ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 28, સપ્ટેમ્બર 2021
મંગળવાર
રાજકરણમાં કંઈ પણ અશક્ય નથી હોતું. કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષ એકબીજાના કટ્ટર રાજકીય દુશ્મન ગણાય છે. પરંતુ મહારાષ્ટ્રમાં ભાજપે રાજયસભાની બેઠકને લઈને સમર્થન આપ્યું છે. મહારાષ્ટ્રના કોંગ્રેસના રાજયસભાના સાંસદ રાજીવ સાતવના નિધન બાદ તેમની બેઠક ખાલી પડી છે. આ બેઠક માટે પેટાચૂંટણી થઈ રહી છે. ત્યારે ભાજપે આ બેઠક માટે ઉમેદવાર આપવો નહીં અને આ ચૂંટણી બિનવિરોધ થાય એવી અપેક્ષા કોંગ્રેસે રાખી હતી. મહારાષ્ટ્રના કોંગ્રેસના અગ્રણી નેતાઓએ આ માગણી સાથે રાજયના વિરોધપક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસની મુલાકાત લીધી હતી. ભાજપના પક્ષઅગ્રણીઓએ કોંગ્રેસની આ માગણીને માન્ય રાખી હતી. તેથી રાજયસભાની ચૂંટણીમાં કોંગ્રેસને આડેથી વિઘ્ન દૂર થયું છે.
ભાજપના નેતા કિરીટ સૌમૈયા પર વાશીમમાં હુમલો કરનારા માસ્ટર માઈન્ડની ED એ કરી ધરપકડ; જાણો વિગત
રાજયસભાની પેટાચૂંટણીની જાહેરાત સાથે કોંગ્રેસે રજની પાટીલને ઉમેદવારી આપી હતી. તો તેમની સામે ભાજપે સંજય ઉપાધ્યાયને ઉમેદવારી જાહેર કરી હતી. તેથી કોંગ્રેસ માટે ચૂંટણીમાં સ્પર્ધા નિર્માણ થઈ હતી. કોંગ્રેસના પક્ષના અગ્રણી નેતાઓ આ ચૂંટણી બિનવિરોધ થાય એવો પ્રયાસ કરી રહ્યા હતા. છેવટે કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ નાના પટોલે અને મહેસુલ મંત્રી બાળાસાહેબ થોરાતે આ બાબતે દેવેન્દ્ર ફડણવીસની મુલાકાત લઈને રજૂઆત કરી હતી. ભાજપે ઉમેદવારી પાછી ખેંચવાની તૈયારી દર્શાવી હતી અને સંજય ઉપાધ્યાયે ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી.