ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 2 ઑક્ટોબર, 2021
શનિવાર
કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને ગૃહમંત્રી અમિત શાહની પ્રશંસા કરી છે. તેમણે મુશ્કેલ પરિસ્થિતિમાં સમયસર મદદ મોકલવાની યાદગીરી પણ શૅર કરી.
દિગ્વિજય સિંહના એક સમયના સાથીદાર ઓપી શર્માનું ‘નર્મદા કે પથિક’ પુસ્તકનું તાજેતરમાં જ વિમોચન થયું હતું. એ સમારંભમાં સિંહે આમ કહ્યું હતું.
સમારોહ દરમિયાન તેમણે તેમની નર્મદા પરિક્રમાને યાદ કરી. તેમણે કહ્યું, “હું અને મારી પત્ની અમૃતા બંનેએ 2017માં એકસાથે નર્મદા પરિક્રમા કરી હતી. એ દરમિયાન અમે ગુજરાતના એક સ્થળે રાત્રે દસ વાગ્યે પહોંચ્યાં. ચારે બાજુથી એ જગ્યા જંગલથી ઘેરાયેલી હતી અને ત્યાંથી આગળ વધવાનું હતું, પણ ત્યાં કોઈ રસ્તા નહોતા અને કોઈ સ્ટૉપ નહોતા. સદનસીબે વન અધિકારી ત્યાં આવ્યા. તેમણે અમને સૌથી વધુ મદદ કરી. ગૃહમંત્રી અમિત શાહે મદદનો આદેશ આપ્યો હતો. હકીકતમાં ગુજરાતમાં એ સમયે ચૂંટણીઓ પુરજોશમાં હતી. હું તેમનો સૌથી મોટો વિરોધી છું. જોકે શાહે અમારી પરિક્રમામાં અમને સૌથી વધુ મદદ મળે એવી વ્યવસ્થા કરી હતી.” સિંહે વધુમાં કહ્યું, “તેઓ અમને જંગલની બહાર લઈ ગયા અને અમારા ભોજનની વ્યવસ્થા કરી.”
નવી ટેક્નોલૉજીને લીધે ડાયાલિસિસની જરૂરિયાત હવે નહીં રહે, આશાનું નવું કિરણ
તેમણે આગળ કહ્યું, “હું આજ સુધી ક્યારેય શાહને મળ્યો નથી, પરંતુ તેમનો આભાર ચોક્કસપણે માનું છું. રાજકીય સમન્વયનું આ એક ઉત્તમ ઉદાહરણ છે. ભલે હું સંઘનો વિરોધી હતો, પણ સંઘના કાર્યકરો યાત્રા દરમિયાન મને મળતા હતા. ત્યારે મેં તેમને પૂછ્યું કે આ બધું શા માટે? હું તેમને ખૂબ પરેશાન કરતો હતો, ત્યારે તેમણે કહ્યું કે તેમને આવું કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જ્યારે હું ભરૂચમાંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે સંઘના કાર્યકરોએ અમારા માટે ધર્મશાળામાં વ્યવસ્થા કરી હતી. અમે જ્યાં ઊતર્યા એ ધર્મશાળામાં સંઘના વરિષ્ઠ નેતાઓના ફોટા હતા.’’
સિંહે કહ્યું કે “હું આ એટલા માટે કહું છું, કારણ કે લોકોને સમજવું જોઈએ કે ધર્મ અને રાજકારણ અલગ છે.”