ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 5 ઑગસ્ટ, 2021
ગુરુવાર
કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીરને ખાસ દરજ્જો આપતી 370ની કલમ રદ કરી એને આજે બે વર્ષ થયાં છે. આ કલમ દૂર થતાં કેન્દ્ર સરકારના કાયદા અને લોકકલ્યાણની વિવિધ યોજનાઓ કાશ્મીરમાં અમલમાં આવી શકી છે. એટલું જ નહીં 370 રદ થયા બાદ આ ક્ષેત્રમાં વધુ મૂડીરોકાણ આકર્ષી શકાયું છે, જેના લીધે આ ક્ષેત્રના સર્વાંગી વિકાસનો માર્ગ મોકળો બન્યો છે. 370ની કલમ રદ કરાયા બાદ રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશો – લદ્દાખ અને જમ્મુ કાશ્મીરમાં વહેંચી દેવામાં આવ્યું. સંવિધાનના આ ભાગોના કારણે જમ્મુ-કાશ્મીરને ખાસ દરજ્જો મળ્યો હતો અને પોતાના મૂળ નિવાસી નિયમ બનાવવાનો અધિકાર હતો. જોકે બે વર્ષ બાદ પણ અહીં રાજકીય ઊથલપાથલ ચાલુ જ છે. અનેક રાજકીય પાર્ટીઓ જમ્મુ-કાશ્મીરને ફરી રાજ્યનો દરજ્જો અપાવવા માટે કામ કરી રહી છે.
ચાલો તો જાણીએ કે કલમ 370 નાબૂદી બાદ શું ફેરફાર થયા છે.
- આતંકવાદનો સામનો કરી રહેલા રાજ્યમાંથી કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યા બાદ જમ્મુ-કાશ્મીર હવે શાંતિ-વિકાસના માર્ગ પર આગળ વધી રહ્યું છે. કાશ્મીર ઘાટીનો ચોતરફ વિકાસ થઈ રહ્યો હોવાની વાત થઈ રહી છે. હવે યુવાનો ધરતીનું સ્વર્ગ કહેવાતા કાશ્મીરનો વિકાસ ઇચ્છે છે અને તેઓ વાકેફ છે કે દેશવિરોધી લોકો તેમનો ઉપયોગ કરતા હતા, જે હવે થવા દેશે નહીં. કાશ્મીરી યુવાનો ભારતીય સેનામાં ભરતી થઈને દેશસેવા કરવા માગે છે.
- કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં પથ્થરબાજીની ઘટનામાં ઘણો ઘટાડો થયો છે. વર્ષ 2019માં પથ્થરની 1,999 ઘટના બની હતી, જ્યારે 2020માં 255 વખત પથ્થરબાજીની ઘટના બની હતી. આ વર્ષે 2 મેના રોજ પુલવામાના ડાગરપોરામાં અથડામણ સમયે આતંકવાદીઓને બચાવવા માટે લોકોએ પથ્થરબાજી કરી હતી. ત્યાર બાદ બારપોરામાં 12 મેના રોજ પણ પથ્થરમારાની ઘટના બની હતી. આ સિવાય 2021માં પથ્થરબાજીની કોઈ ઘટના બની નથી. આ અગાઉ વર્ષ 2018 અને 2017માં પથ્થરબાજીની 1,458 અને 1,412 ઘટના બની હતી.
- કલમ 370ના અનુસંધાનમાં પહેલાં જમ્મુ-કાશ્મીરની બહારના લોકો અહીંયાં જમીન કે મિલકત ખરીદી કરી શકતા ન હતા, પરંતુ કલમ 370 નાબૂદી બાદ હવે બહારના લોકો પણ જમીન ખરીદી શકે છે. ગત વર્ષે ઑક્ટોબરમાં કેન્દ્ર સરકારે અન્ય રાજ્યોમાં રહેનારા લોકો માટે પણ જમ્મુ-કાશ્મીરમાં જમીન ખરીદવાનો રસ્તો તૈયાર કરી દીધો હતો. સરકાર તરફથી કેન્દ્ર શાસિત પ્રદેશમાં જમીન વિક્રયથી જોડાયેલા જમ્મુ-કાશ્મીર વિકાસ અધિનિયમની કલમ 17થી એ વાક્ય હટાવી દીધું હતું, જેમાં રાજ્યના સ્થાયી રહેવાસીની વાત કરવામાં આવી હતી. જોકે આ ફેરફાર બાદ પણ કેટલાક મામલાઓને બાદ કરતાં સરકારે કૃષિ જમીનને બિનખેડૂતોને આપવાની મંજૂરી નથી આપી.
- હવેથી સ્થાનિક મહિલાઓના પતિ પણ અહીંના મૂળ નિવાસી બની શકશે. જુલાઈમાં થયેલા નિયમોમાં ફેરફાર બાદ જમ્મુ-કાશ્મીરના બહાર અન્ય રાજ્યોમાં લગ્ન કરનારી મહિલાઓના પતિ પણ મૂળ નિવાસી પ્રમાણપત્ર પ્રાપ્ત કરી શકશે. એને કારણે તેઓ ત્યાંની સંપત્તિ પણ ખરીદી શકશે કે સરકારી નોકરીઓ માટે અરજી કરી શકશે. કેન્દ્ર શાસિત પ્રદેશમાં 15 વર્ષ સુધી રહેનારા કે સાત વર્ષ સુધી અભ્યાસ કરનારા અને ક્ષેત્રની ધોરણ-10 કે ધોરણ-12 બોર્ડ પરીક્ષામાં સામેલ થનારા લોકો અને તેમનાં બાળકો પણ મૂળ નિવાસીનો દરજ્જો પ્રાપ્ત કરી શકશે.
- ગત 31 જુલાઈએ જાહેર આદેશ બાદ પથ્થરબાજો પાસપૉર્ટ અને સરકારી સેવાઓનો લાભ નહીં લઈ શકે. જમ્મુ-કાશ્મીર પોલીસની CID વિંગે પથ્થરબાજી કે વિધ્વંસમાં સામેલ લોકોને પાસપૉર્ટ અને સરકારી સેવાઓ માટે સિક્યુરિટી ક્લિયરન્સ આપવાની મનાઈ કરી દીધી છે.
- કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી પૅકેજ અંતર્ગત 2015માં 6,000 ટ્રાન્ઝિટ આવાસ અને 6,000 નોકરીઓ સ્વીકૃત કરી હતી. આ માટે 920 કરોડ રૂપિયાની રકમ મંજૂર કરવામાં આવી હતી. ઉપરાંત પર્યટન વિભાગે શ્રીનગરના હનુમાન મંદિર સહિતનાં અન્ય હિંદુ ધર્મસ્થળોની દશા સુધારવા માટે પણ પ્રયત્નો શરૂ કરી દીધા છે.