ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 ઑગસ્ટ, 2021
બુધવાર
મહારાષ્ટ્ર સરકારે અગિયારમા ધોરણના પ્રવેશ માટે કૉમન એન્ટ્રસ ટેસ્ટ (CET)ની જાહેરાત કરી હતી, જેને બૉમ્બે હાઈ કોર્ટે રદ કરી છે. મહારાષ્ટ્ર સરકારના ઉતાવળિયા અને અભ્યાસ કર્યા સિવાય કોઈ પણ આદેશને અલમમાં મૂકવાને પગલે કોર્ટે તેમને સુનાવણી દરમિયાન ફટકારી પણ હતી. CET પરીક્ષા લેવાના સરકારના આદેશને રદ કરતો કોર્ટનો આ આદેશ જોકે હોશિયાર વિદ્યાર્થીઓ માટે અન્યાયકારી હોવાનો મત શિક્ષણ નિષ્ણાતોએ વ્યક્ત કર્યો છે. તેમ જ અગિયારમાના પ્રવેશ માટે CET રદ કરવાના નિર્ણયને સુપ્રીમમાં પડકારવાની સલાહ પણ શિક્ષણ-નિષ્ણાતો આપી રહ્યા છે.
અગિયારમાના પ્રવેશ માટે CET એક્ઝામ લેવાની સરકારની જાહેરાતને બૉમ્બે હાઈ કોર્ટમાં પડકારવામાં આવી હતી. કોર્ટે CET રદ કરીને દસમા ધોરણના માર્ક્સના આધારે પ્રવેશ આપવાની પ્રક્રિયા અમલમાં મૂકવાનો આદેશ આપ્યો છે.
કોર્ટના કહેવા મુજબ સ્ટેટ બોર્ડના અભ્યાસક્રમ આધારિત CET એ અન્ય બોર્ડના વિદ્યાર્થીઓ માટે અન્યાયકારી હશે. તેમ જ 18 વર્ષથી નીચેનાં બાળકોને હજી સુધી વેક્સિન આપવામાં આવી નથી એવા સંજોગોમાં પ્રત્યક્ષ રૂપમાં તેમની પરીક્ષા લેવી એ સરકારનો નિર્ણય મનમાનીભર્યો અને કઠોર છે. દસમાના માર્કના આધારે છ અઠવાડિયાંમાં પ્રવેશપ્રક્રિયા પૂરી કરવાનો આદેશ પણ કોર્ટે આપ્યો છે.
જોકે કોર્ટનો આ નિર્ણય શિક્ષણ-નિષ્ણાતોને પસંદ આવ્યો નથી. તેમના કહેવા મુજબ CET રદ કરવાથી હોશિયાર બાળકોને અન્યાય થવાનો છે. દસમાના માર્ક આપતાં સમયે સ્કૂલોએ પોતાની મરજીથી મનફાવે એ રીતે વિદ્યાર્થીઓને માર્ક્સ આપ્યા હોવાનું કહેવાય છે. એને કારણે અનેક વિદ્યાર્થીઓને તેમની અપેક્ષા કરતાં વધુ માર્ક મળ્યા છે. એમાં જોકે હોશિયાર વિદ્યાર્થીઓને નુકસાન થયું છે, એથી તેઓને તેમની પસંદગીની કૉલેજમાં ઍડ્મિશન મેળવામાં તકલીફ થશે. અગિયારમાની પ્રવેશપ્રક્રિયા દસમાના માર્ક્સને આધારે આપતાં વિદ્યાર્થીઓની ગુણવત્તા પર ધ્યાન નહીં આપી શકાય. CET રદ થવાથી ગુણવત્તા કયા આધારે તપાસવામાં આવશે એવો સવાલ પણ નિષ્ણાતો કરી રહ્યા છે.
રાજ્યનું શિક્ષણ ખાતું પોતાના તઘલગી નિર્ણય લેતી હોય છે, જેને કોર્ટ ફગાવી દેતી હોય છે. એ પાછળ શિક્ષણપ્રધાનથી લઈને અધિકારીઓનો કોઈ પણ વિષય પર અભ્યાસ નહીં કરતાં, લેવામાં આવતો નિર્ણય જવાબદાર છે. એની કિંમત હોશિયાર વિદ્યાર્થીઓએ ચૂકવવી પડે છે એવી ટીકા પણ નિષ્ણાતો કરી રહ્યા છે.
મુંબઈના લાલચુ શાળા મંડળો શીખો આ નાસિકની શાળા પાસેથી, બાળકોને ઘરે ઘરે ભણવવા જાય છે શિક્ષકો.
તો અમુક નિષ્ણાતોએ હાઈ કોર્ટના નિર્ણય હોશિયાર વિદ્યાર્થીઓ માટે અન્યાયકારી હોવાથી તેને સુપ્રીમમાં ચૅલેન્જ કરવાની સલાહ પણ આપી છે. અનેક વિદ્યાર્થીઓને 99થી 100 ટકા માર્ક મળ્યા છે, તો 90 ટકાથી વધુ માર્ક મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા પણ વધુ છે, એથી સારી કૉલેજમાં પ્રવેશ મેળવવા માટે હોશિયાર વિદ્યાર્થીઓને બહુ તકલીફ થવાની છે. એથી CET થવી જ જોઈતી હતી એવો મોટા ભાગના નિષ્ણાતોનો મત છે.