ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૭ જૂન ૨૦૨૧
ગુરુવાર
મહારાષ્ટ્ર સરકારે બૉમ્બે હાઈકોર્ટને જાણ કરી છે કે કોવિડ દર્દીઓ માટે ઉપયોગમાં લેવામાં આવતા રિમડેસિવીર ખરીદવા માટે સેલિબ્રિટી સોનુ સૂદ અને કૉન્ગ્રેસના ધારાસભ્ય ઝીશાન સિદ્દીકી સાથે જોડાયેલા કેસોમાં ગુનાહિત ફરિયાદોની તપાસ અને નોંધણી શરૂ કરવામાં આવી છે. સિદ્દીકી બીડીઆર ફાઉન્ડેશન નામના ટ્રસ્ટની મદદથી લોકોને મદદ કરી રહ્યો હતો. ટ્રસ્ટ પાસે ડ્રગ્સ સપ્લાય કરવાની જરૂરી મંજૂરી નહોતી. મહારાષ્ટ્ર સરકારે કહ્યું કે ટ્રસ્ટ અને ટ્રસ્ટી ધીર શાહ સામે મઝગાંવ મૅજિસ્ટ્રેટ કોર્ટમાં ફોજદારીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. એક ફાર્માસ્યુટિકલ્સ કંપની અને તેના 4 ડિરેક્ટર વિરુદ્ધ પણ કેસ નોંધાયો છે.
અભિનેતા સોનુ સૂદે રેમડેસિવીર દ્વારા દર્દીઓની મદદ કરવા સંદર્ભે, મહારાષ્ટ્ર સરકારે કહ્યું કે તપાસ દરમિયાન તેઓને "એથી બી, અને પછી બીથી સી નિર્દેશિત કરવામાં આવ્યા હતા અને છેવટે અમે તપાસ દરમિયાન લાઇફલાઇન મેડિકેર હૉસ્પિટલની અંદર આવેલા મેડિકલમાં પહોંચી ગયા હતા."
ન્યાયાધીશ કુલકર્ણીએ કહ્યું, "દવા ઉપલબ્ધ છે કે નહી, સપ્લાય કાયદેસર છે કે નહીં તેની ચકાસણી કર્યા વિના આ લોકો મસિહા બનવા માગે છે. અમે રાજ્ય સરકારને તેમની પ્રક્રિયાઓની ચકાસણી કરવાની અપેક્ષા રાખીએ છીએ, તેમના વિના, કોઈ પણ વ્યક્તિને જાણવું અશક્ય હતું કે આ સપ્લાયર કોણ છે. અમે ઇચ્છીએ છીએ કે તમે આ બંનેની ભૂમિકાની ખૂબ જ ગંભીરતાથી તપાસ કરો.”
ઉલ્લેખનીય છે કે રેમડેસિવીરની સપ્લાય સીધી કેન્દ્ર સરકાર મારફેત રાજ્ય સરકારોને કરવામાં આવે છે. તેવામાં અભિનેતા સોનુ સૂદ અને ધારાસભ્ય ઝીશાન સિદ્દીકી પાસે લોકોની મદદ કરવા રેમડેસિવીર ક્યાંથી આવ્યા તેવો ગંભીર સવાલ કોર્ટે કર્યો છે.