
ધૃતરાષ્ટ્રે કહ્યું:-બે ભાઈના ઝગડામાં તમે ન પડો. આરામથી ભોજન કરો. છપ્પન ભોગ તૈયાર છે.
શ્રીકૃષ્ણ કહે છેઃ-તારા ઘરનું ખાઉં તો કદાચ મારી બુદ્ધિ બગડે. પાપીના ઘરનું ખાવાથી બુદ્ધિ બગડે છે.
આજે છપ્પન પ્રકારની ભોજન સામગ્રીઓ શ્રીકૃષ્ણ માટે તૈયાર કરાવવામાં આવેલી હતી, છતાં પણ ભગવાન જમવા માટે
ના પાડે છે. રાજાઓને આશા થઈ શ્રીકૃષ્ણ આપણે ત્યાં આવશે. બ્રાહ્મણોને પણ ના પાડી છે.
દ્રોણાચાર્યે પૂછ્યું:-બધાને ના પાડો છો, તો આજે કયાંય જ઼વાનાં નથી? ભોજનનો સમય થયો છે. કયાંય તો જમવું
પડશે ને? દુર્યોધનને ત્યાં જમવામાં હરકત હોય, તો મારે ત્યાં ભોજન માટે પધારો. દ્રોણાચાર્ય સમજી ગયા કે અમે વેદશાસ્ત્ર સંપન્ન
બ્રાહ્મણો રહી ગયા. ધન્ય છે વિદુરજીને.
ભગવાન વિચારે છે, મારો વિદુર આજ ઘણા સમયથી મારી પ્રતીક્ષા કરી રહ્યો છે. આજે મારે તેમને ત્યાં જવું છે.
આ બાજુ વિદુરજી વિચારે છે:-હું હજુ લાયક થયો નથી, તેથી તેઓ આવતા નથી. આજે સેવામાં સુલભાનું હ્રદય આર્દ્ર
બન્યું છે.
સુલભા ભગવાનને વિનવે છે:-કનૈયા! મેં તારા માટે સર્વસ્વનો ત્યાગ કર્યો છે. તું મારે ત્યાં નહિ આવે? નાથ, ગોપીઓ
કહેતી હતી તે સાચું છે. કનૈયા પાછળ જે પડે તેને કનૈયો રડાવે છે. તમારા માટે મેં સંસાર-સુખનો ત્યાગ કર્યો છે. સર્વસ્વ તમને
અર્પણ કર્યું છે. નાથ, મારે ત્યાં નહિ આવો?
કીર્તનભક્તિ શ્રીકૃષ્ણને અતિપ્રિય છે. સૂરદાસજી ભજન કરે, ત્યારે કનૈયો આવીને તંબૂરો આપે છે. સૂરદાસ કીર્તન કરે
અને કનૈયો સાંભળે છે.
નાહં વસામી વૈકુંઠે યોગીનાં હ્રદયે ન ચ । મદ્ભક્તા યત્ર ગાયન્તિ તત્ર તિષ્ઠામિ નારદ ।।
ભગવાન કહે છે કે, હે નારદ, હું ન તો વૈકુંઠમાં રહું છું, કે ન તો યોગીઓના હ્રદયમાં. હું તો ત્યાં જ રહું છું કે જ્યાં મારા
ભક્તો પ્રેમમાં વ્યાકુળ બનીને મારું કીર્તન, કથા કર્યા કરે છે.
ઝૂપડી બંધ કરી વિદુર-સુલભા ભગવાનના નામનું કીર્તન કરે છે. પણ તેઓને ખબર નથી કે જેનું તેઓ કીર્તન કરી રહ્યા
છે, તે જ આજે તેમના દ્વારે બહાર ઊભા છે.
મનુષ્યનું જીવન પવિત્ર બનશે તો ભગવાન વિના આમંત્રણે તેમના ઘરે આવશે. વિદુરજીને ત્યાં ભગવાન વિના આમંત્રણે
પધાર્યા છે. જે પરમાત્માને માટે જીવે તેને ત્યાં પરમાત્મા આવે છે. બહાર ઊભા ઊભા બે કલાક થયા, સખત ભૂખ લાગી હતી. આ
લોકો કયાં સુધી કીર્તન કરશે? આ લોકોનું કીર્તન પૂરું થાય તેમ લાગતું નથી. વિદુર-સુલભાનું જીવન પ્રભુ માટે હતું. પ્રભુએ
વ્યાકુળ થઈ દ્વાર ખખડાવ્યાં.
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૯૪
પ્રભુએ ઝૂંપડીનો દરવાજો ખખડાવ્યો. કાકા, હું આવ્યો છું.
