ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 8 જૂન 2021
મંગળવાર
કોરોના પ્રતિબંધક વેક્સિન ઉપલબ્ધ કરી આપ્યા છતાં મહારાષ્ટ્ર સરકારની વેક્સિનેશનની કામગીરી અત્યંત નિરાશાજનક રહી હતી. એથી કેન્દ્ર સરકારે આ મુદ્દે મહારાષ્ટ્ર સરકારને બરોબરની ખખડાવી છે.
કેન્દ્ર સરકારે બહાર પાડેલા આંકડા મુજબ જાન્યુઆરીથી માર્ચ આ ત્રણ મહિનામાં મહારાષ્ટ્ર સરકારે તેમને આપવામાં આવેલી વેક્સિનમાંથી ફકત 60 ટકા વેક્સિનનો ઉપયોગ કર્યો હતો. એટલું જ નહીં, પણ વેક્સિનની અછત વચ્ચે વેક્સિનનો વેડફાટ પણ સૌથી વધુ મહારાષ્ટ્રમાં થયો હતો. એ સામે પણ કેન્દ્ર સરકારે ભારે નારાજગી વ્યક્ત કરી છે.
અહીં ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રને જાન્યુઆરીમાં 19.7 લાખ વેક્સિન મળી હતી, પણ ફક્ત 2.7 લાખ વેક્સિન જ વાપરવામાં આવી હતી. ફેબ્રુઆરીમાં 41.2 લાખ વેક્સિનમાંથી 9.3 લાખ અને માર્ચમાં 82.4 લાખમાંથી ફ્કત 50.1 લાખ વેક્સિનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારના આંકડા મુજબ 4 જૂન, 2021 સુધીમાં મહારાષ્ટ્રમાં ફક્ત 77 ટકા આરોગ્ય કર્મચારીઓને વેક્સિનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે. જે નૅશનલ સ્તરે સરેરાશ 81 ટકા છે.
આરોગ્ય કર્મચારી અને ફ્રન્ટલાઇન કર્મચારીઓને અગ્રેસર રીતે વેક્સિન આપવાનો આદેશ છે, છતાં તેમનું 84 ટકા વેક્સિનેશન જ થયું છે. 45 વર્ષથી ઉપરના નાગરિકોના વેક્સિનેશનમાં પણ મહારાષ્ટ્રમાં કામગીરી નિરાશાજનક છે. 4 જૂન સુધીમાં આ એજ ગ્રુપના ફકત 40 ટકા લોકોને વેક્સિન આપવામાં આવી છે.
એટલું જ નહીં પણ મહારાષ્ટ્રને ઉપલબ્ધ કરી આપવામાં આવેલી 2.37 કરોડ વેક્સિનમાંથી 11.65 લાખ વેક્સિન વેડફાઈ ગઈ હોવાનો પણ કેન્દ્ર સરકારે દાવો કર્યો છે.