ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 સપ્ટેમ્બર, 2021
શનિવાર
રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના અધ્યક્ષ શરદ પવારે કૉન્ગ્રેસની હાલત જમીન વગરના જમીનદાર જેવી સરખાવતાં રાજ્યમાં કૉન્ગ્રેસ પાર્ટીમાં ખળભળાટ મચી ગયો છે. જે કૉન્ગ્રેસ પાર્ટીએ એક સમયે પૂરા મહારાષ્ટ્રની જવાબદારી શરદ પવારના ખભા પર નાખી હતી, તે જ વખતોવખત કૉન્ગ્રેસના નેતૃત્વ પર ટીકા કરતા હોવાથી કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતાઓ ઉશ્કેરાઈ ગયા છે. એટલુ જ નહીં, પણ મહારાષ્ટ્રના વરિષ્ઠ નેતાગણે શરદ પવારને જ જમીન હડપી લેનારો ગણાવીને પોતાની નારાજગી પણ વ્યક્ત કરી હતી.
“કૉન્ગ્રેસ પાર્ટીએ સ્વીકારી લેવું જોઈએ કાશ્મીરથી કન્યાકુમારી સુધી હવે તેમનો દબદબો પહેલાં જેવો રહ્યો નથી.” શરદ પવારની આ ટિપ્પણીથી કૉન્ગ્રેસ ઉશ્કેરાઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં સત્તારૂઢમાં તેમના સાથીદાર રહેલા પક્ષે હવે વાસ્તવિકતા સ્વીકારવી લેવી જોઈએ એવા શબ્દોમાં કૉન્ગ્રેસને શરદ પવારે સલાહ પણ આપી છે.
મહારાષ્ટ્રમાં લાંબા સમયથી મહાવિકાસ આઘાડી સરકારમાં આંતરિક વિવાદ ચાલી રહ્યા છે. કૉન્ગ્રેસ સતત તેમની અવગણના કરવામાં આવતી હોવાની ફરિયાદ કરી રહી છે, ત્યારે તાજેતરમાં શરદ પવારે કૉન્ગ્રેસને ઉલ્લેખીને કહ્યું હતું કે “એક સમય હતો, જ્યારે કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી કૉન્ગ્રેસ હતી. હવે એવું નથી. તેમણે સત્યનો સ્વીકાર કરી લેવો જોઈએ. આ તથ્યનો સ્વીકાર કરવાની માનસિકતા કૉન્ગ્રેસની જ્યારે થશે ત્યારે જ અન્ય વિપક્ષી દળો નજીક આવશે.’’
લોકસભાની 2024ની ચૂંટણીમાં શું વિપક્ષના ચહેરા તરીકે મમતા બેનર્જીને આગળ કરવામાં આવશે? એવા સવાલ લાંબા સમયથી થઈ રહ્યા છે. જોકે કૉન્ગ્રેસ મમતા બેનર્જીને વિપક્ષના નેતા તરીકે સ્વીકારવા તૈયાર નથી. તે રાહુલ ગાંધીને વિપક્ષના નેતા ગણાવી રહી છે. એવા સમયે શરદ પવારે જમીનદારોનો કિસ્સો સંભળાવીને કૉન્ગ્રેસની અપ્રત્યક્ષ રીતે ટીકા કરતાં કહ્યું હતું કે તેઓ એવા જમીનદાર છે, જેણે પોતાની મોટા ભાગની જમીન ગુમાવી દીધી અને હવેલીની સંભાળ રાખવામાં પણ અસમર્થ હતા.
શરદ પવારની આ ટીકાનો જોકે નાના પટોળેએ અપ્રત્યક્ષ રીતે સણસણતો જવાબ આપતાં કહ્યું હતું કે શરદ પવાર મોટા નેતા છે. તેમના માટે બહુ કંઈ કહેવું નથી. કૉન્ગ્રેસે કોઈ દિવસ જમીનદારી કરી નથી. કૉન્ગ્રેસ કંઈ જમીનદારોનો પક્ષ નથી. ઊલટાનું કૉન્ગ્રેસે અનેક લોકોને જમીન સંભાળવા આપી હતી. તેમને પાવર આપ્યો હતો અને તેઓ જ જમીન પડાવી ગયા હતા.
ગંગા નદીમાં પણ કોરોનાવાયરસ? આરોપો થતાં આ ટેસ્ટ કરાયો
અહીં ઉલ્લેખનીય છે કે એક સમયે મહારાષ્ટ્રમાં કૉન્ગ્રસેનું વર્ચસ્વ હતું. મહારાષ્ટ્ર કૉન્ગ્રેસનો ગઢ ગણાતું હતું. તેમ જ મહારાષ્ટ્રમાં કૉન્ગ્રેસની ધુરા શરદ પવાર સંભાળતા હતા. પરંતુ સોનિયા ગાંધીના વિદેશી કુળને લઈને શરદ પવારે કૉન્ગ્રેસથી અલગ છેડો ફાડીને પોતાનો રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પક્ષ સ્થાપ્યો. તેથી નાના પટોળેએ અપ્રત્યક્ષ રીતે શરદ પવારની ટીકાની સામે તેમને જમીન પડાવી જનારા તરીકે કરી હતી.