News Continuous Bureau | Mumbai
વર્ષો જૂના સાથીને છોડીને મહારાષ્ટ્રમાં રાષ્ટ્રવાદી અને કોંગ્રેસ સાથે મળીને શિવસેના મહાવિકાસ આઘાડીની સરકાર ચલાવી રહી છે. મહાવિકાસ આઘાડીની સરકારને તોડી પાડીને સત્તા સ્થાપવાના ભાજપે અનેક પ્રયાસ કર્યા છે. પરંતુ કોઈ પણ હિસાબે ભાજપ સફળ થઈ નથી. તેથી હવે મહારાષ્ટ્રની સત્તા હાંસિલ કરવા માટે ભાજપે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીના હાથમાં મહારાષ્ટ્રની કમાન સોંપવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે.
શિવસેનાએ 2019મા ભાજપ સાથે યુતિ કરીને વિધાનસભાની ચૂંટણી લડી હતી. ચૂંટણી બાદ મુખ્ય પ્રધાનના પદને લઈને ભાજપ અને શિવસેના વચ્ચે વિવાદ થયો હતો. છેવટે ભાજપ સાથે છેડો ફાડીને શિવસેનાએ રાષ્ટ્રવાદી કોંગ્રેસ અને કોંગ્રેસ સાથે આઘાડી સરકાર રચી હતી. રાજ્યમાં વધુ સીટ મેળવ્યા બાદ પણ ભાજપને સત્તાથી દૂર રહેવું પડ્યું છે, જે વાત બે વર્ષ બાદ પણ ભાજપને હજમ થઈ નથી. યેનકેન પ્રકરણે અને શિવસેનાના નેતાઓ તેમ જ રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતાઓ અને પ્રધાનોના કૌભાંડ બહાર કાઢીને સરકારને તોડવાના પણ ભાજપના પ્રયાસ સફળ થયા નથી.
મહારાષ્ટ્રમાં અનેક સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ભાજપને નિષ્ફળતા હાથ લાગી છે. તેથી છેવટે રાજ્યના ભાજપના જયેષ્ઠ અને અનુભવી નેતા નીતિન ગડકરીને મહારાષ્ટ્રમાં ફરી રાજ્ય સ્તરે સક્રિય કરવામાં આવી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
આ સમાચાર પણ વાંચો : 'સ્કુલમાં બોમ્બ પ્લાન્ટ છે', પરીક્ષા દરમ્યાન બેંગલોરની આટલી સ્કૂલોમાં આવ્યો ધમકી ભર્યો ઈમેલ, મચ્યો હડકંપ
બે દિવસ પહેલા શરદ પવારના દિલ્હીના ઘરમાં મહારાષ્ટ્રના સાંસદ અને ધારાસભ્યો હાજર રહ્યા હતા, જેમાં કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીની હાજરીથી સૌ કોઈના ભવા ઊંચકાયા હતા. આ ડિનર ડિપ્લોસીના થોડા કલાક અગાઉ જ શિવસેના સાંસદ સંજય રાઉતની માલમત્તા ઈડીએ જપ્ત કરી હતી અને ડિનરમાં નિતીન ગડકરી અને સંજય રાઉત બાજુ બાજુમાં બેઠા હોવાનું કહેવાય છે. આ અગાઉ થોડા દિવસ પહેલા નીતિન ગડકરીએ મુંબઈમાં મનસે નેતા રાજ ઠાકરેની પણ મુલાકાત લીધી હતી.