ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 26 ઑગસ્ટ, 2021
ગુરુવાર
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સામે વિવાદાસ્પદ નિવેદન બદલ કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેની ધરપકડ બાદ જામીન પર છુટકારો થયો છે. જોકે હવે ભાજપે શિવસેના પર પલટ વાર કર્યો છે. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ માટે 2018માં પાલઘરની લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ અપશબ્દો ઉચ્ચાર્યા હતા. એ પ્રકરણમાં યવતમાળ જિલ્લાના ભાજપ અધ્યક્ષે ઉદ્ધવ ઠાકરે સામે પોલીસમાં ગુનો નોંધાવ્યો છે.
આ પ્રકરણમાં ઉદ્ધવ ઠાકરેની ધરપકડ નહીં કરી તો હાઈ કોર્ટમાં અરજી દાખલ કરવાની ધમકી પણ ભાજપે આપી છે, તો નાશિકમાં પણ ભાજપના કાર્યકર્તા દ્વારા ઉદ્ધવ ઠાકરે સહિત તેમનાં પત્ની અને ‘સામના’ અખબારના તંત્રી રશ્મિ ઠાકરે તેમ જ શિવસેનાની યુવા પાંખ યુવાસેનાના અધ્યક્ષ વરુણ દેસાઈ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, તો ઉત્તર પ્રદેશમાં પણ ભાજપ કાર્યકર્તાઓ દ્વારા ઉદ્ધવ ઠાકરે સામે ગુનો નોંધવામાં આવ્યો છે.