ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૩૧ જુલાઈ, ૨૦૨૧
શનિવાર
ટોકિયોઑલિમ્પિકમાં એક આશ્ચર્યજનક ઘટના બની. આ સાથે સંબંધિત એક વીડિયો સામે આવ્યો છે, જે તાજેતરમાં સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે. આ વીડિયોમાં રિંગમાં ઊતરતી એક મહિલા જુડો ખેલાડીને તેના જર્મન કોચ થપ્પડ મારતા દેખાય છે. ખરેખર, આ વીડિયોમાં દેખાતી મહિલા ખેલાડી જર્મનીની માર્ટિના ટ્રેડોસ છે અને તે મહિલા જુડોના 32 મૅચના રાઉન્ડ માટે રિંગમાં પ્રવેશ કરવા જઈ રહી છે અને તેના કોચ તેમની બરાબર પાછળ ચાલી રહ્યા છે.
રિંગમાં પ્રવેશતાં પહેલાં તે પાછી વળે છે અને સીધી ઊભી રહે છે. બાદમાં તેના કોચ તેને બંને હાથે બંને ગાલ પર થપ્પડ મારે છે અને તેને ઝંઝોળેછે. આ વીડિયો સોશિયલ મીડિયા પર શૅર થવા લાગ્યો હતો અને લોકોએ તેના પર અલગ-અલગ પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યું હતું. મૅચ બાદ માર્ટિના ટેડ્રોસે તેના ઇન્સ્ટાગ્રામ ઍકાઉન્ટ પર લખ્યું હતું કે કોચે થપ્પડ લગાવવી એ મેચ પહેલાંની વિધિ છે. તેણે લખ્યું હતું કે “મેં આ ધાર્મિક વિધિ મૅચ પહેલાં કરવા માટે કોચને કહ્યું હતું! મારા કોચ મારી ઇચ્છા મુજબ જ તે કરી રહ્યા હતા જેથી હું ઍક્ટિવ રહી શકું."
જોકેમૅચનું પરિણામ તો આનાથી તદ્દન વિપરીત આવ્યું હતું. વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતનાર ટેડ્રોસ હંગેરીની સોફી ઓઝબાસ સામે મૅચ હારી ગઈ હતી.
ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય જુડો ફેડરેશન વતી જર્મનીના જુડો કોચ ક્લાઉડિયો પુસાને આ બાબતે ચેતવણી આપવામાં આવી છે. ઇન્ટરનૅશનલ જુડો ફેડરેશને એક નિવેદનમાં જણાવ્યું હતું કે “IJFએ આ સ્પર્ધા દરમિયાન જર્મન કોચને તેના ખરાબ વર્તન માટે ગંભીર ચેતવણી આપી છે. જુડો એક શૈક્ષણિક રમત છે, તેથી આ પ્રકારનું વર્તન સાંખી લેવાશે નહીં. એ જુડોના નૈતિક નિયમોની વિરુદ્ધ છે.”