ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 ફેબ્રુઆરી 2022
શુક્રવાર.
મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે. મહાવિકાસ આઘાડીના પક્ષોમાં કોંગ્રેસ પાલિકાની ચૂંટણી એકલા હાથે લડવાની વાતો કરી રહી છે, તો શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસે સત્તાવાર રીતે સાથે લડવા બાબતે હજી સુધી તો કોઈ ચોખવટ કરી નથી. પરંતુ શુક્રવારે વહેલી સવારના રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર સાથે પર્યાવરણ પ્રધાન અને શિવસેનાના યુવા નેતા આદિત્ય ઠાકરે બંને એક જ કારમાં વરલીની મુલાકાતે ગયા હતા ત્યારબાદ દાદરમાં ચૈત્યભૂમિ નજીક નિરીક્ષણ માટે ગયા હતા. બંને નેતાઓની વહેલી સવારની મુલાકાત રાજકીય સ્તરે ચર્ચાનો વિષય બની રહ્યો હતો.
મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી ભાજપની સાથે જ શિવસેના, રાષ્ટ્રવાદી અને કોંગ્રેસ માટે અત્યંત મહત્વની બની રહેવાની છે. કોંગ્રેસને પોતાનું ભુસાઈ રહેલું અસ્તિત્વ ટકાવી રાખવું છે. તો ભાજપને શિવસેના પાસેથી પાલિકાની સત્તા કબજે કરી લેવી છે. તો શિવસેના મુંબઈ મહાનગરપાલિકા પર પોતાનું એકહથ્થુ શાસન ખોવા માગતી નથી. જયારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ માટે મુંબઈમાં જેટલી ટિકિટ મળે એ ચાલી રહે એવી પરિસ્થિતિ છે. એવામાં અજિત પવાર અને આદિત્ય ઠાકરે બંને સવારે સાથે વરલી પહોંચ્યા હતા અને વિકાસ કાર્યનો અહેવાલ લીધો હતો. આદિત્ય ઠાકરે વરલીના વિધાનસભ્ય છે. આદિત્ય ઠાકરે પોતે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારને પોતાની કારમાં લીધા હતા અને પોતાની કાર જાતે હંકારી હતી.
મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીને પગલે છેલ્લા થોડા દિવસથી શિવસેનાએ એકપછી એક પ્રોજેક્ટના ઉદઘાટન કરી રહી છે, જેમાં આદિત્ય ઠાકરેએ 'ચલો મુંબઈ આગળ વધીએ'નો નારો પણ આપી દીધો છે. આ પૃષ્ઠભૂમિમાં પવાર-ઠાકરેની મુલાકાતથી શિવસેના-રાષ્ટ્રવાદી સાથે ચૂંટણી લડશે એવી ચર્ચા રાજકીય વર્તુળોમાં શરૂ થઈ છે.