ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 ઑગસ્ટ, 2021
સોમવાર
મુંબઈમાં 15મી ઑગસ્ટથી કોવિડ-19ની વેક્સિનના બંને ડોઝ લીધા હોય તેમને પ્રવાસ કરવાની મંજૂરી આપવાની જાહેરાત મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કરી છે. જોકે તેમની આ જાહેરાતથી હવે વેક્સિનેશન સેન્ટરમાં મોટી સંખ્યામાં ધસારો થવાની શક્યતા છે. વેક્સિનની અછતને પગલે વેક્સિનની કાળાબજારી થવાની શક્યતા પણ નકારી શકાતી નથી.
બાપરે! આ રાજ્યમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટ્સ કેસમાં થયો આટલો વધારો; જાણો વિગત
મુખ્ય પ્રધાને લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવા માટે શરતી મંજૂરી આપી છે. એમાં વેક્સિના બંને ડોઝ લીધા હોય તેઓ પ્રવાસ કરી શકશે, તો વેક્સિનનો બીજો ડોઝ લેવાના 14 દિવસ બાદ પણ લોકલમાં પ્રવાસ કરી શકાશે. સરકારની આ જાહેરાતને પગલે જોકે વેક્સિનેશન સેન્ટરમાં રાતોરાત વેક્સિન લેવા માટે લોકોનાં ધાડાં ઊતરી પડવાનાં છે.
મુંબઈ સહિત રાજ્યમાં વેક્સિનની અછતનું કારણ આપી મોટા ભાગના દિવસે વેક્સિનેશન સેન્ટર બંધ હોય છે. અઠવાડિયાના અમુક દિવસે વેક્સિનેશન બંધ હોય છે. એથી પહેલાંથી વેક્સિનેશન સેન્ટર પર મોટા પ્રમાણમાં ભીડ થતી હોય છે. હવે સરકારે લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવા માટે વેક્સિનની શરત રાખી છે. એથી વધુ ને વધુ લોકો વેક્સિન લેવા માટે દોડવાના છે. એથી મુંબઈમાં વેક્સિનની કાળાબજારી થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. જોકે મુંબઈ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીએ આ વાતને ફગાવી દેતાં કહ્યું હતું કે મુંબઈ પાસે પૂરતા પ્રમાણમાં સમયાંતરે વેક્સિનનો સ્ટૉક ઉપલબ્ધ થતો હોય છે. ખાનગી સેન્ટરમાં પણ વેક્સિન ઉપલબ્ધ હોય છે તેમ જ મુંબઈમાં અત્યાર સુધી 78,18,449 લોકોને વેક્સિનના ડોઝ મળી ચૂક્યા છે. જેમાં બંને ડોઝ લેનારાની સંખ્યા 19 લાખથી પણ વધુ છે, જ્યારે લગભગ 57 લાખ લોકોએ વેક્સિનનો પહેલો ડોઝ લઈ લીધો છે. એથી વેક્સિનની કાળાબજારી થવાની શક્યતા નથી. પાલિકાની વિજિલન્સ ટીમની નજર પણ એના પર રહેલી છે.