિષ્ય છે. ભાગવતમાં એટલે તો રાધાજીના નામનો પ્રગટ ઉલ્લેખ નથી. કારણ ગુરુનું નામ પ્રગટરૂપે ન
લેવાની શાસ્ત્રની મર્યાદા છે.
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૮૯
ભાગવતના ટીકાકાર શ્રીધરસ્વામી આ પાંચને નિત્ય માને છે:-ભગવાનનું સ્વરૂપ નિત્ય, ભગવાનની લીલા નિત્ય,
ભગવાનનું ધામ નિત્ય, પરિકર નિત્ય છે, અને ભગવાનનું નામ નિત્ય છે.
પરીક્ષિત રાજાએ પશ્ર્ન કર્યો છે:-ભગવાન પોતાની માયાથી આ સૃષ્ટિની રચના કેવી રીતે કરે છે. આ સૃષ્ટિની
ઉત્પત્તિની કથા કહો.
શુકદેવજી કહે:-રાજા, તમે મને જેવો પ્રશ્ન કરો છો તેવો પ્રશ્ર્ન નારદજીએ બ્રહ્માજીને પૂછેલો. તેની કથા તું સાંભળ.
બ્રહ્માજીએ નારદજીને સૃષ્ટિના આરંભની કથા કહી હતી.
ભગવાનને એકમાંથી અનેક થવાની ઇચ્છા થઈ. ૨૪ તત્ત્વોને પ્રભુએ ઉત્પન્ન કર્યાં, ૨૪ તત્વો કોઈ કાર્ય કરી શક્યાં નહિ,
ત્યારે પ્રભુએ એક, એક વસ્તુમાં પ્રવેશ કર્યો અને તત્ત્વોમાં દિવ્ય ચેતન શક્તિ પ્રગટ થઈ.
સાતમા અધ્યાયમાં ભગવાનની લીલા અવતારોનું ટૂંકમાં વર્ણન કરેલું છે.
બ્રહ્માજીની નિષ્કપટ તપશ્ચર્યાથી પ્રસન્ન થઈ ભગવાને તેમને પોતાના સ્વરૂપનું દર્શન કરાવ્યું, અને આત્મતત્વના જ્ઞાન
માટે તેમને પરમ સત્ય-પરમાર્થ વસ્તુનો જે ઉપદેશ કર્યો તેની કથા કહું છું.
આદિદેવ બ્રહ્માજી પોતાના જન્મસ્થાન કમળ ઉપર બેસી, સૃષ્ટિ રચવાની ઇચ્છાથી વિચાર કરી રહ્યા હતા પણ જે
જ્ઞાનદ્રષ્ટિથી સૃષ્ટિની રચના થઇ શકે તે પ્રાપ્ત ન થઈ. તેવામાં બ્રહ્માજીને આકાશવાણી સંભળાઈ, તપ, તપ. બ્રહ્માજીએ માન્યું કે
તેમને તપ કરવાનો આદેશ થયો છે. બ્રહ્માજીએ સો વર્ષ તપ કર્યું અને તેમને ચતુર્ભુજ નારાયણનાં દર્શન થયાં.
તપ કર્યા વગર કોઈને ચાલવાનું નથી. તપ ન કરે તેનું (તપ શબ્દ ઉલટાવો તો પત) એટલે પતન થાય છે.
નારાયણ ભગવાને બ્રહ્માજીને ચર્તુશ્લોકી ભાગવતનો ઉપદેશ કર્યો. દ્વિતીય સ્કંધમાં નવમા અધ્યાયનાં ૩૨ થી ૩૫
શ્લોક એ ચર્તુશ્લોકી ભાગવત.
અહમેવાસમેવાગ્રે નાન્યદ્ યત્ સદસત્ પરમ્ ।
પશ્ચાદહં યદેતચ્ચ યોડવશિષ્યેત સોડસ્મ્યહમ્ ।। 3૨
ઋતેડર્થં યત્ પ્રતીયેત ન પ્રતીયેત ચાત્મનિ ।
તદ્વિદ્યાદાત્મનો માયાં યથાડડભાસો યથા તમ: ।। 33
યથા મહાન્તિ ભૂતાનિ ભૂતેષૂચ્ચાવચેષ્વનુ ।
પ્રવિષ્ટાન્યપ્રવિષ્ટાનિ તથા તેષુ ન તેષ્વહમ્ ।। ૩૪
એતાવદેવ જિજ્ઞાસ્યં તત્ત્વજિજ્ઞાસુનાડડત્મનઃ ।
અન્વયવ્યતિરેકાભ્યાં યત્ સ્યાત્ સર્વત્ર સર્વદા ।।
સંતાકુકડીની રમત ભગવાન રમે છે. આરંભમાં તમામ જીવો ભગવાનના પેટમાં હતા. ભગવાન એક એક જીવને, શોધી
શોધીને તેના કર્મ પ્રમાણે તેને શરીર આપે છે. તે પછી પરમાત્મા કહે છે, બેટા! હવે હું સંતાઈ જાઉં છું. હવે તું મને શોધવા આવ.