ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 ઑક્ટોબર, 2021
સોમવાર
મુંબઈ યુનિવર્સિટીમાં કૉન્ટ્રૅક્ટ પર કામ કરતા કર્મચારીઓને પગાર આપવા પૈસા નથી, પરંતુ 142 કરોડ રૂપિયાનું કૌભાંડ કરવા માટે પૈસા છે એવા આરોપ મુંબઈ યુનિવર્સિટીના સિનેટ સભ્યોએ તાજેતરમાં યુનિવર્સિટીના સભ્યોની યોજાયેલી સભામાં કર્યો છે.
વર્ષોથી કૉન્ટ્રૅક્ટ પર કામ કરતા અસ્થાયી કર્મચારીઓને માંડ 8,000થી 9,000નો પગાર આપવામાં આવી રહ્યો છે. તેમને કાયમી સ્વરૂપે લેવામાં આવતા નથી. કોરોના સમયમાં પણ આ કર્મચારીઓને કોઈ આર્થિક મદદ કરવામાં આવી નથી, છતાં તેઓ સતત કામ કરી રહ્યા છે, જેમાં સિક્યૉરિટી ગાર્ડ સહિતના અન્ય કર્મચારીઓનો સમાવેશ થાય છે.
હાલ યુનિવર્સિટીમાં 1,300 જગ્યા ખાલી છે, ત્યારે 20 વર્ષથી પણ વધુ સમયથી કૉન્ટ્રૅક્ટ પર કામ કરનારા કર્મચારીઓને કાયમી સ્વરૂપે લેવામાં આવે એવી માગણી પણ લાંબા સમયથી યુનિવર્સિટીના સિનેટ સભ્ય કરી રહ્યા છે. છતાં એના તરફ દુર્લક્ષ કરવામાં આવી રહ્યું છે, ત્યારે સિનેટ સભ્યોએ યુનિવર્સિટી પાસે 142 કરોડ રૂપિયાનું કૌભાંડ કરવા પૈસા છે, પણ વર્ષોથી મહેનત કરનારા કર્મચારીઓને આપવા પૈસા નથી એવો આરોપ કર્યો હતો. યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર સુહાસ પેડણેકરે આ બાબતે ઘટતું કરવાનું આશ્વાસન આપ્યું હતું.