ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,31 જાન્યુઆરી 2022
સોમવાર.
મહારાષ્ટ્રમાં SSC અને HSC બોર્ડની પરીક્ષાનો સમય નજીક આવી રહ્યો છે. ત્યારે પરીક્ષા તેના નિયત સમય મુજબ થશે કે નહીં તેની ચિંતા વિદ્યાર્થીઓની સાથે જ વાલીઓને સતાવી રહી છે ત્યારે રાજ્યના શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે રવિવારે કહ્યું હતું કે કોરોનાની પરિસ્થિતિનો અભ્યાસ કર્યા બાદ 10મા અને 12માની પરીક્ષાઓનો નિર્ણય લેવામાં આવશે.
મુંબઈ સહિત રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ નિયંત્રણમાં છે. છતાં આગામી દિવસોમાં કોરોનાની પરિસ્થિતનો અહેવાલ લીધા બાદ જ સરકાર કોઈ નિર્ણય લેવા માંગતી હોવાનું કહેવાય છે. એટલે 10મી અને 12ની પરીક્ષાઓ ઓફલાઈન લેવા બાબતે 15 ફેબ્રુઆરી સુધીમાં નિર્ણય લેવામાં આવે એવી શક્યતા છે.
રવિવારે વર્ષા ગાયકવાડે કહ્યું હતું કે કે બોર્ડ, SERTC, શિક્ષક સંઘ, શિક્ષક નિષ્ણાતો અને સ્કૂલના પ્રિન્સીપાલ સાથે ચર્ચા કરીને પછી જ નિર્ણય લેવામાં આવશે. હાલ જોકે પરીક્ષાઓ સમયસર અને તે પણ ઑફલાઇન જ થશે એવું માનવામાં આવે છે.
મહારાષ્ટ્ર મહાપાલિકાઓની ચૂંટણી આડે ઓબીસી નું વિઘ્ન? પાલિકાઓ પર નીમાશે પ્રશાસક; જાણો વિગત,
આગામી શૈક્ષણિક વર્ષ સમયસર શરૂ થાય તે માટે રાજ્ય સરકાર પ્રયાસ કરી રહી છે. જેથી હવે પરીક્ષા અને અન્ય બાબતોને ધ્યાનમાં લીધા બાદ જ નિર્ણય લેવામાં આવશે એવી સ્પષ્ટતા પણ વર્ષા ગાયકવાડે કરી હતી. આવતા શૈક્ષણિક વર્ષમાં 11માની પ્રવેશ પ્રક્રિયા ઓનલાઈન પદ્ધિતએ કરવાની પણ તેમણે જાહેરાત કરી હતી.
બોર્ડ દ્વારા દસમા અને બારમાની બોર્ડની લેખિત પરીક્ષા અને સંબંધિત ફેરફારો માટે સરકારને રજૂ કરવામાં આવેલી દરખાસ્ત પર બે દિવસમાં નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે. શિક્ષણ રાજ્યમંત્રી બચ્ચુ કડુએ 10મા અને 12મા ધોરણની પરીક્ષાઓ મોકૂફ રાખવાની સૂચના આપ્યા બાદ શિક્ષણ વિભાગ દ્વારા સમીક્ષા હાથ ધરવામાં આવી રહી છે. બીજી તરફ બોર્ડ દ્વારા રજુ કરાયેલ દરખાસ્તમાં સમયપત્રક મુજબ પરીક્ષા લેવાનો આગ્રહ રાખવામાં આવ્યો હોવાનું બોર્ડના ચેરમેન શરદ ગોસાવીએ મીડિયાને જણાવ્યું હતું.