News Continuous Bureau | Mumbai
પર્યાવરણનું જતન અને સંવર્ધન થાય, જનમાનસમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતતા વધે અને સૌ કોઈ પર્યાવરણ સુરક્ષાના કાર્યમાં સહભાગી બને તે હેતુથી તા.૫મી જૂનની “વિશ્વ પર્યાવરણ દિન” તરીકે ઉજવણી કરવામાં આવે છે. ૧૯૭૨થી સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા વિશ્વભરમાં “પર્યાવરણ દિન”ની ઉજવણી થાય છે.
સુરત શહેર દેશના સૌથી ઝડપી વિકસતા શહેર તરીકે નામના ધરાવે છે, ત્યારે મહાનગરપાલિકા શહેરી વિકાસની સાથે પર્યાવરણનું જતન અને સંવર્ધનના હેતુથી વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર થાય તેવા સરાહનીય પ્રયાસો કરી રહી છે. પર્યાવરણ જાળવણી, લિવેબલ સિટીના લક્ષ્યને સાધવા અને નિવાસીઓને સંસ્કારી અને ઉર્જાવાન બનાવવા વિવિધ રંગી પુષ્પો અને વૃક્ષો મહત્વનો ભાગ ભજવે છે. જનહિતાર્થે સુરત મહાનગરપાલિકા દ્વારા પર્યાવરણ શુધ્ધિકરણના હેતુથી બાગો, તળાવો, બીઆરટીએસ રૂટો, રોડ ડિવાઈડરો, રોડ સાઈડો, ખુલ્લા પ્લોટો, ડ્રેનેજ પંપીંગ સ્ટશનો, હેલ્થ સેન્ટર, વોટર વર્કસ, ઓક્સિજન પાર્ક, ઓક્સિજન કોર્નર, અશોકવન અને જાહેર મિલ્કતોમાં પણ મોટા પાયે વૃક્ષારોપણ કરવામાં આવે છે.

શહેરમાં નગરજનોના હરવા ફરવા, મનોરંજન તેમજ સ્વાસ્થ્ય સેવા અર્થે હાલમાં કુલ ૧૩૬ બાગો, ૨૯ લેક ગાર્ડન અને ૭૭ શાંતિવન/શાંતિકુંજ મળી કુલ ૨૪૨ બાગબગીચાઓ વિકસાવવામાં આવ્યા છે.
સુરત મનપા દ્વારા સુરત શહેરમાં મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ, મ્યુ.સભ્યશ્રીઓ, પર્યાવરણ/વૃક્ષપ્રેમીઓ, અધિકારી/કર્મચારીઓ તેમજ શહેરના નગરજનો/એન.જી.ઓ./કલબ વિગેરેના સહિયારા ઘનિષ્ઠ પ્રયાસોથી સુરત શહેર વધુમાં વધુ હરિયાળુ થાય તે માટે દર વર્ષે જુદા જુદા વિસ્તારોમાં વૃક્ષારોપણ કરવામાં આવે છે. પાલિકાને પ્રાપ્ત ટ્રી પ્લાન્ટેશન રિકવેસ્ટ અંતર્ગત જરૂરી વૃક્ષો, રોપાઓ પાલિકાની નર્સરીમાંથી તેમજ અન્ય નર્સરીઓમાંથી મેળવી ઝોનવાઈઝ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સ્કીમ અંતર્ગત વડ, પીપળો, લીમડો, કણજી, કાયજેલીયા, ગરમાળો, બોરસલ્લી, મહોગુની, સપ્તપર્ણી, કંચનાર, તબુબીયા રોઝીયા, કદમ, આસોપાલવ, પેન્ડયુલા, ગલતોરા, કેલીએન્દ્રા, કોડરીયા, ટેકોમા, પારસ, જાસુદ, ટગર જેવી જાતના રોપાઓનું પ્લાન્ટેશન મોટાપાયે કરવામાં આવે છે.
આ સમાચાર પણ વાંચો: મણિપુર હિંસા : ગૌહાટી હાઈકોર્ટના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતામાં આટલા સભ્યોના તપાસ પંચની રચના
સુરત મહાનગરપાલિકા દ્વારા પુણાથી સીમાડા બી.આર.ટી.એસ. કેનાલ રૂટ પર કદંબ વૃક્ષોનું મોટાપાયે રોપણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રોડની આજુબાજુ મોટા પાયે પ્લાન્ટેશન કરીને શહેરને હરિયાળું બનાવવા માટે મહાનગરપાલિકા કાર્યરત છે. છેલ્લા પાંચ વર્ષમાં વૃક્ષોનું પ્લાન્ટેશન તથા વિનામૂલ્યે રોપાઓના વિતરણ અંગેની વિગતો જોઈએ તો વર્ષ ૨૦૧૮-૧૯માં ૨.૩૮ લાખ, વર્ષ ૨૦૧૯-૨૦માં ૬.૯૮ લાખ, વર્ષ ૨૦૨૦-૨૧માં ૩.૩૩ લાખ, વર્ષ ૨૦૨૧-૨૨માં ૧.૪૮ લાખ તથા ૨૦૨૨-૨૩ના વર્ષમાં ૧.૧૦ લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.
