
સ્કંધ ત્રીજો
સંસાર બે તત્ત્વનું મિશ્રણ છે, જડ અને ચેતન. શરીર જડ છે. આ જડ શરીર આત્માને પકડી રાખે છે. આત્મા ચેતન છે.
પણ જડ ચેતનની આ ગ્રંથી ખોટી છે. કારણ જડ વસ્તુ ચેતનને શી રીતે બાંધી શકે? આ ગ્રંથી ખોટી હોવા છતાં, સ્વપ્ન જે રીતે
આપણને રડાવે છે, તેમ તે ભ્રમથી રડે છે. તત્ત્વ દૃષ્ટાથી જડ શરીર ચેતન આત્માને પકડી રાખે છે એમ કહી શકાય નહિ. ચેતન
આત્માને જડ શરીર પકડી રાખી શકે નહિ. આત્મા શરીરથી જુદો છે એ જાણે છે સર્વ, પણ તેનો અનુભવ કોઈક જ કરી શકે છે.
શુકદેવજી વર્ણન કરે છે:-રાજન્! તમે જેવા પ્રશ્ર્નો કરો છો, તેવા વિદુરજીએ મૈત્રેયજીને પ્રશ્નો કર્યા હતા. આ વિદુરજી
એવા છે કે ભગવાન તેમને ત્યાં વગર આમંત્રણે ગયા હતા.
પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો:- વિદુર મૈત્રેયજીનો ભેટો ક્યારે થયો?
શુકદેવજી વર્ણન કરે છે:-રાજન્! હું તને પહેલા શ્રીકૃષ્ણ, વગર આમંત્રણે વિદુરજીના ઘરે પધારેલા તે કથા કહીશ.
ધૃતરાષ્ટ્રે પાંડવોને લાક્ષાગૃહમાં બાળવા પ્રયત્ન કર્યો હતો. વિદુરજીએ ધૃતરાષ્ટ્રને ઉપદેશ કર્યો. ધૃતરાષ્ટ્રને કાંઈ અસર
થતી નથી. વિદુરજીએ વિચાર્યું, ધૃતરાષ્ટ્ર દુષ્ટ છે. એના કુસંગથી મારી બુદ્ધિ બગડશે. વિદુરજીએ અનેકવાર ઉપદેશ કર્યા, પણ
ધૃતરાષ્ટ્રે માન્યું નહિ, તેથી વિદુરજીએ હસ્તિનાપુર છોડયું. વિદુરજીની પત્નીનું નામ સુલભા, બન્ને વનમાં આવ્યાં છે.
પોતાના સમૃદ્ધિવાળા ઘરનો ત્યાગ કરી વિદુરજી વનમાં ગયેલા. વનવાસ વિના જીવનમાં સુવાસ નહિ આવે. તેથી તો
પાંડવોએ અને ભગવાન રામચંદ્રજીએ વનવાસ સેવ્યો હતો.
વિદુરજી પહેલેથી જ તપસ્વી જીવન ગાળતા અને ભગવાનનું કીર્તન કરતા. તેથી દુર્યોધનના છપ્પન ભોગો પડતા મૂકી,
શ્રીકૃષ્ણે વિદુરજીના ઘરની ભાજી આરોગેલી.
વિદુર-સુલભા વનમાં આવી, નદી કિનારે ઝૂંપડી બાંધી રહેતાં હતાં. તપશ્ચર્યા કરતાં હતાં. રોજ ત્રણ કલાક પ્રભુની સેવા
કરે. ત્રણ કલાક પ્રભુનું ધ્યાન કરે. ત્રણ કલાક પ્રભુનું કીર્તન. ત્રણ કલાક કૃષ્ણ કથા અને ત્રણ કલાક કૃષ્ણ સેવા કરે. બાર વર્ષ આ
પ્રમાણે ભગવાનની આરાધના કરી. આ પ્રમાણે મનને સતત સત્કર્મમાં પરોવી રાખો. મન છૂટું રહે, નવરું રહે તો પાપ કરે છે.
