ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25, સપ્ટેમ્બર 2021
શનિવાર.
મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડી સરકારના પ્રધાનોના એક પછી એક કૌભાંડ ભાજપના નેતા કિરીટ સોમૈયા બહાર પાડી રહ્યા છે. તેથી શિવસેનાના નેતાઓ ઉશ્કેરાઈ ગયા છે. શિવસેના નેતા અને પરિવહન પ્રધાન અનિલ પરબ સહિત ગ્રામીણ વિકાસ પ્રધાન હસન મુશ્રીફ વગેરે નેતાઓએ કિરીટ સોમૈયા સામે કોર્ટમાં માનહાનીના દાવા પણ કર્યા છે. જેની કિંમત લગભગ 550 કરોડ રૂપિયાની આસપાસ થઈ ગઈ છે. તે મુદ્દા પર કિરીટ સોમૈયાએ સંજય રાઉત અને ઠાકરે સરકાર પર કટાક્ષ કરતા કહ્યુ હતુ કે , 'શિવસેના નેતા સંજય રાઉતે ભાજપના ચંદ્રકાંત પાટીલના વિરોધમાં 1.25 રૂપિયાનો માનહાનીનો કેસ દાખલ કર્યો હતો, કારણકે તેમનું મૂલ્ય જ એટલું છે. જયારે ઠાકરે સરકારના નેતાઓ મારા વિરુદ્ધમાં બદનામીના 550 કરોડ રૂપિયાના દાવા કરી રહ્યા છે.' એનો અર્થ એવો થાય કે કિરીટ સોમૈયાનું મુલ્ય 550 કરોડ રૂપિયાનું છે.
અહીં ઉલ્લેખનીય છે કે શિવસેનાના સાંસદ સંજય રાઉતના પત્ની પર પીએમસી બેન્કના કૌભાંડના આરોપ સંદર્ભમાં ભાજપના મહારાષ્ટ્ર પ્રદેશાધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે ઉલ્લેખ કર્યો હતો. તેનાથી સંજય રાઉત નારાજ થયા હતા અને તેમણે પાટીલને કાયદેસરની નોટિસ મોકલવાની જાહેરાત કરી છે. એટલું જ નહીં, પણ પાટીલ વિરુદ્ધ સંજય રાઉતે માનહાનીનો દાવો કરવાની પણ જાહેરાત કરી છે તે પણ ફક્ત સવા રૂપિયાનો. તેથી આ પ્રકરણનું ઉદાહરણ આપતા કિરીટ સોમૈયાએ ઠાકરે સરકાર પર શિવસેનાના નેતાઓનું મૂલ્યાંકન કરીને કટાક્ષ કર્યો હતો.