News Continuous Bureau | Mumbai
વિમેન્સ પ્રીમિયર લીગની એલિમિનેટર મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે યુપી વોરિયર્સને 72 રનથી હરાવ્યું. આ જીત સાથે તેણે ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. હવે તેનો મુકાબલો 26 માર્ચે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ સામે થશે. યુપી વોરિયર્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મુંબઈએ 20 ઓવરમાં ચાર વિકેટે 182 રન બનાવ્યા હતા. જવાબમાં યુપીની ટીમ 17.4 ઓવરમાં 110 રનમાં સમેટાઈ ગઈ હતી.
મહત્વનું છે કે નતાલી સીવર બ્રન્ટના અણનમ 72 રન અને ઈસી વોંગની હેટ્રિકને કારણે મુંબઈએ શાનદાર વિજય મેળવ્યો હતો. ઇસી વોંગે ચાર ઓવરમાં 15 રન આપીને ચાર વિકેટ લીધી હતી. મહિલા પ્રીમિયર લીગમાં હેટ્રિક લેનારી તે પ્રથમ ખેલાડી બની હતી. તેણે કિરણ નવગીરે, સિમરન શેખ અને સોફી એક્લેસ્ટોનને આઉટ કરીને હેટ્રિક પૂરી કરી.
યુપી તરફથી કિરણ નવગિરેએ સર્વાધિક 43 રનનો સ્કોર કર્યો હતો, જેમાં ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે. તો દીપ્તિ શર્મા 16, ગ્રેસ હેરિસ 14 અને એલિસા હિલી 11 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. યુપીના 11 બેટ્સમેનમાંથી માત્ર ચાર બેટ્સમેન ડબલ ફિગરને સ્પર્શી શક્યા હતા. મુંબઈની 13મી ઓવરમાં ઈસી વોંગે નવગિરે (43), સિમરન (શૂન્ય) અને એક્લેસ્ટોન (શૂન્ય)ની હેટ્રિક ઝડપીને તરખાટ મચાવ્યો હતો અને મુંબઈ માટે જીતનો તખ્તો તૈયાર કરી લીધો હતો. ઈશાકે બે તથા મેથ્યુઝ અને કલિતાએ એક-એક વિકેટ મેળવી હતી.
આ સમાચાર પણ વાંચો : માસ્ક પહેરો! મહારાષ્ટ્રમાં કોરોનાનો ખતરો વધ્યો, સક્રિય દર્દીઓની સંખ્યા 1700થી વધુ અને એક જ દિવસમાં આટલા લોકોના નિપજ્યા મોત..
એલિમિનેટર મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને યુપી વોરિયર્સ સામે મોટી જીત મળી છે. તેણે આ મેચ 72 રને જીતીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. હવે તે દિલ્હી કેપિટલ્સ સાથે ટકરાશે, જે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. આ જીત સાથે જ દિલ્હી કેપિટલ્સ બાદ મુંબઈ ઈન્ડિયન્સ ફાઈનલમાં પહોંચનારી બીજી ટીમ બની છે.
આ મેચ 26 માર્ચે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે. જોકે આ મેચ પહેલા વુમન્સ પ્રીમિયર લીગની ક્લોઝિંગ સેરેમની યોજાશે. ઘણા કલાકારો આમાં પરફોર્મ કરતા જોવા મળશે. ક્લોઝિંગ સેરેમની સાંજે 6 વાગ્યાથી શરૂ થઈ શકે છે. આ ક્લોઝિંગ સેરેમનીમાં તમન્ના ભાટિયા, દીપિકા પાદુકોણ જેવી મોટી અભિનેત્રીઓ પરફોર્મ કરી શકે છે. જો કે, આ વિશે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.