
શ્રી શ્રી ગણેશાય નમ:શ્રી સરસ્વત્યૈ નમ:
શ્રી ગુરુભ્યો નમ
ૐ નમો ભગવતે વાસુદેવાયભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય.
સચ્ચિદાનન્દરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે ।
તાપત્રયવિનાશાય શ્રીકૃષ્ણાય વયં નુમ: ।।
મનુષ્ય અવતાર પ્રભુને પ્રાપ્ત કરવા માટે છે.
પરમાત્મા નાં દર્શન કરવા માટે મનુષ્યનો જન્મ છે. માનવ ભગવાનનાં દર્શન કરી શકે છે. પશુને પોતાના સ્વરૂપનું પણ
ભાન નથી, તો તે પરમાત્માનાં દર્શન તો ક્યાંથી કરી શકે? પરમાત્માનાં દર્શન વિના જીવન સફળ થતું નથી. જે પરમાત્માનાં
દર્શન કરે છે, તેનું જીવન સફળ થાય છે. આ જીવ અનેક વર્ષોથી ભોગ ભોગવતો આવ્યો છે છતાં તેને શાંતિ મળી નથી. તેને શાંતિ
ત્યારે મળે કે જ્યારે જીવને પરમાત્માનાં દર્શન થાય. સ્વર્ગના દેવોને પણ પરમાત્માનાં દર્શન નથી થતા.
ભગવાનના દર્શન કરવાની ઇચ્છા રાખીને સાધના કરશો તો ઘણી શાંતિ મળશે.
મંદિર અને મૂર્તિમાં પરમાત્માનાં દર્શન થાય તે સાધારણ દર્શન છે.
દર્શનના ત્રણ પ્રકારો શાસ્ત્રમાં બતાવ્યા છે.
મનુષ્ય મંદિરમાં પ્રભુદર્શન કરે છે, પણ તેને શાંતિ ક્યાં છે? જેથી એ સિદ્ધ થાય છે કે એ ઉત્તમ નથી.
ઇશ્વરનું અપરોક્ષ દર્શન એ ઉત્તમ દર્શન છે, સ્થાવર, જંગમ અને સર્વ માં પરમાત્માનાં દર્શન કરો. એ ઉત્તમ દર્શન છે.
પરમાત્માને નિત્ય સાથે રાખીને ફરે એ નિર્ભય બને તેમાં શું આશ્ચર્ય? ભીતિ વગર પ્રભુમાં પ્રીતિ થતી નથી. કાળનો ડર
રાખો.
મનુષ્યમાં ઈશ્ર્વર દર્શન તે અસાધારણ, આત્મસ્વરૂપમાં દર્શન તે અપરોક્ષ, પરમાત્માનો અપરોક્ષ સાક્ષાત્કાર જ્યારે
થાય ત્યારે જીવન સફળ થાય છે.
વેદાંતમાં સાક્ષાત્કારના બે પ્રકારો બતાવ્યા છે:-
(૧) પરોક્ષ જ્ઞાન, (૨) અપરોક્ષ જ્ઞાન, ઇશ્વર કોઇક ઠેકાણે છે તેમ માને તે પરોક્ષ સાક્ષાત્કાર છે, ઇશ્વર વિના બીજુ
કાંઈ નથી, ઇશ્વર જ બધું છે. હું પણ ઈશ્વરથી અલગ નથી એ ઇશ્વરનો અપરોક્ષ સાક્ષાત્કાર. જેને હું પોતે બ્રહ્મ છું, એવું જ્ઞાન
થાય તેને સાક્ષાત્કાર થયો તેમ કહેવાય. જોનારો ઈશ્વરને જોતો ઈશ્વરમય બને, ત્યારે ઈશ્વરનો અપરોક્ષ સાક્ષાત્કાર થાય છે.
ઇશ્વરનો સર્વમાં અનુભવ કરતો કરતો જે એકરૂપ બને છે તે જ ઇશ્વરનાં પરિપૂર્ણ સ્વરૂપને જાણી શકે છે અને વેદાંતમાં તેને
અપરોક્ષ સાક્ષાત્કાર કહે છે. બહાર દર્શન કરનારને પ્રભુનો વિયોગ પણ થાય, પણ આત્મસ્વરૂપમાં દર્શન કરનારને કોઈ દિવસ
વિયોગ થતો નથી.
ઇશ્વર જગતમાં અમુક જ ઠેકાણે છે તે જ્ઞાન અપૂર્ણ છે. ઇશ્વર સર્વ વ્યાપક છે, તે એક જ મૂર્તિ કે એક મંદિરમાં જ પ્રત્યક્ષ
રહી શકે નહિ.
મંદિરમાં પ્રભુનાં દર્શન કર્યા પછી જ્ઞાની પુરુષોની જયાં દ્રષ્ટિ જાય ત્યાં ભાગવત સ્વરૂપનો અનુભવ કરે છે. મંદિરમાં
પરમાત્માના દર્શન કરી બહાર આવ્યા પછી મનુષ્યમાં પરમાત્માનાં દર્શન કરો. મન જ્યાં જાય ત્યાં ઇશ્વરનાં દર્શન કરે એ જ
ઈશ્વરનું અસાધારણ દર્શન. જે પરમાત્મા મારામાં છે તે સર્વમાં છે, એ પ્રમાણે સંપૂણ જગત જેને બ્રહ્મરૂપે દેખાય તે જ્ઞાની છે.
સર્વમાં પરમાત્માનો અનુભવ થતાં તેને પોતાના સ્વરૂપમાં પણ પરમાત્માનો અનુભવ થાય છે. પરમાત્માનાં પરોક્ષ દર્શનથી બહુ
લાભ નથી, પણ જીવ જયારે પરમાત્માનાં અપરોક્ષ દર્શન કરે ત્યારે કૃતાર્થ થાય છે. જ્ઞાની પુરુષને પોતાના સ્વરૂપમાં પણ
ભગવાન દેખાય છે. આ જ અદ્વૈત છે. શ્રીકૃષ્ણલીલા એટલા માટે છે કે એ લીલાઓનું ચિંતન કરી ગોપીઓ પોતાના સ્વરૂપમાં
પરમાત્માનો અનુભવ કરે. ગોપીઓને પોતાના સ્વરૂપનું વિસ્મરણ થયું અને બોલે છે હું જ કૃષ્ણ છું. કૃષ્ણનો સર્વમાં અનુભવ થતાં
ગોપીઓ કૃષ્ણમય બની છે. જેને પોતાની અંદર પરમાત્માનાં દર્શન થાય તે જીવ ઇશ્વરમાં મળી જાય છે. પોતાની અંદર જેને
પરમાત્મા દેખાય તે પછી ઇશ્વરથી જુદો રહી શકતો નથી. તે ઇશ્વરમાં મળી જાય છે. આ જ ભાગવતનું ફળ છે.