આમ, છેલ્લા પાંચ વર્ષમાં ૯.૫૭ લાખનું પ્લાન્ટેશન તથા ૫.૭૦ લાખનું વિનામૂલ્યે વિતરણ મળી કુલ ૧૫.૨૮ વૃક્ષોનું નાગરિકોના સહિયારા પ્રયાસોથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. વર્તમાન વર્ષે પણ અંદાજે ૫.૦૦ લાખ થી વધુ રોપાઓના વાવેતરનું આયોજન છે. જેમાં ત્રણ લાખ વૃક્ષો શહેરીજનોને વિનામૂલ્યે વિતરણ જયારે બે લાખ વૃક્ષોનું વિવિધ વિસ્તારોમાં પ્લાન્ટેશન કરવામાં આવશે.

મહાનગરપાલિકા દ્વારા રૂા.૧૩૯ કરોડના ખર્ચે અલથાણ ખાતે ૮૭ હેકટરમાં એશિયાના સૌથી મોટા બાયોડાયવર્સિટી પાર્કનું નિર્માણ થઈ રહ્યું છે, જેમાં ૮૫ પ્રકારના છ લાખ વૃક્ષોથી અર્બન ફોરેસ્ટ બનશે. આ પાર્કમાં ૧૩ કિમીનો વોકિંગ ટ્રેક તથા નવ કિમીનો સાયકલ ટ્રેક લોકોને મળશે. શહેરમાં રહેતા લોકોને આ પાર્ક એક અર્બન ફોરેસ્ટ જેવો આહલાદક અનુભવ કરાવશે. આ ઉપરાંત શહેરીજનો માટે વડ, પીપળા, લીમડા, એરીકા પામ, સ્નેશ પ્લાન્ટ, રામ તુલસી જેવા વધુને વધુ ઓકિસજન આપતા વૃક્ષોનું વાવેતર કરીને ઓકિસજન પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે. ભીમરાડ ખાતે ૭૭૬૮ જેટલા વૃક્ષો તથા ઉત્રાણ ખાતે ૪૮૫૪ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.
મહાનગરપાલિકામાં ૨૦૨૦-૨૧ દરમિયાન સાત ઝોન વાઈઝ ગ્રીન કવર તથા ટ્રી કવરની વિગતો જોઈએ તો, સેન્ટ્રલ ઝોનમાં કુલ વિસ્તારમાં ૧૪.૩૦ ટકા ગ્રીન કવર તથા ૧૨.૧૭ ટકા ટ્રી કવર હતું. સાઉથ વેસ્ટમાં ૩૯.૨૩ ટકા ગ્રીન કવર તથા ૧૮.૩૯ ટકા ટ્રી કવર, સાઉથ ઝોનમાં ૩૯.૫૭ ટકા ગ્રીન કવર તથા ૨૧.૧૮ ટકા ટ્રી કવર, સાઉથ ઈસ્ટ ઝોનમાં ૨૩.૯૪ ટકા ગ્રીન કવર તથા ૧૫.૮૪ ટકા ટ્રી કવર, ઈસ્ટ ઝોનમાં ૨૯.૧૮ ટકા ગ્રીન કવર તથા ૧૫.૫૬ ટકા ટ્રી કવર, નોર્થ ઝોનમાં ૩૮.૯૧ ટકા ગ્રીન કવર તથા ૨૧.૮૦ ટકા ટ્રી કવર, વેસ્ટ ઝોનમાં ૫૦.૩૪ ટકા ગ્રીન કવર તથા ૧૫.૮૪ ટકા ટ્રી કવર એમ સાતેય ઝોનમાં ૩૮.૩૧ ટકા ગ્રીન કવર તથા ૧૮.૨૬ ટકા ટ્રી કવર જોવા મળે છે.
તા.૫મી જુન વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે નોર્થ ઝોન, લાલ દરવાજા ખાતે આવેલ ગાર્ડનમાં મિયાવાકી પધ્ધતિથી આશરે ૫૦૦ ચો.મી. વિસ્તારમાં વિવિધ ૧૦૦ પ્રકારના ૨૫૦૦ વૃક્ષોનું પ્લાન્ટેશન કરવામાં આવનાર છે. આગામી તા.૫મી જુનથી ૧૫મી સપ્ટેમ્બર દરમિયાન જનભાગીદારીથી વૃક્ષારોપણ અભિયાન હેઠળ ટ્રી પ્લાન્ટેશન રિકવેસ્ટ વેબ એપ્લીકેશન/મોબાઈલ રજિસ્ટ્રેશનનો પણ શુભારંભ કરવામાં આવશે.