
વિદુરજીએ જેવું બાર વર્ષ તપ કર્યું તે પ્રમાણે કરશો, તો સહન કરવાની શક્તિ આવશે. અતિ સાત્ત્વિક આહાર જેનો હશે,
તે સહન કરી શક્શે. સાત્ત્વિક આહાર વિના સહનશક્તિ આવતી નથી. વિદુરજી બાર વર્ષ ભાજી ઉપર રહ્યા હતા, તમે બાર મહિના
ભાજી ઉપર રહેશો તો સહન કરવાની શક્તિ આવશે. તેલ-મરચાં ખૂબ ખાવ તો સ્વભાવ મરચાં જેવો થશે. ખૂબ સહન કરશો તો
સુખી થશો. સહનશક્તિ ત્યારે આવશે કે જ્યારે આહારવિહારને ખૂબ સાત્ત્વિક રાખશો. આ જીવનો એવો સ્વભાવ છે કે એને જે મળ્યું
છે તેમાં સંતોષ નથી. વિદુરજીએ તાંદળજાની ભાજીમાં સંતોષ માની, ઇશ્વરનું આરાધન ર્ક્યું છે. બુદ્ધિમાં ઇશ્વર હોય તો બધું સહન
થાય.
અપમાનથી વિદુરજી ગ્લાનિ પામતા નથી. સભામાં દુર્યોધને વિદુરજીનું અપમાન કર્યું તેમ છતાં ગુસ્સે થયા નહીં.
વિદુરકાકાએ એકલી ભાજી ખાધેલી ને? સાત્ત્વિક આહાર વગર ગમ ખાવાની શક્તિ નહિ આવે. જીવનમાં સુખી રહેવું હોય તો કમ
ખા અને ગમ ખા. મનુષ્યને બધું ખાતા આવડે છે ફક્ત ગમ ખાતાં આવડતું નથી.
તમારી કોઈ નિંદા કરે, તો તમે નિંદા શાંતિથી સહન કરજો. માનજો કે નિંદક મારા દોષનું મને ભાન કરાવે છે. મારા
પાપને ધૂએ છે. કેટલાકને નિંદા કર્યા વગર ખાધેલું પચતું નથી. આ દુનિયાએ કોઇને પણ નિંદા કર્યા વગર છોડયો નથી. ભગવાને
દુઃખથી કહ્યું છે, હું માનવોનું કલ્યાણ કરવા મનુષ્યરૂપે આવ્યો છતાં પણ લોકોએ મને ન છોડયો. મારું અપમાન કર્યું. નિંદા
કરનાર ઉપર ક્રોધ ન કરવો. નિંદા સાંભળીને તેમાં પણ ઇશ્વરનો શુભ સંકેત માનવો. વિદુરજીનું અપમાન કરવામાં આવ્યું તો પણ
તેમાં તેઓ પ્રભુની કૃપાનો અનુભવ કરે છે.
વિદુરજીએ વિચાર્યું, દુર્યોધન મારી નિંદા કરતો નથી, પણ દુર્યોધનના અંતરમાં રહેલા નારાયણ મને કહે છે કે કૌરવોનો
કુસંગ તું છોડી દે. કૌરવોનો કુસંગ છોડાવવા પ્રભુની આ પ્રેરણા છે. મહાપુરુષો નિંદામાંથી પણ સાર કાઢે છે. સારી વસ્તુમાં સારું
જુએ એ સાધારણ વૈષ્ણવ, પણ જેને ખરાબમાં પણ સારું તત્વ દેખાય એ, ઉત્તમ વૈષ્ણવ છે. પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ વૈષ્ણવ
પ્રભુનો અનુગ્રહ જ જુએ છે.
કૌરવોના મંડળમાં વિદુરજી બિરાજે તો કૌરવોનો વિનાશ થાય નહિ. એટલે પ્રભુએ વિદુરજીને ત્યાંથી ચાલ્યા જવાની
પ્રેરણા કરી.
રામાયણમાં રાવણે વિભીષણનું અને ભાગવતમાં દુર્યોધને વિદુરજીનું અપમાન કરેલું. આ પ્રમાણે સંતોના અપમાનથી
તેઓનો નાશ થયો. ઘરમાં એકાદ પુણ્યશાળી માણસ હોય, તો તે ઘરના માણસોનું કોઇ અહિત કરી શકતું નથી. વિદુરના જવાથી
કૌરવોનો નાશ થયો. વિભીષણના જવાથી લંકાના રાક્ષસોનો નાશ થયો.
