
સુદામા રડવા લાગ્યા. તે સુંદર હતી. સુશીલ હતી. લોકો
કહે તમે રડો નહિ. અમારી માયાપુરીનો કાયદો છે કે, તમારી પત્ની જ્યાં ગઈ છે ત્યાં તમને પણ મોકલવામાં આવશે. એટલે કે
પત્ની સાથે તમારે પણ અગ્નિમાં પ્રવેશ કરવો પડશે, સુદામા પોતાના માટે રડવા લાગ્યા. હાય મારું શું થશે? સુદામા કહે છે, હું તો
પરગામનો છું. મને તમારા ગામનો કાયદો લાગુ ન પાડો. મને એક વખત સ્નાન સંધ્યા કરી લેવા દો પછી મને બાળજો. તે સ્નાન
કરવા ગયા છે. ચાર પુરુષો તેમના ફરતા ઊભા છે કે નાસી જાય નહીં. સુદામા ખૂબ ગભરાયા, ગભરાટમાં પ્રભુને યાદ કરે છે. રડતાં
રડતાં સુદામા નદીમાંથી બહાર આવ્યા તે વખતે ભગવાન સ્નાન કરી પીતાંબર પહેરી રહ્યા હતા. ભગવાન પૂછે છે, કેમ રડે છે?
સુદામા કહે, પેલું બધું કયાં ગયુ? આ છે શું? કાંઈ સમજાતું નથી. ભગવાન કહે છે. મિત્ર, આ માયા છે, મારા વિના જે ભાસે છે તે
જ મારી માયા છે.
માયા એટલે વિસ્મરણ. યા એટલે છે. મા એ નિષેધાત્મક છે. બ્રહ્મનું વિસ્મરણ, પરમાત્માનું વિસ્મરણ એજ માયા છે. ન
હોય તેને બનાવે એ માયા, માયાના ત્રણ પ્રકાર છે:-(૧) સ્વમોહિકા (૨) સ્વજન મોહિકા (૩) વિમુખજન મોહિકા.
બ્રહ્મદ્રષ્ટિ સતત રાખે તેને માયા પકડી શકે નહિ. માયા જીવને વળગી છે એ તત્વદ્રષ્ટિથી સાચું નથી.
માયા નર્તકી છે. તે બધાંને નચાવે છે. નર્તકી માયાના મોહમાંથી છૂટવું હોય તો નર્તકી શબ્દને ઉલટાવો એટલે થશે
કીર્તન. કીર્તન કરો એટલે માયા છૂટે. કીર્તન ભક્તિમાં દરેક ઇન્દ્રિયને કામ મળે છે.
મહાપુરુષોએ કીર્તન ભક્તિને શ્રેષ્ઠ માની છે.
માયાને તરવા માયા જેની દાસી છે એ માયાપતિ પરમાત્માને જ પામવા પ્રયત્ન કરવો. માયાના ત્રાસમાંથી છૂટવું હોય તો
માધવરાયને શરણે જાવ.
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૯૧
મામેવ યે પ્રપદ્યન્તે માયામેતાં તરન્તિ તે ।।
મને જ જેઓ નિરંતર ભજે છે, તેઓ આ દુસ્તર માયાને અથવા સંસારને તરી જાય છે. માટે રાજન્! મનુષ્યોએ સર્વ સમયે
અને સર્વ સ્થળોએ પોતાની સંપૂર્ણ શક્તિથી ભગવાન શ્રી હરિનું જ શ્રવણ, કીર્તન અને સ્મરણ કરવું જોઇએ.
માયાની ચર્ચા વધારે ન કરતાં માયા જેમની દાસી છે તે માયાપતિ પરમાત્માનાં ચરણનો આશ્રય કરી પ્રભુની ભક્તિ વધે
એવી રીતે આ સિદ્ધાંતનો વિચાર કર એવી નારદજીને બ્રહ્માજીએ આજ્ઞા કરી. નારદે તે ઉપદેશ વ્યાસજીને આપ્યો અને આ ચાર
શ્લોકના આધારે અઢાર હજાર શ્ર્લોકનું ભાગવતશાસ્ત્ર વ્યાસજીએ બનાવ્યું.
ઈતિ દ્વિતીય: સ્કંધ: સમાપ્ત:
હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે
।। શ્રીકૃષ્ણાર્પણમસ્તુ ।।
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જૂજવે રૂપે અનંત ભાસે;
દેહમાં દેવ તું, તેજમાં તત્ત્વ તું , શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. અખિલ
પવન તું, પાણી તું, ભૂમિ તું ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે;
વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આશે. અખિલ
વેદ તો એમ વદે શ્રુતિ-સ્મૃતિ શાખ દે, કનક કુંડલ વિષે ભેદ ન હોયે;
ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે. અખિલ
વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોઉં પટંતરો એ જ પાસે;
ભણે નરસૈંયો એ મન તણી શોધના, પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે અખિલ