ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 04 માર્ચ, 2022,
શુક્રવાર,
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી મેદાનમાં તેની 100મી ટેસ્ટ મેચમાં સેન્ચ્યુરી મારવાના ઈરાદે ઉતરવાનો છે. ભૂતપૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર સહિત અનેક ખેલાડીઓએ વિરાટ કોહલીને શુભેચ્છા આપીને તેને સેન્ચ્યુરી મારવા માટે પોરસ ચઢાવ્યો છે. જોકે તેની સેન્ચ્યુરી જેટલી તેની માટે જરૂરી છે એટલી જ સટ્ટોડિયાઓ માટે પણ જરૂરી હોવાનું કરોડોનો સટ્ટો લેનારાઓનું કહેવું છે.
પોતાની 100મી ટેસ્ટ મેચમાં સેન્ચ્યુરી મારીને વિરાટ કોહલીની યશની કલગીમાં એક ઓર પીછું ઉમેરશે પણ તેની સેન્ચ્યુરીને લઈને સટ્ટાબજારનો માહોલ ગરમ છે. સટ્ટોડિયાઓ તેની સેન્ચ્યુરી પાછળ કરોડો રૂપિયા લગાવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
વિરાટ કોહલી ટેસ્ટ મેચમા 100 રન કરીને સેન્ચ્યુરી પૂરી કરે તેની માટે તેના ચાહકો તો પ્રાર્થના કરી રહ્યા છે પણ સાથે જ દેશ-વિદેશના અનેક સટ્ટોડિયા પણ વિરાટ તેની સેન્ચ્યુરી પૂરી કરે તેની પ્રાર્થના કરી રહ્યા છે. એક બુકીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે વિરાટની સદી પાછળ લાખો નહીં કરોડો રૂપિયા લગાડવામાં આવ્યા છે. સટ્ટોડિયાઓને પૂરો વિશ્વાસ છે કે તે મેચમાં 100 રન પુરા કરીને સદી ફટકારશે. એટલે લોકોએ પણ મોટી સંખ્યામાં સટ્ટો લગાવ્યો છે.