દુર્યોધને નોકરોને હુકમ કર્યો કે આ વિદુરજીને ધક્કો મારીને બહાર કાઢો. સેવકો ધક્કો મારીને બહાર કાઢે તે પહેલાં
વિદુરજીએ સમજીને ઘરનો ત્યાગ કર્યો, ધનુષ્ય-બાણ તેમણે ત્યાં જ મૂકી દીધાં. ધનુર્દ્ધારિ નિધાય । કૌરવોને તે દ્વારા ઉપદેશ
આપ્યો, ધનુષ્ય-બાણ લઇને લડશો નહિ. લડવું હોય તો વાણીથી લડજો.
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૯૭
વિદુરજી યાત્રા કરવા નીકળ્યા છે. ધૃતરાષ્ટ્રે મોકલાવેલું ધન તેઓ લેતા નથી. લોભ-જરૂરિયાત ઓછી કરો તો પાપ
ઘટશે, અને જરૂરિયાત જો વધારશો તો પાપ પણ વધશે. પ્રાપ્ત સ્થિતિમાં અસંતોષ મનુષ્યને પાપ કરવા પ્રેરે છે. તેથી તો કહ્યું છે કે
પાપનો બાપ લોભ છે.
જે કોઈ પાપ કરતો નથી તે મહાન પુણ્ય કરી રહ્યો છે.
વિદુરજી ૩૬ વર્ષની યાત્રા કરવા માટે નીકળ્યા, પણ સાથે કાંઈ લીધું નહીં. આજકાલ તો લોકો ૩૬ દિવસની જાત્રાએ
નીકળે છે તો ૩૬ ચીજ વસ્તુઓ સાથે લે છે. પોતાની જરૂરિયાતોનું મોટું લીસ્ટ બનાવે છે અને લીસ્ટ પૈકી કોઈ ચીજ લેવાની રહી ન
જાય તેની કાળજી રાખે છે.
યાત્રાનો અર્થ છે:-યાતિ ત્રાતિ. ઇન્દ્રિયોને, પ્રતિકૂળ વિષયોમાંથી હઠાવી અનુકૂળ વિષયમાં જોડી દેવી એજ યાત્રા. તીર્થયાત્રા
તેની સફળ થાય છે કે જે તીર્થ જેવો પવિત્ર થઈને આવે છે.
જાત્રા કરવા જતા પુણ્ય થતું નથી. ઘણીવાર તો પાપ ભેગું કરીને મનુષ્ય જાત્રામાંથી આવે છે, માટે જાત્રા વિધિપૂર્વક
કરવાની છે. જાત્રા વિધિપૂર્વક કરો તો તેનું પુણ્ય મળે છે. જાત્રા ઉપર જતાં પહેલા “આજથી હું બ્રહ્મચર્ય પાળીશ, આજથી ક્રોધ
નહિ કરું, આજથી જૂઠું નહિ બોલું, આજથી વ્યર્થ ભાષણ નહિ કરું.” એવી પ્રતિજ્ઞાઓ કરવી પડે છે. આવી પ્રતિજ્ઞાઓ લીધા
પછી જાત્રાની શરૂઆત કરવી જોઈએ. આજકાલ તો પૈસા ખૂબ વઘે, ત્યારે લોકો જાત્રાને બહાને ફરવા નીકળી પડે છે. એવી રીતે તો
કાગડો પણ કાશી અને મથુરા જઈ આવતો હશે.
તીર્થયાત્રાના બ્રાહ્મણોની નિંદા કરે તેને તીર્થયાત્રાનું ફળ મળતું નથી. વિદ્વાન બ્રાહ્મણ પ્રત્યે સદ્ભાવ ન હોય તો
તીર્થયાત્રા ફળતી નથી. ગુરુનું અપભ્રંશ છે ગોર. કેટલાક બહુ ડાહ્યા હોય છે. અગાઉથી ગોર ઉપર કાગળ લખે છે. અમે આટલા
માણસો આવીશું. જમવાનું તૈયાર રાખજો. તીર્થના ગોરને નોકર ન ગણો. તીર્થમાં વિધિપૂર્વક સ્નાન કરવું. તીર્થમાં કોગળો કરાય
નહિ. સાબૂ ચોળીને નવાય નહિ.
મહાપ્રભુજી દુ:ખથી બોલ્યા કે, અતિશય વિલાસી અને પાપી લોકો તીર્થમાં જવા લાગ્યા, રહેવા લાગ્યા તેથી તીર્થનો
મહિમા લુપ્ત થયો.
યાત્રા કરવા નીકળ્યા ત્યારે વિદુરજી સાથે શું લઈ ગયેલા? કાંઈ નહિ, ફક્ત કૌરવોનું પુણ્ય લઈને નીકળ્યા હતા.