ગુજરાત ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી અમલી બન્યા બાદ રાજ્યમાં ઈલેક્ટ્રિક વ્હીકલની સંખ્યામાં 1475 ટકાનો ઉછાળો

by kalpana Verat
1475 percent increase in the number of electric vehicles in gujarat

 News Continuous Bureau | Mumbai

• છેલ્લા 2 વર્ષમાં રજીસ્ટર્ડ EVની સંખ્યા 1,18,086 સુધી પહોંચી
• સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ અને જામનગરમાં સૌથી વધુ EV રજીસ્ટર થયા
• આગામી સમયમાં 250 નવા પબ્લિક ચાર્જિંગ સ્ટેશન બનાવવાનો લક્ષ્યાંક

 આજે ઇલેક્ટ્રિક વાહનોની લોકપ્રિયતા ખૂબ ઝડપથી વધી રહી છે. વાહનોથી થતું કાર્બન ઉત્સર્જન, ગ્લોબલ વોર્મિંગ અંગે વધી રહેલા જાગૃતિ, ઉત્સર્જન અંગેના કડક માપદંડ અને સરકાર દ્વારા મળતા પ્રોત્સાહનના કારણે ઇલેક્ટ્રિક વાહનોની ખરીદીમાં વધારો થઇ રહ્યો છે. ગુજરાતને ઇલેક્ટ્રિક વ્હીકલ અને તેને આનુષંગિક સાધન-સામગ્રીનું મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાના ઉદ્દેશથી રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2021માં ઇ-વ્હીકલ પોલિસી જાહેર કરવામાં આવી હતી. આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ઇ-વ્હીકલ (EV)ની દિશામાં ગુજરાત સતત આગળ વધી રહ્યું છે.

ગુજરાતમાં ઇ-વ્હીકલ પોલિસી અમલી થયા બાદ EVના રજિસ્ટ્રેશનમાં 1475 ટકાનો જંગી ઉછાળો જોવા મળ્યો છે. રાજ્યમાં આજે રજીસ્ટર્ડ ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યા 1,18,086 સુધી પહોંચી છે, જે અગાઉ માત્ર 7240 હતી.

છેલ્લા પાંચ મહિનામાં દર મહિને 8,858 ઇલેક્ટ્રિક વાહનોની નોંધણી કરવામાં આવી છે. ગુજરાતમાં સૌથી વધુ 31,561 ઈલેક્ટ્રીક વાહનો સુરતમાં નોંધાયા છે. તે પછી, અમદાવાદમાં 20,937, વડોદરામાં 7,648, રાજકોટમાં 6,678 અને જામનગરમાં 3,259 EV નોંધાયા છે. ગુજરાતમાં નોંધાયેલા કુલ 1,18,086 ઇ-વ્હીકલમાંથી 1,06,341 ટુ વ્હીલર, 4039 થ્રી વ્હીલર્સ અને 5646 ફોર વ્હીલર્સ છે અને બાકીના 2006 અન્ય કેટેગરીમાં આવતા ઈલેક્ટ્રીક વાહનો છે.

આ સમાચાર પણ વાંચો:  માતૃભાષાના માધ્યમમાં ભણનાર વિદ્યાર્થીઓનું અંગ્રેજી ભાષા પર જબરજસ્ત પ્રભુત્વ, સિદ્ધ કરી બતાવ્યું આ તેજસ્વી તારલાઓએ.

રાજ્ય સરકાર ઈલેક્ટ્રિક વાહનોના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર પણ વિશેષ ધ્યાન આપી રહી છે. ગુજરાતના અલગ-અલગ શહેરોમાં ઝડપથી EV ચાર્જિંગ સ્ટેશનો બનાવવામાં આવી રહ્યા છે. હાલ રાજ્યમાં કુલ 152 ચાર્જિંગ સ્ટેશન છે. આગામી સમયમાં 250 નવા પબ્લિક ચાર્જિંગ સ્ટેશન બનાવવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં છે. સરકાર દ્વારા રાજ્યના દરેક વિસ્તારમાં સમાન ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવા અને ચાર્જિંગ સ્ટેશન સાઈટ પસંદગીની પ્રક્રિયાને સરળ બનાવવા માટે BISAG-N સાથે મળીને ઝોન/હોટસ્પોટ ડિઝાઇન કરવામાં આવ્યા છે. તેના અનુસાર મ્યુનિસિપલ કોર્પોરેશનના વિસ્તારમાં 91, મ્યુનિસિપાલિટી અંતર્ગત આવતા વિસ્તારોમાં 48, રાજ્ય ધોરીમાર્ગો/રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર 96 હોટસ્પોટ અને પ્રવાસન સ્થળો પર 15 હોટસ્પોટની પસંદગી કરવામાં આવી છે.

રાજ્ય સરકાર લોકોને ઈલેક્ટ્રિક વાહનોના ઉપયોગ અંગે ખૂબ જ જાગૃત કરી રહી છે. વર્ષ 2021માં લાગુ કરવામાં આવેલ આ પોલિસી અંતર્ગત ટુ-વ્હીલર પર મહત્તમ રૂ.20,000, થ્રી-વ્હીલર પર મહત્તમ રૂ.50,000 અને ફોર વ્હીલર ઇલેક્ટ્રિક વાહનો પર મહત્તમ રૂ.1,50,000ની સબસીડી આપવામાં આવે છે. અત્યાર સુધીમાં રાજ્ય સરકાર દ્વારા રૂ.133.83 કરોડની સબસીડી ચૂકવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ પોલિસી ચાર વર્ષના સમયગાળા માટે કાર્યરત રહેશે, જે અંતર્ગત કુલ બે લાખ ઇલેક્ટ્રિક વાહનો પર સબસીડી આપવામાં આવશે.

ઈલેક્ટ્રિક વ્હિકલ પોલીસી એ ગુજરાતની નીતિ અને ગ્રીન ગ્રોથ વ્યૂહરચનાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. ગ્રીન ગ્રોથ દેશમાં હરિયાળી ઔદ્યોગિક અને આર્થિક પરિવર્તન સાથે જોડાયેલ છે. ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જન અને વાયુ પ્રદૂષણમાં ઘટાડો કરીને ગ્રીન ગ્રોથ ચલાવવામાં ઇલેક્ટ્રિક વાહનો (EVs) મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. ઈલેક્ટ્રીક વ્હિકલ આબોહવા પરિવર્તન સામે લડવામાં અને પ્રદુષણમાં ઘટાડો કરવામાં મદદ કરે છે. વધુમાં, Evsના કારણે રોજગાર સર્જન પણ થાય છે. ગુજરાત અશ્મિભૂત ઇંધણ પર નિર્ભરતા ઘટાડીને પરિવહન ઉર્જા સ્ત્રોતોમાં વૈવિધ્યીકરણ કરી ટકાઉ ભવિષ્યમાં ફાળો આપી રહ્યુ છે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More