
જગત ન હતું, ત્યારે હું જ હતો. જગત રહેશે નહિ ત્યારે પણ હું જ રહીશ. જેમ સ્વપ્નમાં એક જ ના અનેકરૂપે દેખાય છે
તેમ જાગૃત અવસ્થામાં પણ અનેકમાં એક જ છે, એવો જ્ઞાની પુરુષોનો અનુભવ છે. દાગીનાના આકાર ભિન્ન હોવા છતાં સર્વમાં
એક જ સોનું રહેલું છે. કિંમત પણ સોનાની મળે છે. આકારની નહિ. ઇશ્વર સિવાય બીજું જે કાંઇ દેખાય છે, તે સત્ય નથી. ઇશ્વર
વિના બીજું દેખાય એ જ ઇશ્વરની માયા છે. જે ન હોવા છતાં પણ દેખાય છે, અને ઈશ્ર્વર સર્વમાં હોવા છતાં પણ દેખાતા નથી.
એ જ માયાનું કાર્ય છે, તેને જ મહાપુરુષો આવરણ અને વિક્ષેપ કહે છે.
સર્વનું મૂળ ઉપાદાન કારણ પ્રભુ સત્ય છે અને પ્રભુમાં ભાસે છે તે સંસાર સત્ય નથી, પરંતુ માયાથી ભાસે છે.
માયાની બે પ્રકારની શક્તિઓ છે.
(૧) આવરણ શક્તિ-માયાની આવરણ શક્તિ પરમાત્માને ઢાંકી રાખે છે.
(૨) વિક્ષેપ શક્તિ-માયાની વિક્ષેપ શક્તિ ઈશ્વરના અધિષ્ઠાનમાં જ જગતનો ભાસ કરાવે છે.
અંધકારના દ્રષ્ટાંતથી આ સિદ્ધાંત સમજાવ્યો છે. ભૂલથી જે ન હોય તે દેખાય અને જે હોય તે ન દેખાય.
આત્મસ્વરૂપનું વિસ્મરણ એ માયા છે. પોતાના સ્વરૂપની વિસ્મૃતિ એ સ્વપ્ન છે. સ્વપ્ન જેવું દેખાય છે, તે જોનાર સાચો
છે. સ્વપ્નમાં એક જ પુરુષ છે, પણ દેખાય છે બે. તત્ત્વ દ્રષ્ટિથી જુઓ તો સ્વપ્નનો સાક્ષી અને પ્રમાતા એક જ છે. એ જાગી જાય
છે, ત્યારે એને ખાત્રી થાય છે હું ઘરમાં પથારીમાં સૂતો છું. સ્વપ્નનો પુરુષ જુદો છે. તેમ આ જગતમાં બ્રહ્મ તત્ત્વ એક જ છે, પણ
માયાને લીધે અનેક તત્વ ભાસે છે. માયા બીજાને વળગેલી છે. આ માયા ક્યારે વળગી? માયા અનાદિ છે. તેનું મૂળ શોધવાની
જરૂર નથી. માયા એટલે અજ્ઞાન. અજ્ઞાન કયારથી શરૂ થયું તે જાણવાની શી જરૂર છે? માયા જીવને ક્યારથી વળગી એનો વિચાર
કરવો નહિ. તેનો પાર પામી શકાય તેમ નથી. ક્યારે વિસ્મરણ થયું એ કહી શકાતું નથી. તેમ અજ્ઞાનનો આરંભ કયારે થયો, તે
કહી શકાય નહિ. અજ્ઞાનનો તો તાત્કાલિક નાશ કરાય એ જરૂરી છે.
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૯૦
કપડાં ઉપર ડાઘ પડયો હોય તો તે શાથી પડયો, કઈ જગ્યાએથી પડયો, કઈ શાહી હશે, વગેરે વિચાર કરવાને બદલે,
પડેલો ડાઘ તરત દૂર કરવો જ હિતાવહ છે.
માયાનો બહુ વિચાર કરવા કરતાં માયાના પતિ પરમાત્માને શરણે જવું.
સુદામાએ માયાનાં દર્શન કરવા માટે એક વખત શ્રીકૃષ્ણ પાસે માગણી કરી કે મારે તમારી માયાનાં દર્શન કરવાં છે.
તમારી માયા કેવી હોય? શ્રીકૃષ્ણે કહ્યું, સમય આવ્યે દર્શન કરાવીશ. ચાલો પહેલાં ગોમતીમાં સ્નાન કરવા જઈએ. ભગવાન સ્નાન
કરી પીતાંબર પહેરે છે. સુદામાને લાગ્યું કે ગોમતીજીમાં પૂર આવ્યું છે. તે તણાતા જાય છે. તે પછી એક ઘાટ આવતાં તે ઘાટનો
આશરો લીધો. સુદામા ફરતા ફરતા એક ગામ પાસે આવ્યા છે. ત્યાં એક હાથણીએ તેમના ગળામાં ફૂલની માળા પહેરાવી. લોકોએ
સુદામાને કહ્યું, અમારા દેશના રાજા મરણ પામેલા છે. આ ગામનો કાયદો છે કે રાજાના મરણ બાદ આ હાથણી જેને માળા પહેરાવે
તે રાજા થાય. તમે અમારા દેશના રાજા થયા. સુદામા રાજા બન્યા. એક રાજ કન્યા સાથે તેમનું લગ્ન થયું. બાર વર્ષ સંસાર ચાલ્યો,
બાર પુત્રો થયા. તેવામાં રાણી એક દિવસ માંદી પડી અને મરણ પામી.