એવું કીર્તન કરો કે ભગવાન આવીને તમારા ઘરનો દરવાજો ખખડાવે.
વિદુરજી:-દેવી! દ્વારકાનાથ આવ્યા હોય એમ લાગે છે. બારણું ઉઘાડયું, ત્યાં ચતુર્ભુજ નારાયણનાં દર્શન થયાં. અતિ
હર્ષના આવેશમાં આસન આપ્યું નહીં. પ્રભુએ હાથે દર્ભનું આસન લીધું. વિદુરજીને હાથ પકડીને બેસાડયા, ઈશ્ર્વર જેને માન આપે
છે, તેનું માન ટકે છે.
ભગવાન કહે છે:-હું ભૂખ્યો થયો છું. મને ભૂખ લાગી છે, કાંઇક ખાવા આપો.
ભક્તિમાં એટલી શક્તિ છે કે નિષ્કામ ભગવાનને તે સકામ બનાવે છે. ભગવાનને ભૂખ લાગતી નથી. પણ ભક્તને માટે
ભગવાનને ખાવાની ઈચ્છા થાય છે.
વિદુરજી પૂછે છે:-તમે દુર્યોધનને તાં જમીને નથી આવ્યા?
કૃષ્ણ કહે છેઃ- કાકા, જેના ઘરનું તમે ન ખાવ, તેના ઘરનું હું ખાતો નથી.
ઇશ્વરને ભૂખ લાગતી નથી, એવો ઉપનિષદનો સિદ્ધાંત છે. જીવરૂપી પક્ષી વિષયરૂપી ફળ ખાય છે તેથી તે દુ:ખી છે.
ઉપનિષદનો સિદ્ધાંત ખોટો નથી. ઈશ્વર નિત્ય આનંદ સ્વરૂપ છે, ભાગવતનો સિદ્ધાંત પણ સાચો છે. ઇશ્વર તૃપ્ત છે, પરંતુ કોઈ
ભક્તના હ્રદયમાં પ્રેમ ઊભરાય, તો નિષ્કામ પણ સકામ બને છે. સગુણ નિર્ગુણ એક છે, નિરાકાર સાકાર બને છે. ઈશ્વર પ્રેમના
ભૂખ્યા છે. તેથી પ્રેમ જ્ઞાનથી શ્રેષ્ઠ છે. પ્રેમમાં એવી શક્તિ છે કે, તે જડને ચેતન બનાવે છે, નિષ્કામને સકામ બનાવે છે.
નિરાકારને સાકાર બનાવે છે. જ્ઞાનમાં વસ્તુનું પરિંવર્તન કરવાની શક્તિ નથી. પ્રેમમાં વસ્તુનું પરિવર્તન કરવાની શક્તિ છે.
પતિ-પત્ની વિચારમાં પડયાં. ભગવાનનું સ્વાગત શી રીતે કરવું? તેઓ તપસ્વી હતા. કેવળ ભાજી ખાઇને રહેતાં.
વિદુરજીને સંકોચ થાય છે. હું મારી ભાજી ભગવાનને શી રીતે અર્પણ કરું? પતિ- પત્નીને કંઈ સૂઝતું નથી. ત્યાં તો દ્વારકાનાથે
પોતાના હાથે ભાજી ચૂલા ઉપરથી ઉતારી અને પ્રેમથી આરોગી, વસ્તુમાં મીઠાશ નથી પણ પ્રેમમાં મીઠાશ છે. શત્રુ મીઠાઈ આપે
તો તે ઝેર જેવી લાગે છે.
ભગવાનને દુર્યોધનના ઘરના મેવા ન ગમ્યા, પરંતુ ભગવાને વિદુરના ઘરની ભાજી આરોગી તેથી તો આજે પણ લોકો
ગાય છે.
સબસે ઊંચી પ્રેમ સગાઈ ।
દુર્યોધનકા મેવા ત્યાગી સાગ વિદુર ઘર ભાજી ખાઈ ।।
જૂઠે ફલ સબરીકે ખાયે બહુવિધિ પ્રેમ લગાઈ ।।
પ્રેમકે બસ નૃપ-સેવા કીન્હી આપ બને હરિ નાઈ ।।
રાજસૂર્યયજ્ઞ યુધિષ્ઠિર કીયો તામેં જૂઠ ઉઠાઈ ।।
પ્રેમકે બસ અર્જુન રથ હાંકયો ભૂલ ગયે ઠકુરાઇ ।।
ઐસી પ્રીતિ બઢી વૃન્દાવન ગોપીન નાચ નચાઇ ।।
સૂરદાસ કૂર ઇસ લાયક નાહીં કહં લગી કરૌ બડાઇ ।।