ભગવાનનું કીર્તન કરે અને ભૂખ લાગે ત્યારે કેવળ ભાજીનો આહાર કરે. ભોજન કરવું એ પાપ નથી. ભોજનના સ્વાદમાં તન્મય થવું
અને ભોજન કરતાં ભગવાનને ભૂલી જવું એ પાપ છે. ઘણાં લોકો કઢી ખાતાં કઢી સાથે એક બને છે. કઢી સુંદર હતી તેથી બીજે
દિવસે સેવા કરતાં, માળા ફેરવતાં તે કઢી જ યાદ આવે છે. મનમાં થાય છે, ગઈ કાલની કઢી સ્વાદિષ્ટ હતી.
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૯૨
દ્વારકાનાથ વિષ્ટિ કરવા હસ્તિનાપુર પધારવાના છે, એવી વિદુરજીને ખબર પડી.
ધૃતરાષ્ટે હુકમ કર્યો:-સ્વાગતની તૈયારી કરો. છપ્પન ભોગ તૈયાર કરાવો.
ધૃતરાષ્ટ્ર કુભાવથી સેવા કરે છે. સેવા સદ્ભાવથી કરવી જોઇએ. કુભાવથી સેવા કરનાર ઉપર ભગવાન પ્રસન્ન થતા નથી.
જે સદ્ભાવથી સેવા કરે છે, તેના ઉપર પ્રભુ પ્રસન્ન થાય છે.
વિદુરજી ગંગાસ્નાન કરવા ગયેલા, ત્યાં સાંભળ્યું કે આવતી કાલે મોટો વરઘોડો નીકળવાનો છે. તેમણે લોકોને પૂછ્યું,
કોણ આવવાનું છે? લોકોએ કહ્યું:-તમને ખબર નથી? આવતી કાલે દ્વારકાથી દ્વારકાનાથ પધારવાના છે.
વિદુરજી ઘરે આવ્યા, આજે આનંદમાં છે. સુલભા પૂછે છે:-આજે કેમ આટલા બઘા આનંદમાં છો?
વિદુરજી કહે છે:-સત્સંગમાં બધી કથા કહીશ. મેં કથામાં સાંભળેલું કે બાર વર્ષ જે સતત્ સત્કર્મ કરે તેના ઉપર ભગવાન
કૃપા કરે છે. બાર વર્ષ એક જગ્યાએ રહી, ધ્યાન કરે તેને પ્રભુ દર્શન આપે છે. મને લાગે છે, દ્વારકાનાથ દુર્યોધન માટે નહિ, પરંતુ
આપણાં માટે આવે છે.
સુલભા કહે:-મને પણ સ્વપ્નમાં રથયાત્રાનાં દર્શન થયાં હતાં તે સફળ થશે. બાર વર્ષથી મેં અન્ન લીધું નથી.
વિદુરજી:-દેવી, તમારી તપશ્ચર્યાનું ફળ આવતી કાલે મળશે. આવતી કાલે પરમાત્માનાં દર્શન થશે.
સુલભાદેવીએ વિદુરજીને પ્રશ્ન કર્યો:-નાથ, પ્રભુ સાથે તમારો કાંઇ પરિચય છે?
વિદુરજી કહે છે:-હું શ્રીકૃષ્ણને વંદન કરું છું, ત્યારે તે મને કાકા કહીને બોલાવે છે. હું તો તેઓને કહું છું કે હું તો અધમ
છું આપનો દાસાનુદાસ છું, મને કાકા ન કહો.
જીવ દીન બનીને ઇશ્વરને શરણે જાય છે, તો જીવને ઇશ્વર ખૂબ માન આપે છે. સુલભાના મનમાં એક જ ભાવના છે,
ઠાકોરજી , આરોગે અને પ્રત્યક્ષ નિહાળું.
સુલભા કહે:-તમારે તેમની સાથે પરિચય છે, તો તેમને આપણે ત્યાં આવવા આમંત્રણ આપો. ભાવનામાં ભગવાનને
રોજ ભોગ ધરાવું છું. હવે એક જ ઈચ્છા છે કે, મારા ભગવાન આરોગે અને પ્રત્યક્ષ નિહાળું.